રાજકોટ
News of Wednesday, 20th November 2019

મેંદરડામાં લગ્નના ફૂલેકામાં ડીજેના સ્પીકર પડતાં રાજકોટના ૧૦ વર્ષના મોૈલિકનું મોતઃ જેતપુરના ૯ વર્ષના ધ્રુવને ઇજા

વાળંદ પરિવારના લગ્નમાં બનાવઃ ગોકુલધામ જલજીત સોસાયટીના ધામેલીયા પરિવારે એકનો એક લાડકવાયો ગુમાવતાં અરેરાટી

મોૈલિકનો શેરવાનીમાં છેલ્લો ફોટો : કાળનો કોળીયો બનેલા મોૈલિક ધામેલીયા (ઉ.૧૦)નો ફોટો  નજરે પડે છે. ગઇકાલે જ શેરવાનીમાં મોૈલિકનો આ ફોટો લેવામાં આવ્યો હતો, કોને ખબર હતી કે આ તેની છેલ્લી તસ્વીર બની રહેશે?! : ઇજા પામનાર ધ્રુવ

રાજકોટ તા. ૨૦: મેંદરડામાં વાળંદ પરિવારના દિકરાના લગ્નના ફૂલેકામાં રાત્રીના બોલેરોમાં રાખેલા ડીજે સાઉન્ડના મસમોટા સ્પીકર ઉપર પતરામાં અથડાઇને પડતાં ડીસ્કો કરી રહેલા રાજકોટ અને જેતપુરના બે બાળકો દબાઇ જતાં રાજકોટના ૧૦ વર્ષના બાળકનું મોત નિપજ્યું હતું. જ્યારે જેતપુરના ૯ વર્ષના બાળકને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે. બનાવને પગલે વાળંદ પરિવારના લગ્નની ખુશી શોકમાં પરિણમી ગઇ હતી.

જાણવા મળ્યા મુજબ મેંદરડા ખાતે રહેતાં વાળંદ પરિવારમાં લગ્ન પ્રસંગ હોઇ ગામે ગામથી સગા-સંબંધી આવ્યા હતાં. ગત રાતે લગ્નનું ફૂલેકુ નીકળ્યું હોઇ તેમાં બધા રંગેચંગે જોડાયા હતાં. ડી.જે. બોલાવ્યું હોઇ તેના ગીતો પર સોૈ કોઇ નાચી રહ્યા હતાં. એ દરમિયાન બોલેરોમાં રાખેલા ડીજેના મોટા સ્પીકર  બોલેરો ચાલકનું ધ્યાન ન હોઇ એક છાપરાના પતરાને એડી જતાં નીચે ખાબકતાં મસમોટા વજનદાર સ્પીકર નીચે બે બાળકો મોૈલિક સુરેશભાઇ ધામેલીયા (ઉ.વ.૧૦-રહે. રાજકોટ જલજીત સોસાયટી, ગોકુલધામ પાસે) તથા ધ્રુવ સતિષભાઇ ગાલોરીયા (ઉ.વ.૯-રહે. જેતપુર, ધોરાજી રોડ ફાટક પાસે) દબાઇ જતાં દેકારો મચી ગયો હતો.

ગંભીર ઇજા થતાં ૧૦ વર્ષના મોૈલિકનું મોત નિપજતાં લગ્નની ખુશી માતમમાં પરિણમી ગઇ હતી. તેના મૃતદેહનું ત્યાં પોસ્ટમોર્ટમ કરાવી રાજકોટ નિવાસસ્થાને લાવવામાં આવ્યો હતો. જ્યારે ધ્રવને ઉલ્ટીઓ ચાલુ થઇ ગઇ હોઇ મેંદરડા સારવાર અપાવી  રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે.  મૃત્યુ પામનાર મોૈલિક એક બહેનથી નાનો હતો. મોૈલિકના ફઇના દિકરાના લગ્ન હોઇ તે માતા ઇલાબેન, પિતા સુરેશભાઇ, બહેન સહિતની સાથે મેંદરડા ગયો હતો. એકના એક લાડકવાયાના મોતથી પરિવારમાં કલ્પાંત સર્જાયો છે. મોૈલિકના પિતા સુરેશભાઇ ધામેલીયા પ્રાઇવેટ નોકરી કરે છે.

(11:48 am IST)