રાજકોટ
News of Thursday, 20th September 2018

સિવિલ હોસ્પિટલમાં વેરાવળના વૃધ્ધાનો સ્વાઇન ફલૂ રિપોર્ટ પોઝિટીવઃ ગોંડલની બાળકીનું રિપોર્ટ આવે એ પહેલા મોત

ખાનગી હોસ્પિટલમાં ૧૦ દર્દી સારવારમાં:પાંચ દર્દીઓને વેન્ટીલેટર પર રખાયાઃ સિવિલમાં હવે એક દર્દી, રિપોર્ટ બાકી

રાજકોટ તા. ૨૦: સ્વાઇન ફલૂએ અત્યાર સુધીમાં બે દર્દીનો ભોગ લીધો છે. બીજી તરફ ખાનગી અને સિવિલ હોસ્પિટલમાં ૧૩ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. જેમાં ૧૧ના રિપોર્ટ પોઝિટીવ છે. ગઇકાલે સિવિલ હોસ્પિટલમાં દાખલ થયેલા વેરાવળના ૫૮ વર્ષના મુસ્લિમ વૃધ્ધાનો રિપોર્ટ પોઝિટીવ જાહેર થતાં સારવાર સઘન બનાવાઇ છે. બીજી તરફ ટંકારાના મહિલા અને ગોંડલની બે વર્ષની બાળકીને ગત સાંજે સ્વાઇન ફલૂની શંકાએ દાખલ કરવામાં આવ્યા હતાં. જે પૈકી બાળકીનો રિપોર્ટ આજે સાંજે જાહેર થાય એ પહેલા બપોરે તેનું મોત નિપજ્યું છે.

કલેકટર તંત્રના રિપોર્ટ મુજબ શહેરમાં ખાનગી અને સિવિલ હોસ્પિટલમાં મળી કુલ ૧૩ દર્દી સારવાર હેઠળ છે. જેમાં ૧૧ના રિપોર્ટ પોઝિટીવ છે.

ખાનગી હોસ્પિટલોમાં જે દર્દીઓ સારવાર લઇ રહ્યા છે તેમાં ધોરાજી, અમરેલી, સોમનાથ, જુનાગઢ, રાજકોટના દર્દીઓ સામેલ છે.

ઉલ્લેખનિય છે કે અગાઉ બે દર્દીના સિવિલ હોસ્પિટલમાં મૃત્યુ થયા હતાં. એ બંંનેના રિપોર્ટ પોઝિટીવ હતાં. અહિ દાખલ થયા એ પહેલા ખાનગી હોસ્પિટલમાં બંનેને દાખલ કરાયા હતાં. છેલ્લે ગંભીર હાલતમાં સિવિલમાં ખસેડાયા હતાં અને દમ તોડી દીધો હતો.

ગત સાંજે ટંકારા પંથકના એક મહિલા અને ગોંડલની એક બાળકીને શંકા પરથી દાખલ કરવામાં આવ્યા હતાં. જેમાં બાળકીનો રિપોર્ટ આવે એ પહેલા તેનું મોત નિપજ્યું છે. મૃત્યુ પામનાર બાળકીના પિતા પાનની દૂકાનમાં કામ કરે છે. તેણી ચાર બહેનમાં સોૈથી નાની હતી. બનાવથી પરિવારમાં માતમ છવાઇ ગયો છે.

(3:53 pm IST)