રાજકોટ
News of Wednesday, 20th November 2019

રાજકોટમાં લગ્નપ્રસંગે દાંડીયા રાસ રમ્યા બાદ ગોંડલના યુવાન હિરેન પંડ્યાનું મોત

પિતાના માસીની દિકરીના લગ્ન પ્રસંગમાં પુનિતનગરમાં આવ્યો હતો : સુતા બાદ ઉઠ્યો જ નહિઃ કર્મકાંડનું કામ કરતો હિરેન માતા-પિતાનો એકનો એક પુત્ર હતોઃ પરિવારમાં કલ્પાંત

રાજકોટ તા. ૨૦: જિંદગીની સફરનો કયારે, કયાં અને કેવી રીતે અંત આવી જાય તેની ખબર પડતી નથી. ગોંડલના ૨૮ વર્ષના બ્રાહ્મણ યુવાનનું રાજકોટમાં સગાના લગ્ન પ્રસંગમાં દાંડિયા રાસ રમ્યા બાદ મોત નિપજતાં અરેરાટી વ્યાપી ગઇ છે.

પ્રાપ્ત માહિતી મુજબ ગોંડલ દેરાસર શેરી નાની બજારમાં રહેતો હિરેન ઉદયભાઇ પંડ્યા (ઉ.વ.૨૮) નામનો યુવાન ગઇકાલે રાજકોટ ગોંડલ રોડ પુનિતનગર પાસે રહેતાં પોતાના પિતાના માસીની દિકરીના લગ્ન પ્રસંગમાં હાજરી આપવા આવ્યો હતો. ગત રાતે દાંડીયા રાસ હોઇ સોૈ પરિવારજનો, મહેમાનોએ મોડી રાત સુધી રાસ રમ્યા હતાં. એ પછી બધા સુઇ ગયા હતાં.

સવારે જાન આવવાની હોઇ બધા વહેલા જાગી ગયા હતાં. હિરેન મોડે સુધી ન જાગતાં તેને જગાડવા છતાં ન જાગતાં બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ તેનું મોત નિપજ્યું હતું. જ્યાં લગ્ન પ્રસંગ હતો ત્યાં આ બનાવની જાણ કરવામાં આવી નહોતી. મૃત્યુ પામનાર હિરેન માતા-પિતાનો એકનો એક પુત્ર અને એક બહેનથી મોટો હતો. તે કર્મકાંડનું કામ કરતો હતો અને સંતાનમાં સવા વર્ષની પુત્રી છે. બનાવથી સ્વજનોમાં શોક વ્યાપી ગયો હતો.

તાલુકા પોલીસ મથકના એએસઆઇ આર. બી. જાડેજા અને રાઇટર પૃથ્વીરાજસિંહે જરૂરી કાર્યવાહી કરી હતી.

(1:20 pm IST)