રાજકોટ
News of Tuesday, 20th August 2019

રામકૃષ્ણનગર-એસ્ટ્રોન ચોક વિસ્તારમાં જાહેર રસ્તા પર પાણી નિકાલ કરતા ૩ મોટર જપ્ત

રાજકોટ, તા. ૨૦ :. શહેરમાં જે-તે આસામીઓ દ્વારા સેલર કે ચાલુ બાંધકામ સાઇટનાં પાયાનાં ખોદાણમાંથી જાહેર રસ્તા પર પાણી નિકાલ કરતા ડી-વોટરીંગ મશીનરી જપ્તીની કાર્યવાહી કરવા મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ આદેશ આપ્યો છે. જેના પગલે આજે સેન્ટ્રલ ઝોનમાં ૦૩ મોટર જપ્ત કરવામાં આવેલ છે.

આ અંગે મ્યુ. કોર્પોરેશનની સત્તાવાર યાદીમાં જણાવ્યા પ્રમાણે સેન્ટ્રલ ઝોનમાં વોર્ડ નં.૦૭માં રામકૃષ્ણ નગર – ૨, મહેતા ગાર્ડનની સામેથી કન્સ્ટ્રકશન સાઈડ પરથી  ૦૨ મોટર અને લેન્ડમાર્ક બિલ્ડીંગ, એસ્ટ્રોન ચોક પરથી ૦૧ મોટર જપ્ત કરવામાં આવેલ છે. બંને સ્થળ પર રસ્તા ઉપર પાણી છોડતા હોવાથી કુલ ૦૩ મોટર જપ્ત કરવામાં આવેલ છે.

દર વર્ષે ભારે વરસાદને કારણે શહેરમાં સ્થાનિક લોકો તથા બિલ્ડરો દ્વારા હયાત સેલરો તથા નવા બનતા બિલ્ડીંગનાં પાયાનાં ખોદાણમાં ભરાયેલ પાણીનો શહેરનાં મુખ્ય/આંતરીક રસ્તાઓ પર તથા ભૂગર્ભ ગટરમાં ડી-વોટરીંગ કરીને નિકાલ કરતા હોવાનું ધ્યાને આવેલ છે. આ રીતે પાણીનાં નિકાલને કારણે રસ્તાઓને ખૂબ જ નુકશાન થાય છે જેથી નાગરિકોને અવર-જવરમાં પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તેમજ ટ્રાફિકની સમસ્યાઓ પણ ઉદ્દભવે છે. આ ઉપરાંત સદરહુ પાણી ભૂગર્ભ ગટરમાં નિકાલ કરવાને કારણે હયાત ભૂગર્ભ ગટરની પાઇપલાઇનોમાં ઓવર કેપેસીટીને કારણે મેનહોલ ઉભરાવાની સમસ્યા ઉદ્દભવે છે તથા ડ્રેનેજ પાઇપલાઇનો દિવસો સુધી હેડીંગ થવાના કારણે ભૂગર્ભ ગટરનાં ગંદા પાણી ઉભરાઇને રસ્તા ઉપર ફેલાય છે, જેનાં કારણે લગત વિસ્તારોમાં ગંદકી ફેલાવાને લીધે લોકોનું આરોગ્ય જોખમાય છે.

(4:11 pm IST)