રાજકોટ
News of Friday, 20th September 2019

વ્યાજે લીધેલા ૨૦૦૦ના ૧૫ હજાર ચુકવ્યા છતાં વધુ ૧૫ હજારની માંગણી!...ત્રાસી જઇ મોહિત પટેલે ઝેર પીધું

મામલતદાર કચેરીમાં કોન્ટ્રાકટ બેઝ પર કામ કરતો કોઠારીયાનો યુવાન સારવાર હેઠળ

રાજકોટ તા. ૨૦: કોઠારીયા ગામમાં રહેતાં અને પીડીએમ કોલેજ પાછળ આવેલી મામલતદાર કચેરીમાં કોન્ટ્રાકટ બેઝ પર કોમ્પ્યુટરનું કામ કરતાં મોહિત હસમુખભાઇ હરસોડા (ઉ.૧૯) નામના પટેલ યુવાને ઝેરી દવા પી લેતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયેલ છે. વ્યાજખોરીથી ત્રાસીને તેણે આ પગલુ ભર્યાનું તેના પિતા હસમુખભાઇ હરસોડાએ જણાવ્યું હતું.

મોહિત બે ભાઇમાં નાનો છે અને કોન્ટ્રાકટ બેઝ પર કોમ્પ્યુટર વર્ક કરે છે. મોહિતે સાંજે  ઘર નજીક કોઇ સ્થળે ઝેર પીધા બાદ ઘરે આવી ઉલ્ટીઓ કરતાં પરિવારજનોએ પૃછા કરતાં દવા પીધાનું કહેતાં હોસ્પિટલમાં ખસેડાયો હતો. ચોકીના સ્ટાફે આજીડેમ પોલીસને જાણ કરી હતી. પિતા હસમુખભાઇએ કહ્યું હતું કે મોહિતે કોઇ પાસેથી બે હજાર વ્યાજેથી લીધા હતાં. તેની સામે ૧૫ હજાર ચુકવી દીધા છે. આમ છતાં એ લોકો વધુ ૧૫ હજાર વ્યાજ માંગી હેરાન કરતાં હોઇ જેથી તેણે કંટાળી જઇ ઝેર પી લીધું હતું.

(1:16 pm IST)