ગોંડલ નજીક પકડાયેલા હેરોઇન પ્રકરણમાં સપ્લાયર રાજકોટના વિપુલ કોળીની શોધખોળ
ગોંડલ તાલુકા પોલીસનો વિપુલના ઘરે છાપો : હેરોઇન સાથે પકડાયેલ મહેશ કોળી અને ઇમ્તીયાઝ દોઢીયા બે દિ'ના રીમાન્ડ પર
રાજકોટ, તા. ૧૧ : ગોંડલના સડક પીપળીયા પાસે હેરોઇનના જથ્થા સાથે બે શખ્સો પકડાયા બાદ સપ્લાયર રાજકોટના કોળી શખ્સની શોધખોળ હાથ ધરાઇ છે. જયારે હેરોઇન સાથે પકડાયેલ બંન્ને શખ્સોને કોર્ટે બે દિ'ના રીમાન્ડ પર સોંપવા હુકમ કર્યો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ એસ.ઓ.જી. દ્વારા સડક પીપળીયા પાસે રૂપિયા ૪૪ લાખના હેરોઇનના જથ્થા સાથે પકડી પાડવામાં આવેલ મહેશ ભોજવીયા અને ઇમ્તિયાઝ દોઢિયા એ રીમાન્ડની માંગ સાથે અદાલતમાં રજુ કરતા અદાલત દ્વારા સોમવાર સાંજ સુધીના રીમાન્ડ મંજુર કરવામાં આવ્યા હતા. ઘટનાની તપાસ પી.એસ.આઇ. એવી જાડેજાએ બંને આરોપીઓની પુછતાછ હાથ ધરી છે.
પોલીસ પુછતાછમાં મહેશ કોળીએ હેરોઇનનો જથ્થો રાજકોટના જંગલેશ્વરમાં રહેતો વિપુલ જગદીશ કોળી આપી જતો હોવાની અને તે રાજસ્થાનના કોટાથી લાવી વેચાણ કરતો હોવાની કેફીયત આપતા વિપુલ કોળીની શોધખોળ હાથ ધરાઇ છે.
તાલુકાના પી.એસ.આઇ. એ.વી. જાડેજા તથા સ્ટાફે રાજકોટ સ્થિત સપ્લાયર વિપુલ કોળીના ઘરે છાપો માર્યો હતો પરંતુ તે ભાગી છુટ્યો હતો.