રાજકોટ
News of Saturday, 20th October 2018

રાજકોટના રે.સ. નંબર ૧૯૯ માંડાડુંગર તરીકે ઓળખાતા વિસ્તારમાં

ખેતીની જમીનમાં થયેલી ગેરકાયદે પેશકદમી અંગે સિવિલ કોર્ટનો કામચલાઉ મનાઇ હુકમ

રાજકોટ તા. ૨૦: આજીડેમ વિસ્તારની માંડાડુંગર તરીકે ઓળખાતી રાજકોટના રેવન્યુ સર્વે નં. ૧૯૯ની ખેતીની જમીન એકર ૧૭ ગુંઠા ૧૩ની જમીન કે જે હસનઅલી ખાનભાઇ એન્ડ સન્સની ભાગીદારી પેઢીની આવેલી છે તે જમીનમાં બાજુમાં આવેલી રાજકોટ રેવન્યુ સર્વે નં. ૧૯૮ના માલિક વિનોદભાઇ કોઠારી, ભુપતભાઇ બોદર વિગેરેએ પોતાની જમીનમાં બીનખેતી કરાવી અમુક હિસ્સો રાજકોટ રે.સ. નં. ૧૯૯માં ગેરકાયદેસર રીતે બેસાડી દેતાં તેમજ ગેરકાયદેસર રીતે વેંચાણ કરી પેશકદમી કરતાં આ મામલે સિવિલ અદાલતમાં અલગ-અલગ દાવા દાખલ થયા હતાં. આ દાવાઓ સંદર્ભે પ્રતિવિાદીઓની વિરૂધ્ધમાં સિવિલ કોર્ટએ કામચલાઉ મનાઇ હુકમ ફરમાવ્યો છે.

વાદી ઝુઝરભાઇ અબ્દુલભાઇ ભારમલ (રહે. પરાબજાર, રૈયા નાકા ટાવર), શ્રીમતિ અલફીયા ઝુઝરભાઇ ભારમલ તથા હુશેનભાઇ ઝુઝરભાઇ ભારમલએ સિવિલ જજશ્રીની અદાલતમાં ભૂપતભાઇ જસમતભાઇ બોદર, વિનોદભાઇ ખોડાભાઇ કોઠારી, બાબુભાઇ જેરામભાઇ રામાણી, બાબુભાઇ રત્નાભાઇ બોદર, રામજીભાઇ જસમતભાઇ બોદર તથા બાબુભાઇ કરસનભાઇ કાકડીયા, નાથાભાઇ મોહનભાઇ અણદાણી અને કિશોરભાઇ માવજીભાઇ પાંભર વિરૂધ્ધ દાવા દાખલ કર્યા હતાં.

જમીનના પ્લોટ નં. ૨૩ થી ૬૧ તથા ૨૨ પૈકી, ૬૨ પૈકી અને ૬૩ પૈકી અલગ-અલગ કારખાના હાલ ઉભા કરી દેવાયા છે. તેની સામે વાદી હસનઅલી ખાનભાઇના ભાગીદાર ઝૂઝરભાઇ અબ્દુલભાઇ ભારમલે રાજકોટની સિવિલ અદાલતમાં દાવાઓ દાખલ કર્યા હતાં. અદાલતે મનાઇ હુકમ ફરમાવી આ દાવાની મિલ્કતમાં કોઇને ટ્રાન્સફર કરવી નહિ  કે કબ્જો ટ્રાન્સફર કરે નહિ અને કોઇ વધારાનું બાંધકામ કરે-કરાવે નહિ તેવો મનાઇહુકમ ફરમાવ્યાનું યાદીમાં જણાવાયું છે. આ કામના વાદી વતી એડવોકેટ કમલેશભાઇ એન. ઠાકર રોકાયા હતાં. (૧૪.૭)

(11:41 am IST)