રાજકોટ
News of Friday, 20th September 2019

કોર્પોરેશનના ઓડિટ વિભાગે ૪ લાખની ગોલમાલ ઝડપીઃ પેમેન્ટ અટકાવ્યા

રોશની, સોલીડ વેસ્ટ, વેરા વિભાગ, આરોગ્ય ડ્રેનેજ સહિતનાં કામોનાં બીલોમાં ૧ હજારથી ૧ લાખની રકમ મુળ બીલથી વધુ મંજુર કરી નાખ્યાનું ખુલ્યું

રાજકોટ તા. ૧૯: મ્યુ. કોર્પોરેશનનાં ઓડીટ વિભાગે છેલ્લા ત્રણ મહિનામાં વિવિધ કામોમાં ૪ લાખ જેટલી ગોલમાલ ઝડપીને આ અંગે કોન્ટ્રાકટરને ચૂકવવાનાં પેમેન્ટ અટકાવી દીધાનું ખુલ્યું છે.

ઓડી વિભાગે સ્ટેન્ડીંગ કમીટી સમક્ષ રજુ કરેલ ત્રી-માસિક ઓડીટ રીપોર્ટમાં જણાવ્યા મુજબ તા. ૧ એપ્રિલથી ૩૦ જુન સુધીમાં મુળ બીલથી વધુ રકમનાં મંજુર કરાયેલા ૧૦ જેટલાં જુદા જુદા બીલોનું કુલ ૩.૯૩ લાખની રકમની ગોલ-માલ ઝડપી લઇ આ તમામ બીલોનું પેમેન્ટ અટકાવી દીધું હતું.

રીપોર્ટમાં જણાવ્યા મુજબ રોશની વિભાગે એલ.ઇ.ડી. સ્ટ્રીટ લાઇટનાં પ્રોજેકટમાં ૧.રર લાખની વધારાની રકમ મંજુર કરી હતી, સોલીડ વેસ્ટ વિભાગે હકક રજા, ગ્રેચ્યુઇટી બીલ, પગાર પંચનાં હપ્તા, હકક રજા બીલ વગેરેમાં મળી કુલ ૧.૪ લાખની રકમ વધારે મંજુર કરેલ. અને બાંધકામ શાખાએ રેલનગર વિસ્તારમાં રોડ પર રબ્બર બ્લોકનાં કામમાં અને ટ્રી-ગાર્ડ ખરીદી મળીને કુલ ૪૧ હજારની વધારાની રકમ મંજુર કર્યાનું ખુલ્યું હતું.

જયારે વેરા શાખામાં ગ્રેચ્યુઇટી બીલ, પગાર બીલમાં ૩૮ હજારની વધારાની રકમ મંજુર થયાનું અને મેલેરિયા વિભાગમાં ૩પ હજાર, વોટર વર્કસમાં ર૬ હજાર, ડ્રેનેજ વિભાગમાં પમ્પીંગ સ્ટેશનનાં ટોઇલેટ બ્લોકનાં કામમાં ૯ હજાર, ઇ.આર.સી. શાખામાં ૧ હજાર અને એકાઉન્ટ વિભાગમાં ૧ હજાર એમ આ તમામ બીલો મળી કુલ ૩.૯૩ લાખનું ઓવર પેમેન્ટ થયાનું ઓડીટ વિભાગે ઝડપી લઇ સબંધીત વિભાગોને આ જવાણ કરીને ઉકત તમામ પેમેન્ટ અટકાવ્યા હોવાનું ઓડીટ રીપોર્ટમાં જણાવાયું છે. જોકે અધિકારીઓ આ બાબતે એવી સ્પષ્ટતા કરી રહ્યા છે કે, આ ઓવર પેમેન્ટ વહીવટી ક્ષતીને કારણે થઇ ગયું હોય છે.

(3:26 pm IST)