રાજકોટ
News of Wednesday, 20th November 2019

શું આજનો યુવાવર્ગ કિંમતી સમય આ રીતે વેડફી નાખશે? વિચારવા જેવું

રાજકોટ : કહેવાય છે કે, ભારતની ૬૫ ટકા વસ્તી યુવા વર્ગની છે. યુવા શબ્દ જીવંતતા આનંદ, ઉત્સાહ અને જનૂન સાથે જોડાયેલો છે. કારણ કે યુવા પેઢીના લોકો જોમ અને જોશથી ભરેલા હોય છે. તેઓ નવી નવી વસ્તુને જાણવા માટે ઉત્સુક હોય છે અને વિશ્વમાં નવા નવા સંશોધનો કરવા તત્પર હોય છે. દેશનો યુવા આવતીકાલની આશા છે. યોગ્ય માનસિકતા અને ક્ષમતા સાથે યુવા રાષ્ટ્રના વિકાસમાં યોગદાન કરી શકે છે. રાષ્ટ્રને નવી ઉંચાઈએ લઈ જઈ શકે છે. આજનો યુવાન પ્રતિભા અને ક્ષમતાવાળો છે. પરંતુ આ તસ્વીરમાં બેઠેલો યુવાવર્ગ કંઈક અલગ પ્રકારની અવસ્થામાં બેઠેલો નજરે પડે છે. આ તસ્વીર એક કોલેજ બહારની છે. જયાં દેશનો યુવા રાષ્ટ્ર નિમાર્ણને બદલે રાષ્ટ્રને જાણે અધોગતિમાં લઈ જવો હોય એ અવસ્થામાં જોવા મળે છે. કોઈ યુવા મોબાઈલની ગેમ રમવામાં તો કોઇ પબજી રમવામાં વ્યસ્ત છે તો કોઈ નિરાંતની પળો માણતો દેખાય છે. માતા-પિતાને અભ્યાસ અર્થે જવુ કહીને ઘરેલી નીકળેલા આ યુવાનો પોતાની કોલેજ બહાર અભ્યાસને બદલે કિંમતી સમયને વેડફી નાખતા નજરે પડે છે. જે વર્ગ દેશનું ભાવિ છે તેને નિરાંત હોવી જ ન જોઈએ. તે સતત પ્રવૃતિમય હોવો જોઈએ તેને બદલે અહિંનો યુવા અભ્યાસને બદલે બીજી બધી પ્રવૃતિઓમાં વ્યસ્ત માલૂમ પડે છે. આ યુવા વર્ગને એટલુ જ કહેવાનુ મન થાય છે કે ભગવાને આપેલી યુવાની વેડફી ન નાખો, મોબાઈલના ગુલામ ન બની જાવ, અભ્યાસ કરી સારા માર્કસ લાવી એક સારા નાગરીક બનો. જો આ યુવા પોતાના કૌશલ્ય અને ક્ષમતાનો પૂરો ઉપયોગ કરશે તો દેશ નિશ્ચિત રીતે પ્રગતિ અને ઉન્નતિના માર્ગે જશે.

કિલક - કહાની

તસ્વીર - અહેવાલ

અશોક બગથરીયા

(3:42 pm IST)