રાજકોટ
News of Friday, 20th September 2019

ગોંડલ નજીક અકસ્માત બાદ કાર રોડ નીચે ઉતરી ગઇ અમદાવાદના ઉદ્યોગપતિ અંકિતભાઇ શાહનું મોત

રાજકોટ, તા., ૨૦: ગોંડલ નજીક અકસ્માત બાદ કાર પલ્ટી ખાઇ રોડ નીચે ઉતરી જતા અમદાવાદના ઉદ્યોગપતિનું મોત નિપજયું હતું.

પ્રાપ્ત વિગત મુજબ અમદાવાદ મણીનગરમાં રહેતા ઉદ્યોગપતિ અંકિતભાઇ નરેશભાઇ શાહ (ઉ.વ.૩૭) ગઇકાલે પોતાની બ્રેઝા કાર નં. જીજે ર૭ બીએસ પ૯૬૩ લઇ  જેતપુર સસરાને ત્યાં જતા હતા ત્યારે ગોંડલ નજીક ખોડીયાર હોટલ પાસે કાર પરથી કાબુ ગુમાવતા કાર આગળ જતા અન્ય વાહન સાથે અથડાઇ સર્વિસ રોડની નીચે ઉતરી જતા ચાલક અંકિતભાઇને ગંભીર ઇજા થતા તેનું મોત નિપજયું હતું.

બનાવ અંગે જેતપુરના કિશોરભાઇ ટંકારીયાએ ફરીયાદ કરતા ગોંડલ સીટીના પીએસઆઇ બી.એલ.ઝાલાએ તપાસ હાથ ધરી છે.

(3:28 pm IST)