રાજકોટ
News of Monday, 20th September 2021

રસ્તાના પેચવર્કની જુની - પુરાણી પધ્ધતિ સામે બાંધકામ ચેરમેન ખફા : ઇજનેરોને ઘઘલાવ્યા

રાજકોટ મ.ન.પા. હજુ બાવા આદમના યુગમાં ?! ભાજપ ખુદ પરેશાન : મુંબઇ, દિલ્હીમાં રસ્તાના ખાડામાં તાત્કાલિક ડામર - પેચ થઇ જાય તો રાજકોટમાં કેમ નહીં ? અત્યાધુનિક માઇક્રો સરફેશ ટેકનોલોજીથી કોલ્ડમીકસ બેગ મટીરિયલ્સથી રસ્તામાં થીગડા મારવાથી રસ્તાઓ ફરી ટનાટન બની શકે : કેતન પટેલનું સૂચન

રાજકોટ તા. ૨૦ : શહેરમાં વરસાદ બાદ રાજમાર્ગો ઉપર પડેલા ગાબડા - ખાડાની સમસ્યાથી નાગરિકો અને ખુદ તંત્રવાહકો તથા શાસકો પરેશાન છે ત્યારે મ.ન.પા.ની બાંધકામ સમિતિના ચેરમેન કેતન પટેલે રસ્તાના ગાબડા પુરવા માટે મોરમ - માટી - પેવીંગ બ્લોકના ઉપયોગની જુની-પુરાણી પધ્ધતિનો પાયાનો મુદ્દો ઉઠાવી આ બાબતે ઇજનેરોની તાકિદની બેઠક યોજી અને રસ્તામાં થિગડા મારવા માટે વર્તમાન યુગની આધુનિક માઇક્રો સરફેશ ટેકનોલોજીનો ઉપયોગ કેમ ન થઇ શકે ? તે બાબતે મહત્વના સૂચનો કરી આ બાબતે ગંભીરતા પૂર્વક આગળ વધવા જણાવ્યું હતું.

આ અંગે બાંધકામ ચેરમેનશ્રીએ વિસ્તૃત વિગતો આપતા જણાવેલ કે હાલમાં દિલ્હી, મુંબઇ જેવા શહેરોમાં ચોમાસામાં રસ્તા પર જેવા ગાબડા પડે કે તુરંત જ મ.ન.પા. દ્વારા આ ગાબડા પુરી દેવામાં આવે છે અને વાસરદા પડવા છતાં આ રસ્તામાં થયેલ સમારકામને કંઇ થતું નથી. કેમકે આ શહેરોમાં નવી માઇક્રો સરફેશ ટેકનોલોજીથી રસ્તાના ગાબડામાં કોલ્ડમીકસ બેગ મટિરિયલ્સ કે જેમાં પાણી પડવા છતાં તે રસ્તા પર ચોટેલુ રહે છે તેનાથી થિગડા મારવામાં આવે છે.

અગાઉ મુંબઇમાં રસ્તાના થિગડામાં પેવિંગ બ્લોકના ઉપયોગ થતો તેની જગ્યા હવે આ નવી પધ્ધતિ અમલમાં મુકાઇ છે અને તે સફળ થઇ છે ત્યારે રાજકોટમાં પણ હવે માટી - મોરમથી રસ્તાના થિગડા પૂરવાને બદલે આધુનિક માઇક્રો સરફેશ ટેકનોલોજીથી થિગડા પુરવા જોઇએ જેથી આ સમસ્યાનો કાયમી ઉકેલ આવે આથી આ બાબતે વિચારણા કરવા બાંધકામ ચેરમેન કેતન પટેલે ઇજનેરોને સૂચવ્યું હતું.

(4:03 pm IST)