રાજકોટ
News of Saturday, 20th October 2018

સ્ટોક એક્ષચેન્જની EOGMમાં સિકયુરીટી કલોક મેકરને વેચી દેવા સર્વાનુમતી ન થઈઃ આખરે વોટીંગ કરાવવું પડયું

સ્ટોક એક્ષચેન્જની બેઠકમાં ઈતિહાસનું પુનરાવર્તનઃ ઉગ્ર દલીલબાજી અને હંગામાના દ્રશ્યો જોવા મળ્યાઃ સુનિલ શાહ અને મિલન મીઠાણીને ડાયરેકટર પદે નિમવા પણ વોટીંગ યોજાયુઃ સાંજે અથવા કાલે પરિણામ

આજે સવારે એસકેએસઈની ઈઓજીએમ યોજાઈ તે સમયની તસ્વીર. ડાયસ પર સુનિલ શાહ, હસમુખ બલદેવ, બાલુભાઈ પરસાણા, નંદકિશોર જાડેજા વગેરે દેખાય છે જ્યારે નીચેની તસ્વીરમાં ઉપસ્થિત શેરહોલ્ડરો નજરે પડે છે (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ, તા. ૨૦ :. અગાઉથી જાહેર થયા મુજબ આજે સવારે ૧૧ વાગ્યે અત્રેના સદર બજારમાં આવેલ પોપટભાઈ સોરઠીયા ભવનમાં સૌરાષ્ટ્ર-કચ્છ સ્ટોક એક્ષચેન્જમાં ઈઓજીએમ એજન્ડા મુજબની કાર્યવાહી કરવા યોજવામાં આવી હતી. જેમાં ઈતિહાસનુ પુનરાવર્તન જોવા મળ્યુ હતુ અને હંગામો તથા ઉગ્ર દલીલબાજીના દ્રશ્યો ખડા થયા હતા. સ્ટોક એક્ષચેન્જની સબસીડીયરી એવી સિકયુરીટી મોરબીના કલોક મેકરને વેંચી દેવા માટે બોર્ડે લીધેલા નિર્ણયને બહાલી આપવાની દરખાસ્ત સર્વાનુમતે પસાર ન થતા આ મામલે વોટીંગ કરાવવામાં આવ્યુ હોવાનું જાણવા મળે છે. આ ઉપરાંત બે ડાયરેકટરોની નિમણૂક માટે પણ આજે વોટીંગ કરાવવામાં આવ્યુ હતું. જેનુ પરિણામ સાંજે અથવા કાલે જાહેર થશે તેવુ જાણવા મળે છે.

સૌરાષ્ટ્ર-કચ્છ સ્ટોક એક્ષચેન્જની ઈઓજીએમ આજે સવારે હસમુખ બલદેવના ચેરમેન પદે શરૂ થઈ હતી. જેમાં એજન્ડા મુજબ સિકયુરીટી ૧૧.૨૫ કરોડમાં મોરબીની કલોક બનાવતી કંપનીને વેંચી દેવા ઠરાવ રજુ થયો હતો અને તેને સર્વાનુમતે બહાલી આપવા ડાયસ પરથી જણાવવામાં આવ્યુ હતુ પરંતુ આ બાબતે જબરો વિરોધ અને અનેક પ્રશ્નો ઉઠાવવામાં આવતા આખરે વોટીંગ કરવા નિર્ણય લેવામાં આવ્યો હતો અને આ લખાય છે ત્યારે વોટીંગ ચાલુ હોવાનું જાણવા મળે છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે બન્નેના બોર્ડે સિકયુરીટી ૧૧.૨૫ કરોડમાં વેંચી દેવા નિર્ણય લેવામાં આવ્યો હતો, પરંતુ આ સામે અનેક સભ્યોએ વાંધો ઉઠાવ્યો હતો અને પ્રોસીઝરનું પાલન ન થયાનો આરોપ પણ મુકવામાં આવ્યો હતો અને આ રીતે સર્વાનુમતે દરખાસ્ત પાસ ન થઈ શકે તેવુ જણાતા વોટીંગ કરવા નિર્ણય લેવામાં આવ્યો હતો. કુલ ૩૪૭ સભ્યોમાથી હાજર રહેલા ૧૩૦ સભ્યોએ વોટીંગ કર્યુ છે જ્યારે બાકીના સભ્યોએ ઈ-વોટીંગનો સહારો લઈ પોતાનું મંતવ્ય વ્યકત કર્યુ હતું.

જાણવા મળ્યા મુજબ આજની બેઠકમાં પણ વિવિધ મુદ્દે ભારે ગરમાગરમી સર્જાય હતી અને અનેકવિધ પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા. જેમાં અધિકારીને બોનસ ચુકવવાનો મામલો પણ ઉઠયો હતો અને એ અંગે જબરી ધમાલ પણ થઈ હતી. આ ઉપરાંત એક સભ્યએ બેલેન્સસીટ સામે પણ કેટલાક પ્રશ્નો ઉઠાવ્યા હતા જે બાબતે પણ જબરી ધમાલ મચી હતી.

આજની ઈઓજીએમમાં સુનિલ શાહ અને મિલન મીઠાણીને ડાયરેકટર પદે ચુંટી કાઢવા પણ વોટીંગ કરવામાં આવ્યુ હતું. આજની બેઠકમાં ૧૩૦ જેટલા સભ્યો હાજર રહ્યા હતા.

(4:06 pm IST)