રાજકોટ
News of Wednesday, 20th November 2019

મવડી પ્લોટ શ્રીનાથજીમાં મોચી પરિવારના ઘરે કારખાનેદાર રોહિત ગાજીપરા સહિતના ડઝન શખ્સોએ આતંક મચાવ્યો

ફિલ્મી ઢબે ૪ કાર અને ૬ બાઇકમાં આવી ગૂંડાગીરી આચરી આતંક મચાવ્યોઃ ઘટના સીસીટીવીમાં કેદઃ બે કારમાં પોલીસ સમન્વય લખેલું : મોચી યુવાન નિતેશ ચાવડા અગાઉ રોહિતની સોલારની ફેકટરીમાં કામ કરતો હતો, હાલમાં બીજી સોલાર કંપનીનું કામ કરતો હોઇ તેના ડેટા રોહિતે માંગતા ન આપતાં ડખ્ખોઃ માલવીયાનગર પોલીસે ૧૨ શખ્સો સામે ગુનો નોંધ્યોઃ પાંચેક શખ્સોની પુછપરછ : નિતેશ ચાવડા, તેના મોટા ભાઇ દિપકભાઇ ચાવડા, પિતા દુર્લભજી અને ભત્રીજા હિરેનને ઇજાઃ પાઇપ અને ઢીકા-પાટુનો માર

ગૂંડાગીરીઃ મવડી પ્લોટની શ્રીનાથજી સોસાયટીમાં રાત્રે કારખાનેદાર પટેલ શખ્સ અને તેની સાથેના બીજા ૧૧ જેટલા શખ્સોએ ચાર કાર તથા  છ બાઇકમાં આવી આતંક મચાવ્યો હતો. હુમલામાં મોચી પરિવારના નિતેશ ચાવડા, તેના મોટા ભાઇ દિપકભાઇ ચાવડા, પિતા દુર્લભજી ચાવડા, ભત્રીજા હિરેન સહિતને ઇજા થઇ હતી.  તસ્વીરમાં સીસીટીવી ફૂટેજમાં હુમલાખોરો,  તેની કાર તથા નીચેની તસ્વીરમાં પોલીસ કાફલો અને લત્તાવાસીઓ તથા બાજુમાં પાયલ થયેલા નિતેશ અને દિપકભાઇ ચાવડા (ફોટોઃ અશોક બગથરીયા)

રાજકોટ તા. ૨૦: મવડી પ્લોટની શ્રીનાથજી સોસાયટી-૧૧માં રાત્રીના પટેલ કારખાનેદારે બીજા અગિયાર જેટલા શખ્સો સાથે મળી પોતાના પૂર્વ કર્મચારી મોચી યુવાનના ઘરે જઇ ફિલ્મી ઢબે આતંક મચાવતાં દેકારો મચી ગયો હતો. હુમલામાં આ યુવાન, તેના ભાઇ, પિતા, ભત્રીજાને ઇજા થઇ હતી. અગાઉ મોચી યુવાન પટેલ કારખાનેદારને ત્યાં સોલાર સિસ્ટમના સેલ્સમેન તરીકે કામ કરતો હતો. હાલમાં બીજી કંપનીમાં કામે રહ્યો હોઇ પટેલ કારખાનેદારે એ કંપીના ભાવ સહિતના ડેટા માંગતા મોચી યુવાને ન આપતાં આ ડખ્ખો થયો હતો.

બનાવ અંગે માલવીયાનગર પોલીસે શ્રીનાથજી-૧૧માં રહેતાં અને ફોટોગ્રાફીનું કામ કરતાં દિપકભાઇ દુર્લભજીભાઇ ચાવડા (મોચી) (ઉ.૪૭)ની ફરિયાદ પરથી રાધાનગરમાં રહેતાં અને જયસન સોલાર નામે કારખાનુ ચલાવતાં રોહિત ગાજીપરા (પટેલ) તથા તેની સાથેના રાજન અંકોલીયા, અજય (વેકરીગામ વાળો), રવિ (ડૈયા ગામવાળો), તેજસ ગાજીપરા, પ્રશાંત ગાજીપરા અને છ અજાણ્યા સામે આઇપીસી ૩૨૩, ૫૦૪, ૫૦૬ (૨), ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૧૩૫ (૧) મુજબ ગુનો નોંધ્યો છે.

દિપકભાઇના કહેવા મુજબ મારો નાનો ભાઇ નિતેશ અગાઉ રોહિત ગાજીપરાની ફેકટરીમાં કામ કરતો હતો અને તેની સોલાર સિસ્ટમ વેંચતો હતો. હાલમાં તેણે તેની નોકરી મુકી દીધી છે અને મનિષ પટેલની અલ્ટ્રા પાવર નામની સોલાર સિસ્ટમનું વેંચાણ કરે છે. રોહિતે મારા ભાઇને ફોન કરી તે હાલમાં જે કંપનીના સોલાર વેંચે છે તેની વિગતો આપવા ડેટા આપવા અને શું ભાવે વેંચાણ થાય છે? તે સહિતની માહિતી આપવા ફોન કરતાં મારા ભાઇએ પોતે આ માહિતી નહિ આપી શકે તેમ કહેતાં તે ઉશ્કેરાઇ ગયો હતો અને ફોનમાં ગાળાગાળી કરી હતી. આથી મેં તેને ફોન કરી માથાકુટ  નહિ કરવા અને સમાધાન કરી લેવા સમજાવતાં તે ગત રાત્રે રોહિત ગાજીપરા અને બીજા અગિયાર શખ્સો ફિલ્મી ઢબે ચાર કાર અને છ જેટલા બાઇક લઇને અમારા ઘરે ધસી આવ્યા હતાં અને દેકારો મચાવ્યો હતો. એ પછી મને આડેધડ પાઇપના ઘા ફટકાર્યા હતાં. મારા ભાઇ નિતેશને તેમજ પિતા દુર્લભજીભાઇ લવજીભાઇ (ઉ.૮૧) અને મારા પુત્ર હિરેન (ઉ.૧૯) અને મિત્ર સલિમભાઇ હબીબભાઇ (ઉ.૪૨)ને પણ આ બધાએ ઢીકા-પાટુ અને પાઇપથી માર માર્યો હતો. રાડારાડી થતાં માસો ભેગા થઇ જતાં આ બધા હુમલાખોરો ભાગી ગયા હતાં. એ પછી મને, ભાઇ, પિતા, મિત્ર અને મારા પુત્રને હોસ્પિટલે ખસેડવામાં આવતાં સારવાર લીધી હતી.

મારો ભાઇ નિતેશ છેલ્લા બારેક વર્ષથી રોહિત ગાજીપરા સાથે તેના કારખાનામાં કામ કરતો હતો. એકાદ વર્ષથી તેની નોકરી મુકી દેતાં અને બીજી કંપનીમાં કામે રહી જતાં રોહિત આ કંપનીના ડેટા આપવાનું મારા ભાઇને કહેતો હોઇ તેણે ના પાડતાં આ માથાકુટ થઇ હતી.

ઘટનાને પગલે પી.આઇ. એન. એન. ચુડાસમા, પી.એસ.આઇ. જે. એ. ખાચર, ડી. સ્ટાફની ટીમ દોડી ગઇ હતી. પોલીસે રાતોરાત ચાર-પાંચ શખ્સોને સકંજામાં લઇ પુછતાછ હાથ ધરી છે. દિનેશભાઇ અને નિતેશભાઇના કહેવા મુજબ જે ગાડીઓ આવી હતી તેમાં બે કારમાં પોલીસ સમન્વય એવા લખાણ લખેલા હતાં.

(1:27 pm IST)