રાજકોટ
News of Saturday, 20th October 2018

SKSE સીકયુરીટી કલોક મેકરને વેંચવાના નિર્ણયને બહાલી આપવા કાલે સ્ટોક એક્ષચેંન્જ EOGM યોજાશેઃ બેઠકમાં ભારે ગરમા-ગરમી-ધમાલ થવાના એંધાણ

૧૧.રપ કરોડના સોદામાં માઇનોરીટી શેર હોલ્ડરોનું હિત જાળવવામાં આવ્યું નથી તેવા આરોપઃ અંગત હિતો સાધવા સોદો પાર પાડવામાં આવ્યો હોવાના પણ આરોપો : જો કાલે બહાલી આપી દેવાશે તો પણ સેબી કે એનએસઇ-બીએસઇ મંજુરી આપશે કે કેમ એ સવાલઃ સેલ પ્રોસીડીંગમાં ઇન્વેસ્ટરોના હિતોનું રક્ષણ થયુ નથી એવા પણ આરોપો

રાજકોટ તા.૧૯: શેરબજારની દુનિયામાંથી એકઝીટ લેનાર સોરાષ્ટ્ર-કચ્છ સ્ટો એક્ષચેંન્જ દ્વારા પોતાના સબસીડીયરી એવી એસકેએસઇ સીકયુરીટીઝ મોરબીની કલોક બનાવતી કંપનીને વેંચી દેવા લેવામાં આવેલા નિર્ણયને બહાલી આપવા માટે આવતીકાલે સવારે સ્ટોકની ઇઓજીએમ મળનાર છે જેમાં આ સોદાના વ્યાજબીપણાને લઇને જબરો ઉહાપોહ અને ગરમાગરમી થાય તેવા સ્પષ્ટ એંધાણ મળી રહયા છે.

સ્ટોક એક્ષચેંન્જની સબસીડીયરી કંપની રૂા. ૧૧.૨૫ કરોડમાં મોરબીના કલોકમેકરને વેંચવા નિર્ણય લેવામાં આવ્યો હતો. જેને મંજુરી આપવા માટે કાલે ઇઓજીએમ મળનાર છે જેમાં માઇનોરીટી શેર હોલ્ડરોનું હિત જોવામાં આવ્યું નથી એવું કેટલાક સભ્યોનું માનવું છે અને આવું માનનારા લોકો કાલે બેઠકમાં પોતાના રોષનો પડઘો પાડે તેવી શકયતા છે. ૪૦,૦૦૦ જેટલા ખાતામાં રૂા.૧૦૦૦ કરોડથી વધુનો જે સંસ્થામાં માલ પડયો છે એ સંસ્થા બિનઅનુભવીના હાથમાં સોંપી દેવા સામે પણ જબરો રોષ સભ્યોમાં પ્રવર્તી રહયો હોવાનું પણ કહેવાય છે.

પોપટભાઇ સોરઠીયા ભવનમાં ચાલતી ચર્ચાઓ અનુસાર સીકયુરીટી અને સ્ટોકના બોર્ડે ઇન્વેસ્ટરોના હિતોને ધ્યાનમાં રાખ્યા વગર આ સોદો પાર પાડયો છે. એવું પણ કહેવાય છે કે આ સોદાને પાર પાડવા માટે જબરા આંતરિક ખેલ ખેલવામાં આવ્યા હતા. બન્નેના બોર્ડમાં કોમન સભ્યો લઇ તેરી બી હા ઓર મેરી બી હા જેવો ઘાટ ઘડવામાં આવ્યો હોવાનું પણ ખુલ્લેઆમ ચર્ચાય રહયું છે. એવું પણ ચર્ચાય છે કે આ સોદા પાછળ અમુક લોકોનું અંગત હિત પણ પાર પાડવામાં આવ્યું છે જેને લઇને પણ સભ્યોમાં છુપો રોષ જણાય રહયો છે અને તેના પડઘા કાલે પડશે એ નક્કી છે.

સભ્યોમાં એવું પણ ચર્ચાય છે કે જો આવતીકાલે આ સોદાને બહાલી આપી દેવામાં આવશે તો પણ ઉપર તેને મંજુરી મળશે કે કેમ એ અંગે સવાલ છે. કારણ કે સીકયુરીટી સ્પેશ્યલ સ્ટેટસ કેટેગરીમાં હતી અને તેને બીજાના હાથમાં સોંપવામાં આવતી હોય ત્યારે ઇન્વેસ્ટરોના હિતનું રક્ષણ થાય છે કે નહી તે પહેલા જોવામાં આવતું હોય છે. એવું પણ ચર્ચાય છે કે જે સંસ્થાને શેરબજાર સાથે કોઇ લેવાદેવા નથી કે શેરબજારનો અનુભવ નથી તેના હાથમાં સીકયુરીટી સોંપી દેવી એ કેટલા અંશે વ્યાજબી છે? આ સોદામાં એક ઉચ્ચ અધિકારીની ભૂમિકા પણ શંકાસ્પદ હોવાનું ચર્ચાય રહયું છે. આ બધી બાબતો જોતા કાલે ઇઓજીએમમાં ભાર ધબધબાટી બોલે તેવું જણાય રહયું છે.

(4:09 pm IST)