રાજકોટ
News of Saturday, 20th October 2018

રાજકોટ ચેમ્બરમાં નોટીસ અને ખુલાસાઓની મોસમ

તપાસ સમીતીએ સાત સભ્યોને નોટીસ આપી ખુલાસો માંગ્યોઃ કારોબારીએ પણ સમિતિને પત્ર લખ્યોઃ વિવિધ મુદ્દદે સ્પષ્ટતા કરી

રાજકોટ તા. ર૦ : રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સમાં નોટીશ અને ખુલાસાઓની મોસમ ખીલી હોવાનું જાણવા મળેછે વેપારીઓના પ્રશ્નો ઉકેલવાને બદલે આંતરીક લડાઇમાં શકિત વેડફાતી હોવાનો સૂર એજીએમમાં ઉઠેલા સાત સભ્યોને ગેરલાયક ઠેરવવાના મુદ્દે રચવામાં આવેલી તપાસ સમિતીએ જે લોકોને ગેરલાયક ઠેરવવા માંગણી થઇ હતી તે તમામ સાત સભ્યોને નોટીશ આપી સોમવાર સુધીમાં ખુલાસો કરવા જણાવ્યું છે. રમણીકભાઇ જસાણી, રમેશભાઇ ટીલાળા વગેરેના નેતૃત્વમાં રચાયેલી સમિતી સભ્યોને ગેરલાયક ઠેરવવાના મુદ્દે ચકાસણી કરી રહી છે. તો બીજી તરફ કારોબારીના પંદર જેટલા સભ્યોએ આ તપાસ સમિતીને એક પત્ર લખી જણાવ્યું છે કે જે કારોબારી સભ્યો જે તે સમયે ગેરહાજર રહ્યા હતા તેઓએ અગાઉથી મંજુરી લીધેલી હતી અને તેઓનો રજા રીપોર્ટ પણ મંજુર કરવામાં આવ્યો હતો. ચેમ્બરમાં પ્રમુખ અને મંત્રી જ સર્વોપરી હોય છે અને તેઓ સમગ્ર વ્યવસ્થાતંત્ર અને સંચાલન સંભાળતા હોય છે. પત્રમાં એવુ પણ જણાવાયું છે. કે જે લોકો પરાજય સહન કરી શકયા નથી તેઓએ ગેરલાયક ઠેરવવાનો મુદ્દો ઉઠાવી બિનજરૂરી વિવાદ ઉભો કરવાનો પ્રયાસ કર્યો છે. આ બાબતને ધ્યાનમાં લઇને તપાસ સમિતીએ અગાઉના હોદ્દેદારો શિવલાલ બારસીયા અને વી.પી. વૈષ્ણવને પણ નોટીશ આપી ખુલાસો પુછયો હોવાનું જાણવા મળે છે. અત્રે એ નોંધનીય છે કે ગયા મહીને યોજાયેલી એજીએમમાં કારોબારીમાં ત્રણથી વધુ વખત ગેરહાજર રહેલ સભ્યોને બંધારણ મુજબ ગેરલાયક ઠેરવવા તથા ગેરકાયદેસર રીતે કારોબારીના સભ્યો બનેલા મુકેશ દોશીને ગેરલાયક ઠેરવવા અને ઉપેન મોદીને જરૂરી દસ્તાવેજો રજુ કરવા માંગ ઉઠી હતી. જે પછી સાત સભ્યોની કમીટી નીમવા નિર્ણય લેવાયો હતો અને આ કમીટીને બંધારણના પાસાઓ તપાસવા જણાવાયું હતું. ચેમ્બર વેપારીઓના હિતમાં કામ કરવાને બદલે આંતરીક ખેંચતાણમાં વ્યસ્ત રહેતા વેપારીઓમાં ભારે રોષ ઉભો થયો હોવાનું પણ જાણવા મળે છે.(૬.૨૦)

(4:03 pm IST)