રાજકોટ
News of Tuesday, 20th August 2019

ડીસીપી ઝોન-૨ના ડ્રાઇવર તરીકે ફરજ બજાવતાં એએસઆઇ કૃષ્ણસિંહ સરવૈયાનું દુઃખદ અવસાન

બજરંગવાડીમાં નિવાસસ્થાને રાતે અઢી વાગ્યે હાર્ટએટેક આવ્યોઃ વતન છત્રાસા ગામે અંતિમવિધીઃ ગાર્ડ ઓફ ઓનર અપાયું: મોટી સંખ્યામાં સ્વજનો અને સાથી કર્મચારીઓ અંતિમવિધીમાં સામેલ થયાઃ ડીસીપી મનોહરસિંહ જાડેજા સતત સિવિલ હોસ્પિટલે હાજર રહ્યા

રાજકોટ તા. ૨૦: શહેર પોલીસમાં એમટી સેકશનમાં એએસઆઇ તરીકે ફરજ બજાવતાં કૃષ્ણસિંહ થાનુભા સરવૈયા (ઉ.૫૬)નું મોડી રાત્રીના દુઃખદ અવસાન થયું છે. તેઓ ડીસીપી ઝોન-૨ મનોહરસિંહ જાડેજાના ડ્રાઇવર તરીકે ફરજ બજાવતાં હતાં. બનાવને પગલે પરિવારજનો અને સાથી કર્મચારીઓ તથા પોલીસ બેડામાં શોક છવાઇ ગયો હતો.જાણવા મળ્યા મુજબ બજરંગવાડી-૯માં બી-૪૯ ખાતે રહેતાં કૃષ્ણસિંહ થાનુભા સરવૈયા રાત્રે અઢી વાગ્યે ઘરે હતાં ત્યારે અચાનક છાતીમાં દુઃખાવો ઉપડતાં બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતાં. જો કે સારવાર દરમિયાન તેમણે દમ તોડી દેતાં સ્વજનોમાં કલ્પાંત સર્જાયો હતો.  બનાવની જાણ થતાં ડીસીપી શ્રી મનોહરસિંહ જાડેજા સિવિલ હોસ્પિટલે પહોંચી ગયા હતાં અને સવાર સુધી પોસ્ટ મોર્ટમ રૂમ ખાતે રહી સદ્દગતના સ્વજનોને દિલાશો પાઠવ્યો હતો.

મૃત્યુ પામનાર કૃષ્ણસિંહ સરવૈયા ૩૫ વર્ષથી પોલીસમાં ફરજ બજાવતાં હતાં. તેઓ ત્રણ ભાઇ અને એક બહેનમાં વચેટ હતાં. સંતાનમાં એક પુત્રી અને એક પુત્ર છે. પુત્ર અજયસિંહ અભ્યાસ કરે છે. કૃષ્ણસિંહ મુળ ધોરાજીના છત્રાસા ગામના વતની હતાં. તેમના નિષ્પ્રાણ દેહને અંતિમવિધી માટે વતન છત્રાસા લઇ જવામાં આવ્યો છે.

(11:57 am IST)