રાજકોટ
News of Wednesday, 20th November 2019

મંદીમાંથી બહાર નિકળતા સમય લાગશે, સરકારે આયોજન કરવું જરૂરી

ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા યોજાયો ત્રિરંગા કાર્યક્રમ : આર્થિક નીતિ ગંભીરતાથી ઘડવામાં આવેલ ન હોય નિષ્ફળ ગયા : ઈન્ડિયા ટુડેના તંત્રી અંશુમન તિવારી

રાજકોટ : ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા ત્રિરંગા કાર્યક્રમ દરમિયાન ભારતની વર્તમાન આર્થિક સ્થિતિ અંગે વકતવ્ય તથા પ્રવર્તી રહેલ મંદીમાં સરકાર દ્વારા લેવાયેલ પગલાની અસર વિશે વાર્તાલાપનો કાર્યક્રમ યોજાયો હતો.

મંદી અંગે બોલતા ડો.કે.કે. ખખ્ખરએ જણાવેલ કે આપણા દેશની આર્થિક નીતિઓ અંગે પ્રથમથી જ જેમ લાંબા ડગલામાં રહેલ અનેક બટનો બંધ કરતી વખતે પ્રથમ બટન ખોટા નાકામાં બંધ થાય અને છેલ્લે સુધી બટનો બંધ કરતા ડગલો જે પ્રકારે લાગે તેમ આપણી આર્થિક સ્થિતિ બેહુદી બનેલ છે. જુદી જુદી સરકારોએ શરૂઆતના તબક્કે લાંબા સમયની યોજનાઓ આયોજન પંચ દ્વારા કરવામાં આવતી જે છેલ્લા સમયમાં ટૂંકા સમયને નજરમાં રાખી યોજનાઓ બને છે. જે વેપાર ઉદ્યોગને સુસંગ રહી શકતી નથી અને તેથી જ મંદીનું સર્જન થતુ હોય છે. સરકાર દ્વારા હાલમાં પ્રવર્તી રહેલ મંદીને દૂર કરવા જે પગલાઓ લેવામાં આવેલ છે તે ટૂંકાગાળાના પગલા હોય અને મોટા ઉદ્યોગોને - કોર્પોરેટ જગતને ફાયદારૂપી હોય નાના ઉદ્યોગોને કોઈ મહત્વનો ફાયદો પહોચતો  નથી હોતો. જયારે રોજગારી નાના ઉદ્યોગો મારફત પેદા થતી હોય છે અને ઉદ્યોગોનું જે ઉત્પાદન થાય છે તેની વપરાશકારો દ્વારા માંગણી હાલમાં ઘટી ગયેલ છે. તેથી ઉદ્યોગોમાં મંદી પ્રવર્તી રહેલ છે. આ મંદીના ઈલાજરૂપે ગ્રાહકો પાસેથી ઔદ્યોગિક ઉત્પાદનોની માંગણી ઉભી થાય તેવા પગલા લેવા જરૂરી છે અને આવા પગલા માટે દરેક વિસ્તારના ઉદ્યોગોને સરકારે ગંભીરતાપૂર્વક સાંભળી પગલા લેવા જોઈએ. કારણ કે જુદા જુદા વિસ્તારમાં અસ્તિત્વમાં રહેલ ઉદ્યોગોના પ્રશ્નો અને સુચનો પણ જુદા જુદા હોય છે. જે ધ્યાને લઈ લાંબાગાળાની નીતિનું આયોજન કરવુ જોઈએ. પરંતુ રાજકીય આગેવાનો આ બધી બાબતોને રાજકીય રીતે જોતા તેઓ માત્ર પાંચ વર્ષ પછી ચૂંટણી આવનાર હોય, તેને નજરમાં રાખી નીતિઓનું ઘડતર કરી રહેલ છે. જે યોગ્ય નથી.

આ પ્રસંગે ફુલછાબના તંત્રી શ્રી કૌશિકભાઈ મહેતાએ પ્રેસ રીપોર્ટીંગ તથા સાહિત્ય ક્ષેત્રે કરેલ કામગીરી બદલ પ્રાપ્ત કરેલ હરીન્દ્ર દવે ખ્યાતનામ એવોર્ડ બદલ તેમનું સન્માન કરવામાં આવેલ. આ ઉપરાંત રાઈફલ શૂટીંગ ક્ષેત્રે રાષ્ટ્રીય કક્ષાએ ગોલ્ડ મેડલો પ્રાપ્ત કરનાર અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પસંદગી પામેલ કુ. ધ્રુવી વોરાને સ્મૃતિચિન્હ તથા રૂ.૨૫૦૦ ગ્રેટર ચેમ્બર વતી રોકડ પુરસ્કાર તથા ગ્રેટર ચેમ્બરના ખજાનચી અને શ્રી પ્રહલાદસિંહજી અજીતસિંહ જાડેજા ચેરીટેબલ ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી શ્રી અજીતસિંહ જાડેજા દ્વારા રૂ.૨૧,૦૦૦ પુરસ્કારરૂપે આપવામાં આવેલ. આ ઉપરાંત હાલમાં જ કલકતા ખાતે યોજાયેલ રાષ્ટ્રીય કક્ષાની યોગ શિબિરમાં ભાગ લઈ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરતા શ્રી ભરતભાઈ ગાજીપરા સંચાલિત સર્વોદય સ્કુલની કુ.કાદમ્બરી ઉપાધ્યાયનું સ્મૃતિચિન્હ અર્પણ કરી અભિવાદન કરવામાં આવેલ. તેમજ અરૂણાચલથી ઓખા સુધીની ભારત જોડો સાયકલ યાત્રામાં ભાગ લેનાર સાઈકલ વીરોનું બહુમાન કરવામાં આવેલ.

