રાજકોટ
News of Friday, 20th September 2019

ગૌપાલક શૈક્ષણિક પ્રગતિ મંડળ દ્વારા કાલે શનિવારે શૈક્ષણિક સન્માન સમારોહ

વરસાદના કારણે આ કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવેલઃ ૭૦૦થી વધારે વિદ્યાર્થીનું સન્માનઃ અરવિંદભાઈ મણિયાર હોલ ખાતે ભરવાડ સમાજના મહાનુભાવોની ઉપસ્થિતીમાં થશે તેજસ્વી તારલાઓનું સન્માન

રાજકોટ,તા.૨૦: શ્રી ગૌપાલક શૈક્ષણિક પ્રગતિ મંડળ રાજકોટ દ્વારા છેલ્લા ૧૦ વર્ષથી શૈક્ષણિક સન્માન સમારોહ યોજવામાં આવે છે. આ વર્ષ પણ તા.૧૦ ઓગષ્ટના શનિવારના રોજ રાખવામાં આવ્યો હતો. પરંતુ આ દિવસે રાજકોટમાં ભારે વરસાદના કારણે કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો હતો. હવે ફરીથી આવતીકાલે તા.૨૧ શનિવારના રોજ અરવિંદભાઈ મણિયાર હોલ ખાતે શૈક્ષણિક સન્માન સમારોહ યોજાશે.

શ્રી ગૌપાલક શૈક્ષણિક પ્રગતિ મંડળ રાજકોટ દ્વારા ભરવાડ સમાજના તેજસ્વી તારલાઓનું દરવર્ષ સન્માન કરવામાં આવે છે. આ વર્ષ પણ તા.૨૧ને શનિવારના રોજ બપોરે ૨ થી ૭ વાગ્યા સુધી અરવિંદભાઈ મણિયાર હોલ જયુબેલી ચોક ખાતે રાખવામાં આવ્યો છે. જેમાં ૭૦૦ જેટલા ભરવાડ સમાજના વિદ્યાર્થીને સન્માનિત કરવામાં આવશે. આ તમામને સન્માન સમારોહમાં ચોપડા, બોલપેન અને પ્રમાણપત્ર આપીને સન્માનીત કરાશે.

આ ઉપરાંત સમાજના વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓ પાસ કરીને નોકરીમાં જોડાયએ માટે વિદ્યાર્થીઓને જનરલ નોલેજની બુક પણ આપવામાં આવશે. આ સન્માન સમારોહમાં ભરવાડ સમાજના લોકોને મોટી સંખ્યામાં હાજર રહેવા આયોજક કમીટીએ અપીલ કરી છે. જેથી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળી રહે.

આ સન્માન સમારોહનું આયોજન શ્રી ગૌપાલક શૈક્ષણિક પ્રગતી મંડળના મોમભાઈ મુંધવા, માધવભાઈ ગામરા, મનીષભાઈ જાધવ, નવઘનભાઈ બાંભવા, વિરમભાઈ બાંભવા, મુકેશભાઈ મુંધવા અને હિરેનભાઈ રાતડિયા દ્વારા કરવામાં આવે છે. આ સન્માન સમારોહમાં સમાજના શ્રેષ્ઠીઓ હાજર રહેશે.

(11:26 am IST)