રાજકોટ
News of Thursday, 20th September 2018

સ્વચ્છતાની સલાહ માટે ૯૩ લાખનો ખર્ચ બીન જરૂરીઃ કોંગ્રેસ

સ્ટેન્ડીંગ કમીટીમાં સ્વચ્છ ભારતના કન્સલ્ટન્ટની નિમણુંક, અવંતીબાઇ લોધી હોલનું બુકીંગ કેન્સલ કરી અન્યને આપવા તથા વોટર વર્કસના ત્રિ-વાર્ષિક કોન્ટ્રાકટની દરખાસ્તોનો વિરોધ કરતા કોંગ્રેસના સભ્ય ઘનશ્યામસિંહ જાડેજા

રાજકોટ, તા., ૨૦: મ્યુનિસીપલ કોર્પોરેશનમાં આજે મળેલી સ્ટેન્ડીંગ કમીટીની બેઠકમાં વિપક્ષ કોંગ્રેસના સભ્ય ઘનશ્યામસિંહ જાડેજાએ સ્વચ્છ ભારત અભિયાન હેઠળ શહેરમાં સ્વચ્છતાની કામગીરીની સલાહ લેવા માટે રૂા. ૯૩ લાખના ખર્ચે કન્સલ્ટન્ટની નિમણંુક કરવાની દરખાસ્ત તથા કોમ્યુનીટી હોલનું બુકીંગ રદ કરવાની દરખાસ્ત અને વોટર વર્કસના રીપેરીંગ માટેના ૩ વર્ષના કોન્ટ્રાકટ આપવાની દરખાસ્તોનો વિરોધ કર્યો હતો.

આ અંગે ઘનશ્યામસિંહ જાડેજાની યાદીમાં જણાવ્યા મુજબ તેઓએ સ્વચ્છતા માટે કન્સલ્ટન્ટની નિમણુંકનો વિરોધ એટલા માટે કર્યો છે કે સ્વચ્છતા માટે માત્ર અધિકારીઓ અને કર્મચારીઓએ ખંત પુર્વક કામ કરવાની જરૂર છે. જો સૌ નૈતિકતાથી કામ કરે તો આપોઆપ શહેર સ્વચ્છ બને તો આ માટે ખાસ સલાહકારની નિમણુંક કરી પ્રજાના ૯૩ લાખનો ખર્ચ કરવો અત્યંત બીન જરૂરી છે તેથી આ દરખાસ્તનો વિરોધ છે.

આજ પ્રકારે અવંતીબાઇ લોધી હોલનું ૨૦ ડિસેમ્બરે નિલેશભાઇ ઝરીયા નામના વ્યકિતએ નિયમ મુજબ ઓનલાઇન બુકીંગ કર્યુ હતું અને તેના પૈસા પણ ભરી દીધા હતા. છતા પણ હોલની ફાળવણી કરી દેવાઇ હતી. આમ છતા કોર્પોરેશનના શાસકોએ સતાના જોરે સાંસ્કૃતિક કાર્યક્રમના બહાના હેઠળ ઉપરોકત વ્યકિતનું બુકીંગ રદ કરી નાખતા આ વ્યકિતનો પ્રસંગ રઝળી પડે તેવી સ્થિતિ સર્જાઇ છે. તંત્રની આ કિન્નાખોરીભરી દરખાસ્તો પણ કોંગ્રેસ દ્વારા વિરોધ કરાયો છે. જયારે વોટર વર્કસના ડીઝલ જનરેટર સેટના રીપેરીંગનો કોન્ટ્રાકટ રૂા. ૪૩ લાખના ખર્ચે મંજુર કરાયો છે. જે ખરેખર બજારભાવ મુજબ ૩૩ થી ૩પ લાખમાં થઇ શકે છે. આમ આ દરખાસ્તમાં પણ ભ્રષ્ટાચારની શંકા હોય તેમાં વિરોધ દર્શાવાયો છે. આમ વિપક્ષી સભ્યો દ્વારા ઉપલી ત્રણેય દરખાસ્તોમાં વિરોધ દર્શાવાયેલ છે. (૪.

(3:06 pm IST)