રાજકોટ
News of Tuesday, 20th August 2019

લાલપરી તળાવમાંથી મળેલી લાશ ધર્મેન્દ્ર રોડના વેપારી મોહનલાલ એન્ડ સેલ્સ કોર્પોરેશનવાળા મહેશભાઇ દક્ષિણીની હતી

રાજકોટ તા. ૨૦:  પ્રદ્યુમન પાર્કની પાસે લાલાબાપુની ગોૈશાળા પાસે ભીચરી જતાં રોડ પર લાલપરી તળાવમાંથી પરમ દિવસે આશરે અજાણ્યા પુરૂષની લાશ મળી આવી હતી. બનાવની જાણ થતાં બી-ડિવીઝનના એએસઆઇ ડી. જી. દાફડા, સંજયભાઇ, કે.આર. ચોટલીયા સહિતે તેની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી હતી. મૃતકની ઉમર આશરે ૪૫ થી ૪૮ વર્ષની હતી. તે શરીરે મજબૂત બાંધાનો અને વાને ઉજળા વર્ણના હતાં. તેણે પીળા કલરનો કાળી ટપકી વાળો શર્ટ તથા કોફી કલરનું પેન્ટ પહેરેલો હતો. શરીરે જનોઇ ધારણ કરી હતી.

પોલીસે મૃતકની ઓળખ મેળવવા તપાસ શરૂ કરી હતી. દરમિયાન આ મૃતદેહ ધર્મેન્દ્ર રોડના ખુબ જુના બૂક સેલર્સ મોહનલાલ એન્ડ સેલ્સ કોર્પોરેશનવાળા પરિવારના પુત્રની હોવાનું ખુલ્યું હતું. મૃતકનું નામ મહેશભાઇ જયસુખલાલ દક્ષિણી (મુન્નાભાઇ) (ઉ.વ.૫૦-રહે. આફ્રિકા કોલોની વૃજ વાટીકા) હોવાનું ખુલ્યું હતું.

લાશ મળી તેના બે દિવસ પહેલા મહેશભાઇ (મુન્નાભાઇ) ઘરેથી નીકળ્યા બાદ ગૂમ હતાં. સ્વજનોએ આકુળ વ્યાકુળ થઇ તપાસ શરૂ કરી હતી. પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. ત્યાં તેમની લાશ મળતાં અરેરાટી વ્યાપી ગઇ છે. બનાવ આપઘાતનો હોવાનું બહાર આવ્યું છે. આર્થિક ભીંસમાં હોવાની ચર્ચાને પગલે પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે.

(5:05 pm IST)