દિલ્હીથી આવેલા ઈન્ડિયા ટુડેના તંત્રી અને જાણીતા અર્થશાસ્ત્રી શ્રી અંશુમન તીવારી દ્વારા વાર્તાલાપની શરૂઆત કરતા જણાવવામાં આવેલ કે દેશની રાજકીય સ્થિતિ અને આર્થિક સ્થિતિ આ બંને રેલની બે સમાંતર ચાલતી પટરી બરાબર રહેલ છે. બંને પટરી વ્યવસ્થિત ચાલતી હોય તો વિકાસની ટ્રેઈન ઝડપથી દોડી શકે. પરંતુ જયારે દેશની પ્રજાનો વિશ્વાસ રાજકીય સરકાર કે આગેવાનો પરથી ચલીત થાય ત્યારે આપણી વિકાસની ગાડી ધીમી પડી જાય અથવા રોકાઈ જતી હોય છે. હાલમાં આપણા દેશની પરિસ્થિતિ આ ઉદાહરણ મુજબ હોય તેવુ મારૂ માનવુ છે. જેમ ડો.કે.કે. ખખ્ખરએ જણાવ્યુ કે ભારત જેવા દેશની આર્થિક નીતિ લાંબા સમયની દૃષ્ટિએ આયોજન થવી જોઈએ તેમાં હું મારી વાતનો સુર પુરાવુ છું અને આપણે આયોજન આયોજન પંચની વિસર્જન કરી અને નીતિ પંચ નક્કી કર્યુ પરંતુ આપણી આર્થિક દિશા નક્કી કરી શકયા નથી. જેનું આ એક કારણ આ મંદીની લહેર આવવા માટેનું જ છે. તેમજ દેશના વિકાસનો દર એટલે કે જી.ડી.પી.નો આધાર ડોમેસ્ટીક પ્રોફીટ, આયાત નિકાસ પ્રોફીટ, ગુડઝ અને એન્ડ સર્વિસ દ્વારા થતો પ્રોફીટના આધારે નક્કી થતો હોય છે. આ પદ્ધતિમાં પણ આપણે ફેરફારો કરેલ છે અને આના અંગેના આંકડાકીય માહિતી પણ પારદર્શિત રહેલ નથી. આવા સંજોગોમાં આપણી આયાત નિકાસ નીતિ ટૂંક સમયમાં ફરી જાહેર કરવાની હોય, નિકાસ ક્ષેત્રે આપણે કામગીરી ઓછી થઈ ગયેલ છે. જે પણ આપણા જી.ડી.પી.ને નીચે લાવવામાં અસરકર્તા રહેલ છે. બીજી બાજુ આયાત નિકાસ નીતિ ઉપર અમેરીકા જેવા રાષ્ટ્રોના વાંધાને કારણે ડબલ્યુ.ટી.ઓ.નું દબાણ પણ વધી રહેલ છે. આ સંજોગોમાં આપણો આર્થિક વિકાસ દર ઓછો થયેલ છે. જે પણ મંદીનું એક કારણ રહેલ છે. જો કે માત્ર આપણા દેશમાં જ મંદી છે તેવુ ન કહી શકીએ પરંતુ આપણા જેવા યુવાન રાષ્ટ્રને આ મંદીની અસરને કારણે યુવાનોમાં બેરોજગારી વધી રહલ છે. જેથી ગંભીર અસર થયેલી ગણાય. આ ઉપરાંત તેઓએ જણાવેલ કે આપણા દેશનું અર્થતંત્ર મધ્યમ વર્ગની અને ગ્રામ્ય વિસ્તારની માંગને આધારીત ઔદ્યોગિક પ્રોડકશન પર તેમજ કૃષિ આધારીત નિર્ભર થયેલ છે. તેથી આ બંને ક્ષેત્રે આપણી આર્થિક નીતિ ગંભીરતાથી ઘડવામાં ન આવેલ હોવાના કારણે નિષ્ફળ ગયેલ છીએ. મારા માનવા પ્રમાણે મારૂ આંકડાકીય જ્ઞાન અને એનાલીસીસ પ્રમાણે આપણે આ મંદીમાંથી બહાર નીકળતા થોડો વધારે સમય લાગશે અને તે પણ સરકાર દ્વારા આયોજન વ્યવસ્થિત કરવામાં આવશે તો જ ટંુકા સમયમાં આપણે બહાર નીકળી શકીશુ.

એક અખબારી યાદીમાં ગ્રેટર ચેમ્બરના પ્રમુખ શ્રી ધનસુખભાઈ વોરા તથા ઉપપ્રમુખ શ્રી કાંતિભાઈ જાવીયાએ અંતમાં જણાવ્યુ છે.

(3:30 pm IST)