રાજકોટ
News of Friday, 20th September 2019

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષા જાગૃતી કસોટીમાં ૧૬૭ર૮ છાત્રો જોડાયા

રાજકોટ, તા., ૨૦: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સીસીડીસીના માધ્યમથી દર વર્ષે સપ્ટેમ્બર માસમાં યોજાતી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કોમ્પીટીટીવ એકઝામ અવેરનેસ ટેસ્ટ માં આ વર્ષે સૌરાષ્ટ્રભરમાંથી મહતમ વિદ્યાર્થીઓએ ભાગ લીધો. તા.ર૦ સપ્ટેમ્બર ર૦૧૯ને સવારે ૧૧ થી ૧ર.૩૦ કલાકે એક સાથે સૌરાષ્ટ્રની ૭૬ કોલેજો અને યુનિવર્સિટીનાં ૧પ અનુસ્નાતક ભવનોમાં ૧૬,૭ર૮ વિદ્યાર્થીઓ 'સુકેટ' પરીક્ષામાં જોડાયા હતા.

સૌરાષ્ટ્ર વિસ્તારનાં વિદ્યાર્થીઓને રોજગારલક્ષી સરકારી પરીક્ષાઓમાં નોનસ્ટોપ તાલીમશાળાનાં આયોજન થકી છાત્રોને નોકરીમાં દેશનું એક માત્ર સીસીડીસી સતત મદદરૂપ થઇ રહયું છે. ત્યારે જુલાઇ માસથી કોલેજો અને ભવનોમાં નવા જોડાયેલા છાત્રોને સ્પર્ધાત્મક પરીક્ષા માટે અવેરનેસ આવે અને જ્ઞાનની ગંગોત્રી સમાન સીસીડીસીનાં કાર્યક્રમો સાથે જોડી શકાય તે માટે યુપીએસસી અને જીપીએસસી કક્ષાની ૧૦૦ ગુણની સામાન્ય જ્ઞાનની 'મોક' પરીક્ષામાં અમરેલી જીલ્લાની ૦૯ કોલેજોમાંથી રર૧૩, જામનગર જિલ્લાની ૧૦ કોલેજોમાંથી ૧૩૯૭, પોરબંદરની ૩ કોલેજોમાંથી પ૮પ, જુનાગઢ જિલ્લાની ૧૧ કોલેજોમાંથી ૧પ૬પ, રાજકોટ શહેરની રપ કોલેજોમાંથી ૭૪૭૭, સુરેન્દ્રનગર જિલ્લાની ૧૩ કોલેજોમાંથી ૧૮૩૦, મોરબીની પ કોલેજોમાંથી ૧૧૭૬ અને યુનિવર્સિટીનાં ૧પ ભવનોમાંથી ૪૮૬ છાત્રો સુકેટ પરીક્ષામાં જોડાયા હતા અને આજ રોજ સફળતાપુર્વક પરીક્ષા યોજાયેલ હતી.

ભારત દેશની એક માત્ર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં સીસીડીસી મારફત સતત ૧૦ વર્ષથી યોજાતી સુકેટ પરીક્ષામાં ચાલુ વર્ષે વિક્રમજનક સંખ્યામાં છાત્રોએ ભાગ લીધેલ હતો ત્યારે યુનિવર્સિટીનાં કુલપતિ પ્રો. નીતીનભાઇ પેથાણી, ઉપકુલપતિ ડો. વિજયભાઇ દેશાણી અને કુલસચિવ ડો. આર.જી. પરમારનાં માર્ગદર્શન હેઠળ સીસીડીસીના સંયોજક પ્રો. નિકેશભાઇ શાહ તથા જિલ્લાના કો-ઓર્ડીનેટરો પોરબંદરમાં પ્રો. જયેશ ભટ્ટ (ગુરૂકુળ મહિલા કોલેજ, પોરબંદર) જુનાગઢમાં ડો.પી.બી.કાંજીયા (શ્રી પટેલ કેળવણી મંડળ  કોલેજ જુનાગઢ) અમરેલીમાં પ્રા. અતુલ પટેલ (કામાણી સાયન્સ કોલેજ અમરેલી) રાજકોટમાં પ્રો. રાહુલ રાવલીયા (શ્રીમતી ધમસાણીયા કોમર્સ કોલેજ, રાજકોટ) સુરેન્દ્રનગરમાં જીલ્લા કોર્ડીનેટર પ્રો.જે.બી.પરમાર (સુરેન્દ્રનગર) અને જામનગરમાં પ્રો.જી.બી.સિંહ (શ્રી વી.એમ.મહેતા આર્ટસ અને કોમર્સ કોલેજ જામનગર) તથા સીસીડીસીના સુમીતભાઇ મહેતા, ચિરાગભાઇ તલાટીયા, દિપ્તીબેન ભલાણી, આશીષભાઇ કીડીયા, સોનલબેન નિમ્બાર્ક, હીરાબેન કીડીયા અને કાંતીભાઇ જાડેજાએ જીલ્લા કો-ઓડીનેટર્સ, કોલેજ લોકલ કો-ઓડીનેટર્સએ છાત્રોને અભિનંદન   પાઠવેલ હતા. પ૦ કે પ૦ ગુણથી વધારે માર્કસ મેળવનાર દરેક છાત્રોને સર્ટીફીકેટ અને જીલ્લા કક્ષાએ પ્રથમ આવનાર વિદ્યાર્થીઓને જનરલ નોલેજનું પુસ્તક આપી પ્રોત્સાહીત કરવામાં આવનાર છે.

(3:37 pm IST)