રાજકોટ
News of Tuesday, 20th August 2019

ગુંદાવાડીમાં ખરીદી માટે આવેલા દંપતિનું દાગીના-રોકડનું પર્સ ચોરનાર કમુ અને ભાવેશ પકડાયા

સીસીટીવી કેમેરાને આધારે ભકિતનગર પોલીસે તપાસ કરી બંનેને શોધી કાઢ્યાઃ ૬૯ હજારનો મુદ્દામાલ કબ્જે

રાજકોટ તા. ૨૦: તહેવારો નજીકમાં છે ત્યારે ગુંદાવાડી સહિતની બજારોમાં ગ્રાહકોની સાથોસાથ ગઠીયાઓ પણ ઉતરી પડે છે. થોડા દિવસ પહેલા ગુંદાવાડીમાં કોૈશિકભાઇ બાબુભાઇ મહેતા અને તેમના પત્નિ રેખાબેન દક્ષિણી ક્રિએશન નામની દૂકાને ખરીદી કરતાં હતાં ત્યારે તેમની નજર ચુકવી કોઇ રેખાબેનનું પર્સ ચોરી ગયું હતું. આ પર્સમાં ૬૬ હજારના દાગીના અને ૩ હજારની રોકડ હતી. ભકિતનગર પોલીસે આઇ વે પ્રોજેકટના કેમેરાની મદદથી ઘંટેશ્વર પાસે રહેતી એક મહિલા અને મુળ પોરબંદરના શખ્સની ધરપકડ કરી મુદ્દામાલ રિકવર કર્યો છે.

ચોરીનો બનાવ તા. ૭/૮ના રોજ બન્યો હતો. તે અંગે ભકિતનગર પોલીસે ગુનો નોંધ્યો હતો. ગુંદાવાડી બજારમાં વેપારી એસોસિએશન તથા સરકારના આઇવે પ્રોજેકટના કેમેરા ફીટ કરાયેલા હોઇ તે ચેક કરવામાં આવ્યા હતાં. જેમાં એક મહિલા અને એક પુરૂષ શંકાસ્પદ દેખાયા હતાં. દરમિયાન હેડકોન્સ. વિક્રમભાઇ ગમારા, કોન્સ. મયુરસિંહ પરમાર અને યશપાલસિંહ ઝાલાને બાતમી મળી હતી કે ચોરી કરનાર મહિલા કોઠારીયા કોલોનીના બગીચા પાસે બાકડા ઉપર બેઠી  છે...તેના આધારે બંનેને સકંજામાં લઇ પુછતાછ કરવામાં આવતાં પોતાના નામ કમુબેન ચમનભાઇ પરમાર (દેવીપૂજક) (ઉ.૫૨-રહે. જામનગર રોડ ઘંટેશ્વર૨૫ વારીયા) તથા ભાવેશ લાલજીભાઇ નાથજી (બાવાજી) (રહે. ખાપટ વિસ્તાર નાગબાપાના મંદિર પાસે મફતીયાપરા પોરબંદર) જણાવ્યા હતાં.

આ બંનેની વિશેષ પુછતાછ થતાં તેણે ચોરીની કબુલાત આપી હતી અને સોનાનો ઢાળીયો રૂ. ૬૬૦૦૦નો (૧૭.૮૨૦ ગ્રામ) તથા ૩ હજાર રોકડા કબ્જે લીધા હતાં. ચોરી કરી ત્યારે પર્સમાંથી મંગલસુત્ર મળ્યું હતું જે તેણે ઓગાળીને ઢાળીયો બનાવી નાંખ્યું હતું.

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી અજયકુમાર ચોૈધરી, ડીસીપી રવિકુમાર સૈની, એસીપી એચ.એલ. રાઠોડની રાહબરીમાં પીઆઇ વી. કે. ગઢવીની સુચના હેઠળ પીએસઆઇ પી. બી. જેબલીયા, હેડકોન્સ. રણજીતસિંહ પઢારીયા, વિક્રમભાઇ ગમારા, મહેન્દ્રસિંહ ડોડીયા, હિરેનભાઇ પરમાર, સલિમભાઇ મકરાણી,  મયુરસિંહ પરમાર, યશપાલસિંહ ઝાલા, દેવાભાઇ ધરજીયા, ભાવેશભાઇ મકવાણા,  વાલજીભાઇ જાડા, દિવ્યરાજસિંહ ઝાલા, મનિષભાઇ શિરોડીયા, હિતેષભાઇ અગ્રાવત, રાજેશભાઇ ગઢવી, દક્ષાબેન ગુજરાતી સહિતે આ કામગીરી કરી હતી.

(4:20 pm IST)