રાજકોટ
News of Wednesday, 20th November 2019

રૂ.૪ લાખ ૭પ હજારના ચેક રિટર્ન કેસમાં આરોપીનો નિર્દોષ છુટકારો

રાજકોટ તા. ર૦ : રાજકોટ શહેરમાં ૧પ૦ ફુટ રીંગ રોડ, ટાઇમ્સ સ્કેવર ઓફીસ નં. ૩૧૩ માં ધંધો કરતા જગદીશભાઇ રામજીભાઇ કપુરીયાએ મેહુલનગર, નવરંગ ડેરી રાજકોટ વાળા પ્રવિણભાઇ ધીરૂભાઇ તળાવીયા સામે, રૂ.૪,૭પ,૦૦૦ નો ચેક રીટર્ન થયા અંગેની ફરીયાદ રાજકોટના એડિશ્ન ચીફ જયુડી. મેજી.ની કોર્ટમાં નોંધાવેલ જે અંગેનો કેસ ચાલી જતા આરોપી પ્રવિણભાઇ ધીરૂભાઇ તળાવીયાને રાજકોટના જયુડી.મેજી.કોર્ટે નિર્દોષ ઠરાવી છોડી મુકેલ છે.

બનાવની હકીકત એવી છે કે, જગદીશભાઇ રામજીભાઇ કપુરીયાએ કે જેઓ પ્રવિણભાઇ ધીરૂભાઇ તળાવીયાના મિત્ર હોય અને જેઓ સાત વર્ષથી એક બીજાના પરિચયમાં હોય અને પ્રવિણભાઇ નવરંગ દુધની ડેરીનો ધંધો કરતા હોય ધંધાના વિકાસ માટે ફરીયાદી જગદીશભાઇ પાસેથી વગર વ્યાજે પાંચ માસ માટે રૂ.૪,૭પ,૦૦૦ તા.૧પ/૧/ર૦૧૬ ના રોજ રોકડા લીધેલા અને જે રકમ આપ્યાનો પાંચ માસનો સમય પુરો થતા રકમની માંગણી થતા આરોપી પ્રવિણભાઇએ જગદીશભાઇ જીવન કોમર્શીયલ કો.ઓ. બેન્ક સોરઠીયાવાડી બ્રાંચનો તા.ર૧/૬/ર૦૧૬ ના ચેક ભરીને આપેલો જે ચેક ફરીયાદી જગદીશભાઇએ પોતાની બેન્ક ધી કો.ઓપરેટીવ બેન્કમાં વટાવવા નાખતા જે ચેક એકાઉન્ટ કલોઝના શેરા સાથે પરત ફરેલ જે અંગે દિન ૧પમાં રકમ ચુકવી આપવા નોટીસ આપેલ છતા રકમ ન ચુકવતા રાજકોટની કોર્ટમાં ધી નેગોશ્યીએબલ ઇન્સ્ટ્રુ્રુમેન્ટ એકટની કલમ ૧૩૮, ૧૪ર મુજબની ફરીયાદ દાખલ કરેલ.

આ ફોજદારી કેસનું સમન્સ બજતા આરોપી હાજર થયેલ ત્યાર બાદ પ્લી. લીધા બાદ ફરીયાદીએ પુરાવો રજુ રાખેલ જેની ઉલટ તપાસ કરવામાં આવેલ ફરીયાદ પક્ષે બેન્કન સાહેદોને તપાસેલ ત્યાર બાદ આરોપીને એફ.એસ.લેવામાં આવેલ અને આરોપીએ સોગંદ ઉપર જુબાની આપેલ અને પોતે ફરીયાદી પાસેથી રકમ લીધેલ ન હોવાનું જણાવેલ.

ત્યાર બાદ બન્ને પક્ષો ફરીયાદ પક્ષ અને બચાવ પક્ષે લેખિત તથા મૌખિક દલીલો કરવામાં આવેલ અને વડી અદાલતોના ચુકાદાઓ રજુ કરવામાં આવેલ જે તમામને આધારે બચાવ પક્ષ દ્વારા કરવામાં આવેલ દલીલને ધ્યાનમાં લઇ આરોપી પ્રવિણભાઇ ધીરૂભાઇ તળાવીયાને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરેલ છે.

આ કામે આરોપી પ્રવિણભાઇ ધીરૂભાઇ તળાવીયા વતી રાજકોટના જાણીતા યુવા એડવોકેટ  અમિત એસ.ભગત, ડી.વી.દત્તા, આનંદકુમાર ડી. સદાવ્રતી, ધર્મેન્દ્ર ડી. બરવાડીયા તથા હિરેન્દ્રસિંહ આર. ચોહાણ રોકાયેલ હતા.

(3:53 pm IST)