રાજકોટ
News of Tuesday, 20th August 2019

કુવાડવાના કોઠારીયામાં ખુંચી ગયેલી કાર કાઢી રહેલા રજપૂત બંધુ પર હુમલો

ભરવાડ શખ્સોએ કાર કેમ રસ્તામાં રાખો છો? કહી ધોકા-પાઇપ-લાકડીથી હુમલો કર્યોઃ પ્રકાશ ડોડીયા તથા અશ્વિન ડોડીયાને ઇજા

રાજકોટ તા. ૨૦: કુવાડવા તાબેના આણંદપર બાઘી પાસેના કોઠારીયા ગામમાં કાચા રસ્તે કાર કીચડમાં ખુંચી જતાં ભરવાડ પિતા-પુત્રોએ કાર કેમ રસ્તામાં રાખો છો? તેમ કહી રજપૂત યુવાન અને તેના કુટુંબી ભાઇ પર ધોકા-પાઇપ-છરીથી હુમલો કરતાં ફરિયાદ થઇ છે.

બનાવ અંગે આણંદપર બાઘીના કોઠારીયા ગામમાં રહેતાં અને ખેતી કરી ગુજરાન ચલાવતાં પ્રકાશ કાનજીભાઇ ડોડીયા (ઉ.૨૯) નામના રજપૂત યુવાનની ફરિયાદ પરથી કુવાડવા પોલીસે કોઠારીયાના જ મુકેશ ખીમાભાઇ ભરવાડ, તેના પિતા ખીમાભાઇ  દેવાભાઇ ભરવાડ, બાલા દેવાભાઇ ભરવાડ અને લક્ષમણ બાલાભાઇ ભરવાડ સામે ગુનો નોંધ્યો છે.

પ્રકાશે ફરિયાદમાં જણાવ્યું છે કે હું સાંજે સાડા આઠેક વાગ્યે મારી એકસેન્ટ કાર લઇને રમેશભાઇ માવજીભાઇ ડોડીયાની વાડીેએ તેને તેડવા ગયો હતો. અમે બંને પરત આવતાં હતાં ત્યારે કોઠારીયાથી બાઘી જવાના કાચા રસ્તા પર પહોંચતા અમારી ગાડીનું વ્હીલ બેસી જતાં કાર ન નીકળતાં મેં મારા કુટુંબી અશ્વિનભાઇ જેસીંગભાઇ ડોડીયાને ફોન કરતાં તે ગાડી કઢાવવા મદદ કરવા આવ્યા હતાં. અમે ધક્કો મારતાં હતાં ત્યારે ગામના મુકેશ ભરવાડ તેના બાઇકમાં દૂધના કેન રાખીને નીકળ્યા હતાં. અમારી ગાડી ખુંચી ગઇ હોઇ તે રસ્તાની સાઇડમાંથી નીકળી જતો રહ્યો હતો.

થોડીવાર પછી મુકેશ, તેના પિતા ખીમાભાઇ, બાલાભાઇ તથા લક્ષમણ બાલાભાઇ એમ ચારેય મોટર સાઇકલ લઇને આવ્યા હતાં અને રસ્તામાં કાર કેમ રાખી છે? તેમ કહી ગાળો દેવા માંડ્યા હતાં. એમ કાર ખુંચી ગઇ હોવાથી રાખી છે તેમ કહેતાં આ ચારેયે ઝઘડો કરી વધુ ગાળો દીધી હતી અને પાઇપ-લાકડી-છરીથી હુમલો કરી મને માર માર્યો હતો. અશ્વિન બચાવવા આવતાં તેને પણ મારકુટ કરી લીધી હતી. ઝપાઝપીમાં મારો સોનાનો ચેઇન કયાંક પડી ગયો હતો. અમે સારવાર લીધા બાદ ફરિયાદ કરી હતી.એએસઆઇ આર. કે. ડાંગર વધુ તપાસ કરે છે.

(1:20 pm IST)