રાજકોટ
News of Sunday, 20th October 2019

ફરે તે ન 'ફરે' ? ખાટરિયા જુથે ૧૦ સભ્યોને મોકલી દીધા

બન્નેના દાવાનો સરવાળો કરતા કુલ સભ્ય સંખ્યા કરતા ૫ વધી જાય છે : કુલ ૧૬ સભ્યો સાથે હોવાનો ખાટરિયાનો દાવોઃ બે ત્રણ સભ્યો ભાજપને પણ ગેરમાર્ગે દોરે છેઃ ભાજપ કહે છે અમારી પાસે ૨૪ છે, હવે ૨૫ થશે

રાજકોટ, તા. ૧૯ :. જિલ્લા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખ સામેની અવિશ્વાસ દરખાસ્તનો ફેંસલો તા. ૨૪મીએ સામાન્ય સભામાં થનાર છે. તે પૂર્વે ભાજપ અને કોંગ્રેસ જુથે સભ્યોની ખેંચતાણ ચાલુ રાખી છે. ગઈકાલે સાંજે કોંગ્રેસના અર્જુન ખાટરિયા જુથે ૧૦ સભ્યોને સહેલગાહે મોકલી દીધા છે. બીજા ૫ થી ૬ સભ્યો સાથે હોવાનો તેમનો દાવો છે. અર્જુન ખાટરિયાના જણાવ્યા મુજબ અવિશ્વાસ દરખાસ્ત પસાર થઈ શકશે નહિ. કોંગ્રેસમાંથી ચૂંટાયેલા બે ત્રણ સભ્યો પોતાના વ્યકિતગત સ્વાર્થ માટે અવિશ્વાસ દરખાસ્ત લાવ્યા છે અને તેઓ કોંગ્રેસના સભ્યો ઉપરાંત ભાજપને પણ ગેરમાર્ગે દોરી રહ્યા છે. અમારી પાસે પુરતી બહુમતી છે.ભાજપ જુથનું કહેવુ છે કે અવિશ્વાસ દરખાસ્તના ટેકામાં સહી કરનાર ૨૪ સભ્યો ઉપરાંત વધુ એક સભ્ય આવી રહ્યા છે. પ્રમુખે એક વર્ષથી વધુ સમયથી સાદી બહુમતી ગુમાવી દીધી છે. અમારા તમામ સભ્યો સામાન્ય સભામાં દરખાસ્તના ટેકામાં મતદાન કરશે. અમને અમારા સભ્યો પર પુરો વિશ્વાસ છે તેથી તેમને બહાર મોકલવાની જરૂર નથી.

(11:50 am IST)