રાજકોટ
News of Wednesday, 20th November 2019

સી.એ. ફાયનલમાં પ્રથમ પ્રયત્ને જ યશસ્વી થનાર ભાઇ-બહેન કિશન/શિવાનીનો ''સન્માન સમારોહ''

રાજકોટઃ તાજેતરમાં જ સી.એ. ફાયનલનું રીઝલ્ટ બહાર પડતા રાજકોટ મહાનગરપાલિકાના ઓડિટ શાખાના કર્મચારી શ્રી અશોક વનરાવન રાયજાદાનાં બે સંતાનો ''કિશન'' તથા ''શિવાની'' (ભાઇ-બ્હેન) પ્રથમ પ્રયત્ને જ સફળ થઇ ઉતિર્ણ થતા તેમને સન્માન કરવાનો એક સમારોહ મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોન ખાતે યોજાય ગયો. સમારોહ અધ્યક્ષ સ્થાને મ.ન.પા.ની ઓડીટ શાખાના ચીફ ઓડીટરશ્રી કે. એલ. ઠાકોર સાહેબ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત કર્મચારી પરિષદના અને યુનિયન લીડર્સ જયેન્દ્રભાઇ મહેતા, બી.બી. જાડેજા, દિલીપ પંડયા, સુખદેવસિંહ જાડેજા, શશીભાઇ જાની, નવીનભાઇ રાયજાદા ઉપરાંત મેયરશ્રીના પી.એ. કનુભાઇ હિંડોચા, ડે. ચીફ ઓડિટર બી. વી. મારૂ સ્પોર્ટસ એન્ડ રીક્રીએશન કલબના પ્રમુખશ્રી મૌલેશભાઇ વ્યાસ, હસુભાઇ ગણાત્રા, રાયાજી પરિવારના મોભી શ્રી પનાબેન તથા બંન્ને બાળકોના માતુશ્રી રીમ્પલબેન રાયજાદા વગેરે ઉપસ્થિત રહ્યા હતા તે વખતની તસ્વીર. અધ્યક્ષ સ્થાને શુભેચ્છા-અભિનંદન પાઠવતા શ્રી ઠાકોરે જણાવ્યું હતું કે કઠોર પરિશ્રમનો કોઇ વિકલ્પ નથી લક્ષ્યથી વિચલીત થયા વગર સતત પ્રયત્ન કરીએ તો સફળતા અવશ્ય પ્રાપ્ત થાય છે. યુનિયનનાં અગ્રણી જયેન્દ્રભાઇ મહેતાએ જણાવ્યું હતું કે, સી.એ.ની ડીગ્રી મેળવવી ખુબ અઘરી હોય છે. ત્યારે મનપાના કર્મચારી અને કર્મચારી પરીષદ પરિવારના સદસ્ય અશોક રાયજાદાનાં બે સંતાનોએ એક સાથે આ સિધ્ધી પ્રાપ્ત કરી છે. તો અમને ગર્વ છે. આ બંને સંતાનો જીવનમાં ખુબ આગળ વધે તેવી અંતમાં શુભેચ્છા પાઠવી હતી. આ ઉપરાંત યુનિયનના લીડરશ્રી બી. બી. જાડેજાએ પણ અભિનંદન પાઠવ્યા હતા. સ્પોર્ટસ કલબના પ્રમુખ મૌલેશભાઇ વ્યાસ, હસુભાઇ ગણાત્રા, બી. બી. જાડેજા વગેરેએ પ્રતિભાવો આપ્યા હતાં. આ સન્માન સમારોહમાં કર્મચારી પરીષદ યુનિયનો હિતેષભાઇ આર. ભટ્ટ, શ્રી રમેશભાઇ ડોડીયા વગેરેએ જહેમત ઉઠાવી હતી.

(3:33 pm IST)