રાજકોટ
News of Thursday, 20th September 2018

પતિએ ફોન ઉપાડવામાં વાર લગાડતાં પ્રજાપતિ નવોઢાએ ગળાફાંસો ખાધો

અમદાવાદથી પતિએ પરિવારજનોને જાણ કરતાં જીવ બચાવી લેવાયો

રાજકોટ તા. ૨૦: મવડીની ગિરનાર સોસાયટી-૪માં ચાલીસ ફુટ રોડ પર રહેતી ડિમ્પલ હર્ષદ અમેથીયા (ઉ.૨૪) નામના પ્રજાપતિ નવોઢાએ અમદાવાદ નોકરીનો ઇન્ટરવ્યુ આપવા ગયેલા પતિએ ફોન ઉપાડવામાં સમય લગાડતાં માઠુ લાગી જતાં તેની સાથે વાત કરી રાત્રે અગિયારેક વાગ્યે ઘરમાં ચુંદડીથી ગળાફાંસો ખાઇ લીધો હતો. પતિએ આ બાબતે પરિવારજનોને જાણ કરતાં તેણીને તુરત જ બચાવી લઇ હોસ્પિટલમાં ખસેડાઇ હતી.

ડિમ્પલને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતાં હોસ્પિટલ ચોકીના એએસઆઇ જગુભા ઝાલા અને રાજદિપસિંહે તાલુકા પોલીસને જાણ કરી હતી. ડિમ્પલના લગ્ન નવ મહિના પહેલા જ થયા છે. તેના માવતર રાજકોટમાં જ રહે છે. જાણવા મળ્યા મુજબ ગઇકાલે તેણીનો પતિ હર્ષદ અમદાવાદ ઇન્ટરવ્યુ આપવા ગયો હતો. રાત્રે પતિએ ફોન ઉપાડવામાં વાર લગાડતાં તેણીને માઠુ  લાગી ગયું હતું. બાદમાં પતિ સાથે વાત કરતી વેળાએ જ પોતે આ પગલું ભરતી હોવાનું કહેતાં પતિએ તાકીદે પરિવારજનોને ફોનથી જાણ કરતાં સ્વજનો ડિમ્પલના રૂમમાં ગયા હતાં અને તેણીને બચાવી લીધી હતી. તાલુકા પોલીસે નિવેદન નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી. (૧૪.૬)

(3:11 pm IST)