રાજકોટ
News of Thursday, 20th September 2018

માત્ર વરસાદના આંકડા નહિ, અન્ય બાબતો પણ ધ્યાને લેવાશે

નવા માપદંડ મુજબ અછત જાહેર કરાશેઃ બે કરોડ કિલો ઘાસ માટે સરકારનું ટેન્ડર

રાજકોટ, તા. ૨૦ :. રાજ્યમાં ચોમાસાએ લગભગ વિદાય લઈ લેતા સરકારે અછતના સામનાની તૈયારી શરૂ કરી છે. ટૂંક સમયમાં આ અંગે બેઠકોનો દોર શરૂ થશે. ઓછા વરસાદને કારણે ઓછું ઘાસ થતા સરકારે બહારથી ઘાસ મંગાવવાની તૈયારી આરંભી છે. આવતા દિવસોની જરૂરીયાતને અનુલક્ષીને અબોલ પશુઓ માટે બે કરોડ કિલો ઘાસના ટેન્ડર બહાર પાડી દેવામાં આવ્યા છે. સરકાર દ્વારા અછતગ્રસ્ત વિસ્તારોમાં રાહત દરે વિતરણ કરવામાં આવશે. ૧૩ તાલુકાઓમાં પણ અત્યારે પણ વિતરણ થઈ રહ્યુ છે.

ગુજરાતમાં દુષ્કાળના ડાકલા વાગ્યા છે. હવે ચમત્કાર સિવાય વરસાદ આવવાની આશા રહી નથી. અત્યાર સુધી ૫ ઈંચ અને ૬ થી ૧૦ ઈંચ વરસાદના આંકડા ધ્યાને રાખી અછત અને અર્ધઅછત જાહેર કરવામાં આવતી પરંતુ ગયા વર્ષથી કેન્દ્ર સરકારે અછતના નિતીનિયમો બદલ્યા છે. નવા માપદંડ મુજબ ગુજરાતમાં પ્રથમ વખત અછત જાહેર કરવાના સંજોગો સર્જાયા છે. હવે માત્ર વરસાદના આંકડાને ધ્યાને રાખીને નહિ પરંતુ વાવેતર અને અન્ય માપદંડો ધ્યાને રાખીને અછત અને અર્ધઅછત જાહેર કરવામાં આવશે. ચૂંટણીના વર્ષમાં અછતના સામનામાં સરકારની આકરી કસોટી થઈ જશે.(૨-૨૧)

(4:03 pm IST)