રાજકોટ
News of Monday, 19th November 2018

૧.૭૦ લાખ ફોલોઅર્સ ધરાવતાં મહિલાનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેકઃ સાણંદના વિદ્યાર્થીને દબોચી લેવાયો

રાજકોટ સાયબર સેલની ટીમે કુલદિપસિંહ વાઘેલા (ઉ.૨૦)ની ધરપકડ કરીઃ યુ-ટ્યુબ મારફત એક એપ્લીકેશનમાંથી લિંક મોકલી કૌશાબેન ઝાલાવડીયાના પાસવર્ડ-યુઝરનેમ મેળવી આઇ-ડી હેક કરી'તી :એક લાખથી વધુ ફોલોઅર્સ હોય તો તેને જુદી-જુદી કંપીનીઓ રોજના ૫૦૦ થી ૧૦૦૦ રૂપિયા ચુકવી જાહેરાતો આપતી હોય છેઃ નરેન્દ્રસિંહ આઇડી હેક કરી કૌશાબેનનું એકાઉન્ટ પોતાના નામે કરી ૨૫ હજારમાં વેંચવા કાઢ્યું'તું!

રાજકોટ તા. ૧૯: સાયબર સેલ પોલીસ સ્ટેશન શરૂ થયા બાદ સતત ત્રીજો સાયબર ક્રાઇમનો ગુનો શોધી કાઢવામાં આવ્યો છે. શહેરના એક ઉદ્યોગપતિના પત્નિનું ૧ લાખ ૭૦ હજાર જેટલા ફોલોઅર્સ ધરાવતું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ સાણંદના બી.એ. દ્વિતીય વર્ષના વિદ્યાર્થી કુલદિપસિંહ નરેન્દ્રસિંહ વાઘેલા (ઉ.૨૦)એ હેક કરી લઇ આ એકાઉન્ટ પોતાના નામે કરી બાદમાં ૨૦ થી ૨૫ હજારમાં વેંચવા કાઢ્યું હતું. પોલીસે તેને ઝડપી લઇ કાયદાનું ભાન કરાવ્યું છે.

પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ અને જોઇન્ટ પોલીસ કમિશ્નર સિધ્ધાર્થ ખત્રીએ જણાવ્યા મુજબ શહેરના કૌશાબેન હાર્દિકભાઇ ઝાલાવડીયા નામના ગૃહિણી ઇન્સ્ટાગ્રામ પર 'રાધીકા કાના ની' નામનું ઇન્સ્ટાગ્રામ પર એકાઉન્ટ ધરાવતાં હોઇ તેનું આ એકાઉન્ટ હેક થઇ ગયાની જાણ થતાં આ બાબતે તાલુકા પોલીસ મથકમાં આઇપીસી ૪૦૬, આઇટી એકટ ૬૬, ૪૩ (એ), (સી), (ડી), (એફ) તથા ૬૬ (સી), (ડી) મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો.

ડીસીપી રવિકુમાર સૈની, ડીસીપી મનોહરસિંહ જાડેજા અને સાયબર ક્રાઇમના એસીપી જે. એસ. ગેડમની રાહબરી હેઠળ પીઆઇ. એન. એન. ઝાલા, પી.આઇ. બી. એમ. કાતરીયા, પીએસઆઇ ડી. બી. ગઢવી, પીએસઆઇ કે. જે. રાણા, એઅસઆઇ ચેતનભાઇ એમ. ચાવડા સહિતની ટીમે આ મામલે તપાસનો ધમધમાટ શરૂ કરી ટેકનિકલ એનાલિસીસ કરતાં કૌશાબેનનું એકાઉન્ટ સાણંદના નરેન્દ્રસિંહ વાઘેલાએ કર્યાનું સામે આવતાં તેને ઉઠાવી લઇ પુછતાછ કરી હતી. તેનો મોબાઇલ ફોન પણ કબ્જે લેવામાં આવ્યો હતો.

નરેન્દ્રસિંહ કોલેજમાં અભ્યાસ કરે છે. તેણે કબુલ્યું હતું કે કૌશાબેન ૧ લાખ ૭૦ હજાર ફોલોઅર્સ ધરાવતાં હોઇ જેથી તેનું એકાઉન્ટ હેક કરવા માટે યુ-ટ્યુબ પર જઇ 'ઝેડ-શેડો.ઇન્ફો' નામની એપ્લીકેશન ઇન્ટરનેટથી ડાઉનલોડ કરી હતી. બાદમાં આ એપ્લીકેશનના માધ્યમથી કૌશાબેનના એકાઉન્ટમાં લિંક મોકલી હતી. તેમણે લિંક ઓપન કરતાં જ તેમનું યુઝરનેમ અને પાસવર્ડ પણ તેને સહેલાઇથી મળી ગયા હતાં. આ રીતે તેમનું એકાઉન્ટ હેક કરી પોતાના નામે કરી લીધું હતું અને ૧.૭૦ લાખ ફોલોઅર્સ ધરાવતું આ એકાઉન્ટ ઓનલાઇન ૨૫ હજારમાં વેંચવા કાઢ્યું હતું. આ ગુનાની વિશેષ તપાસ તાલુકા પી.આઇ. વી. એસ. વણઝારા અને સ્ટાફે હાથ ધરી છે.

સાયબર સેલના અધિકારીઓના કહેવા મુજબ જો કોઇપણ યુઝર્સ સોશિયલ મિડીયામાં એક લાખથી વધુ ફોલોઅર્સ ધરાવતાં હોય તો તેને જુદી-જુદી કંપનીઓ તરફથી દરરોજના રૂ. ૫૦૦ થી ૧૦૦૦ના ભાડા લાખે જાહેરાતો મળતી હોય છે. આ રીતે કમાણી કરવા નરેન્દ્રસિંહ વાઘેલાએ કૌશાબેનનું ૧.૭૦ લાખ ફોલોઅર્સ ધરાવતું એકાઉન્ટ હેક કરી લીધું હતું.

ગઇકાલે લાયબ્રેરિયનનું એકાઉન્ટ હેક કરનારને પણ પકડી લેવાયો હતો

સાયબર સેલની ટીમે ગઇકાલે પણ મહેસાણાના ઉંઝા તાબેના ખાભર ગામના મહમદજીલાની હુશેનમિંયા સૈયદ નામના ધોરણ-૧૦ પાસ યુવાનને પકડ્યો હતો. આ શખ્સે શહેરની કુંડલીયા કોલેજના લાયબ્રેરિયન જયપાલસિંહ મુળરાજસિંહ રાણા (ઉ.૨૫)નું ફેસબૂક એકાઉન્ટ તથા યાહુ મેલ હેક કરી લીધા હતાં. જયપાલસિંહના ફોલોઅર્સ વધુ હોઇ જેથી તેનું એકાઉન્ટ હેક કર્યુ હતું. જયપાલસિંહ પોતાના મોબાઇલ ફોનના નંબર પાસવર્ડ તરીકે વાપરતા હોઇ જેથી તેને સહેલાઇથી હેક કરી લીધાનું પકડાયેલા શખ્સે કહ્યું હતું. એએસઆઇ સી. એમ. ચાવડા અને ટીમ આ શખ્સને તેના ગામથી પકડી લાવી હતી.

(4:05 pm IST)