રાજકોટ
News of Friday, 20th September 2019

વરસાદમાં તૂટેલા ગેરેન્ટીવાળા રસ્તાઓ રીપેર કરવા કોન્ટ્રાકટરોને તાકીદ

લીમડા ચોક-ભગવતીપરા સહિતના વિસ્તારોમાં તૂટેલા રસ્તાઓ કોન્ટ્રાકટરોના ખર્ચે રીપેર થશે

રાજકોટ, તા. ૧૮ : જયારે વરસાદને કારણે શહેરના મોટા ભાગના વિસ્તારોના રસ્તાઓમાં ખાડાઓ પડી ગયા છે. જેને કારણ જબરો જન આક્રોશ જોવા મળી રહ્યો છે. દરમિયાન સતાવાહકોએ નવરાત્રી સુધીમાં તમામ તૂટેલા રસ્તાઓ રીપેર કરી નાંખવાની ખાત્રી સાથે રસ્તાઓનું સમારકામ પણ પૂરજોશમાં શરૂ કરી દીધું છે ત્યારે જે રસ્તાઓ ગેરેન્ટી છે તેવા રસ્તાઓનું પણ કોન્ટ્રાકટરના ખર્ચે સમારકામ કરાવવાની ગતિવિધિ મ્યુ. કમિશનર ઉદીત અગ્રવાલે તેજ કરાવી હોવાનું જાણવા મળ્યું છે.

આ અંગે સતાવાર સુત્રોમાંથી પ્રાપ્ત માહીતી મુજબ મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલે સીટી ઇજનેરોને ગેરેન્ટીવાળા જે રસ્તાઓ વરસાદમાં તૂટી ગયા છે તેનું લીસ્ટ તૈયાર કરી સબંધિત કોન્ટ્રાકટરો પાસે આ રસ્તાઓનું સમારકામ તેઓના ખર્ચે કરાવવા સુચનાઓ આપી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના સેન્ટ્રલ ઝોનમાં વોર્ડ નં.૭માં લીંમડા ચોક વિસ્તારમાં અને વોર્ડ નં.૩માં ગેરેન્ટીવાળો રસ્તો કોન્ટ્રાકટરના ખર્ચે રીપેરીંગ કરવા સબંધિત એજન્સીને જાણ કરી દેવાઇ છે.

જયારે સામા કાંઠે ભગવતીપરા વિસ્તારમાં તૂટી ગયેલો ગેરેન્ટીવાળો રોડ રીપેરીંગ કરી દેવા કોન્ટ્રાકટરને જણાવી દેવાયું છે.

જયારે વેસ્ટ ઝોનમાં ગેરેન્ટીવાળો રોડ તૂટયો નહી હોવાનું જાણવા મળ્યું છે.

નોંધનીય છે કે ગઇકાલ સુધીમાં મ્યુ. કોર્પોરેશન દ્વારા ૧ર૧ જેટલા નાના-ખોટા રસ્તાઓમાં ખાડાઓ મરલ-મેટલ અને પવીંગ બ્લોકથી રીપેરીંગ કરી નંખાયું હોવાનું સત્તાવાર જાહેર થયું છે.

(4:14 pm IST)