રાજકોટ
News of Thursday, 20th September 2018

શાસકો ફરકયા જ નહી!! વોર્ડનં.૩નો સેવાસેતુ કાર્યક્રમ કોંગ્રેસના ગાયત્રીબા વાઘેલાએ ખુલ્લો મુકયો

આજે વોર્ડનં. ૫,૮ સહિત ૩ વોર્ડમાં સેવાસેતુ કાર્યક્રમ યોજાયોઃ એક હજારથી અરજીઓનો નિકાલ

 રાજકોટ તા.૨૦ : સરકારની વિવિધ યોજનાઓ સંબધિત પ્રશ્નનો સ્થળ ઉપર જ નિકાલ થાય તે માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ દિવસે વિવિધ ત્રણ વોર્ડમાં સેવાસેતુ કાર્યક્રમ યોજાઇ છે. જે અન્વેય  આજે વોર્ડ નં.૩,૫,૮માં આ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વોર્ડ નં.૩માં સવારે ૯ કલાકે સેવાસેતુ કાર્યક્રમનાં ઉદ્દધાટન સમારોહમાં પદાધિકારીઓ સમયસર ઉપસ્થિત ન રહેતા આ કાર્યક્રમનું પુર્વ વિપક્ષી નેતા અને વોર્ડ નં.૩નાં કોંગી કોર્પોરેટર ગાયત્રીબાએ દિપ પ્રાગટય કરી લોકો માટે આ કાર્યક્રમ ખુલ્લો મુકયો હતો.

આ અંગેની પ્રાપ્ત માહિતી મુજબ રાજય સરકારની વિવિધ સેવાઓનો ઘર આંગણે લોકોને લાભ મળે ત ેહેતુથી રાજકોટ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ચોથા તબક્કાનો સેવસેતુ કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યુ છે. તંત્ર દ્વારા દરરોજ વિવિધ ત્રણ વોર્ડમાં સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. જે અન્વેય આજે વોર્ડ નં.૩,૫,૮માં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ કાર્યક્રમનો પ્રારંભ શાસકોનાં પદાધિકારીઓનાં હસ્તે કરવામાં આવે છે.ત્યારે આજે વોર્ડ નં.૩માં  ગૂરૂનાનક કોમ્યુનીટી હોલ, રેલ્વે સ્ટેશન રોડ, જંકશન પ્લોટ ખાતે આયોજીત કાર્યક્રમમાં સવારે ૯ કલાકે શાસકો સમયસર નહિ આવતા સ્થળ પર ઉપસ્થિત પુર્વ વિપક્ષી નેતા ગાયત્રીબા વાઘેલાનાં હસ્તે દિપ પ્રાગટય કરી કાર્યક્રમ ખુલ્લો મુકવામાં આવ્યો હતો.

આ સાથે વોર્ડ નં.૩ના કોંગી કોર્પોરેટર દિલીપભાઇ આસવાણી તથા ડે. મ્યુનિ. કલેકટર ચેતનભાઇ નંદાણી, આસી. કમિશનર હરિશભાઇ કગથરા સહિતના અધિકારીઓ, કોર્પોરેટરો, લોકો ઉપસ્થિત રહયા હતા. આજે વોર્ડ નં.૩,૫,૮ સહિત ત્રણ વોર્ડમાં યોજાયેલ  સેવાસેતુ કાર્યક્રમમાં  ૧ હજાર થી વધુ અરજીઓનો નિકાલ થયો હતો. લોકો વિવિધ યોજનાથી વંચિત ન રહે  તે માટે સેવાસેતુ કાર્યક્રમ ખુલ્લો મુકવામાં આવ્યો હતો તેમ ગાયત્રીબાએ જણાવ્યું હતું.

(3:54 pm IST)