રાજકોટ
News of Thursday, 20th September 2018

મોહસીન ઉર્ફે અસગર હત્યા કેસમાં સ્પે. પી.પી. તરીકે અનિલ દેસાઇની નિમણુંકઃ આરોપી શાહરૂખની જામીન અરજી રદ

ધર્મેન્દ્ર રોડ ઉપર કાપડ માર્કેટ પાસે સરાજાહેર થયેલ ચકચારી

રાજકોટ તા. ર૦: રાજકોટમાં મુખ્ય અને ધમધમતી તથા ભરચકક ધર્મેન્દ્ર રોડ પર આવેલ કાપડ માર્કેટ પાસે થયેલી સરાજાહેર નવ યુવાન, નિર્દોષ મોહસીન ઉર્ફે અસગર હનીફભાઇ જુણેજાની હત્યા કેસમાં સ્પે. પી.પી. તરીકે ધારાશાસ્ત્રી અનિલભાઇ દેસાઇની ગુજરાત સરકાર દ્વારા નિમણુંક કરવામાં આવેલ છે.

આ ગુનામાં આરોપી શાહરૂખ ઉર્ફે રાજા અલ્લારખાભાઇ ઉર્ફે બાબુભાઇ જુણેજાની જામીન અરજીને સેસન્સ અદાલતે રદ કરી હતી.

સમગ્ર રાજકોટમાં ચકચારી થયેલ નવ યુવાન મોહસીન હનીફભાઇ જુણેજાના મર્ડર કેસની ટુંકમાં હકીકત એવી છે કે, આ કામના આરોપીઓ પૈકી હાલમાં નાસતા ફરતા અને પોલીસ પકડમાં નહિ આવેલા આરોપી ઇસ્માઇલભાઇ ઉર્ફે બટુક ઇશાભાઇ દલના ભાઇના દિકરા નીજામ સેલેમાનનું અગાઉ ગાયકવાડી શેરી નં. ૬ માં ખુન થયેલ હતું. જેમાં આરોપીઓ તરીકે આ કામના મરણ જનાર મોહસીન ઉર્ફે અસગર હનીફભાઇ જુણેજાના સગા મામાઓ તથા કાકાઓના નામ હતા. જે અંગત અને જુની અદાવતનો ખાર રાખી આ કામના ફરીયાદી આબીદ હુશેનભાઇ જુણાચ તથા રફીક કાસમભાઇ હાલા તથા મરણ જનાર મોહસીન ઉર્ફે અસગર હનીફભાઇ જુણેજા ગત તા. ૧૧/૦૧/ર૦૧૮ રાત્રીના અરસામાં ધર્મેન્દ્ર રોડ ઉપર નાસ્તો કરવા ગયેલ હતા અને જેની હકીકત આ કામના આરોપીઓએ મેળવી અને ગત તા. ૧૧/૦૧/ર૦૧૮ના રાત્રીના દશેક વાગ્યે જામનગર રોડ ઉપર આવેલ હુડકો કવાર્ટર પાસે કમીટી ચોકમાં ભેગા થઇ આ કામના તમામ આરોપીઓએ પુર્વયોજીત કાવતરૂ રચી, ગેરકાયદેસર મંડળી રચી પોતાનો સમાન ઇરાદો પાર પાડવાના હેતુથી છરીઓ જેવા પ્રાણઘાતક અને તીક્ષ્ણ હથીયારો ધારણ કરી ગત તા. ૧૧/૦૧/ર૦૧૮ના રાત્રીના આશરે પોણા એકાદ વાગ્યે ધર્મેન્દ્ર રોડ પર આવેલ રમેશ બ્રધર્સવાળી શેરીમાં હત્યા કરેલી હતી.

આ કામના સ્પે. પી.પી. અનિલભાઇ દેસાઇએ સર્વોચ્ચ અદાલત તથા વડી અદાલતોના વિવિધ ચુકાદાઓ ટાંકી વિસ્તૃત દલીલ કરેલ હતી. જે તમામ સંજોગો ધ્યાને લઇ રાજકોટના ત્રીજા એ. ડી. સેસન્શસ જજ માનનીય શ્રી આર. એલ. ઠકકરે આરોપી શાહરૂખ ઉર્ફે રાજા અલ્લારખાભાઇ ઉર્ફે બાબુભાઇ જુણેજાની રેગ્યુલર જામીન અરજી ફગાવી દીધેલ છે.

આ ચકચારી કેસમાં રાજય સરકાર દ્વારા રાજકોટ શહેર ''એ'' ડીવીઝન પોલીસ મથકમાં નોંધાયેલ ગુન્હામાં સ્પે. પી. પી. તરીકે રાજકોટના પુર્વ ડી.જી.પી. અને સીનીયર એડવોકેટ શ્રી અનિલભાઇ દેસાઇની નિમણુંક કરવામાં આવેલ છે. કે જેઓ અગાઉ પણ સરકારશ્રી પક્ષે રહેલ તમામ ચકચારી કેસોમાં યશસ્વી કામગીરી બજાવી ચુકયા છે.

(3:58 pm IST)