રાજકોટ
News of Tuesday, 20th August 2019

રૈયા સ્માર્ટ સીટીમાં લકઝુરિયસ આવાસ યોજનાની જાહેરાતમાં તંત્રએ ઉતાવળ કરીઃ ગણગણાટ

હજુ સ્માર્ટ સીટી ડેવલપમેન્ટનો પાયો પણ નથી નંખાયો ત્યાં જ સીધી આવાસ યોજનાની માત્ર જાહેરાત થઇ જતાં રાજકિય પાંખમાં દેકારો

રાજકોટ તા. ર૦ :.. શહેરનાં રૈયા વિસ્તારમાં નિર્માણ થનાર સ્માર્ટ સીટીમાં આવેલા બે તળાવોની વચ્ચેનાં પ્રાઇમ લોકેશનમાં કલબ હાઉસ શોપીંગ મોલ અને ગાર્ડનની લકઝુરિયસ સુવિધાવાળી ૧૧૦૦ થી વધુ ફલેટોની આવાસ યોજનાની જાહેરાતમાં તંત્ર વાહકોએ વધુ પડતી ઉતાવળ કરી નાખ્યાનો ગણગણાટ મ્યુ. કોર્પોરેશનની રાજકિય પાંખમાં શરૂ થતાં આ મુદે ખળભળાટ મચી ગયો છે.

આ અંગે મ્યુ. કોર્પોરેશનની રાજકીય પાંખમાં થઇ રહેલા ગણગણાટ મુજબ રૈયા સ્માર્ટ સીટી ડેવલપમેન્ટ માટે બજેટમાં પપ૦ કરોડની જોગવાઇઓ કરી છે. જેમાં સૌ પ્રથમ રોડ, કોમર્શીયલ સેન્ટરો, - સ્પોર્ટસ એરેના, એમ્યુઝમેન્ટ પાર્ક, ગ્રીન હાઉસ રેસીડેન્સીયલ પ્રોજેકટ જેવી યોજનાઓનો સમાવેશ થાય છે. આ યોજનાઓ પૈકી એક પણ યોજનાનો પાયો પણ નથી નંખાયો ત્યાં જ લકઝુરિયસ આવાસ યોજનાની જાહેરાત કરી નંખાઇ જેમાં ઉતાવળ થઇ ગયાની ચર્ચાએ જોર પકડયું છે.

રાજકિય પાંખમાં આ બાબતે એવી પણ ચર્ચા જાગી છે કે હજુ શહેરનાં અનેક પ્લોટમાં આવાસ યોજનાઓનું નિર્માણ થવાનું બાકી છે. આવા પ્લોટોમાં દબાણો થઇ જાય તે પહેલા જ આવા અનામત પ્લોટોમાં પ્રધાન મંત્રી આવાસ યોજનાનાં ફલેટનાં પેન્ડીંગ રહેલા પ્રોજેકટોને પ્રાયોરીટીનાં ધોરણે હાથ ઉપર લેવા જોઇએ તેના બદલે હજુ તો માત્ર કેન્દ્ર સરકારમાં લકઝુરિયસ આવાસ યોજનાનો મોડેલ પ્રોજેકટ મંજૂર થયો છે. ત્યાં જ તેનાં નિર્માણથી જાહેરાત કરી દેવાઇ.

આમ રૈયા સ્માર્ટ સીટીની આવાસ યોજનાનાં નિર્માણથી જાહેરાત ઉતાવળે કરી નાખવામાં આવ્યાની બાબતે રાજકિય પાંખમાં જબરો દેકારો બોલી ગયો છે.

(4:21 pm IST)