રાજકોટ
News of Monday, 20th August 2018

પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલનો સપાટોઃ ૭ દિવસમાં ૭ને પાસા તળે જેલમાં ધકેલ્યા

ખંડણીખોર, લૂંટારા, તસ્કરો, ઉઠાવગીરો અને મારામારીમાં સામેલ શખ્સો સામે આકરી કાર્યવાહી

રાજકોટ તા. ૨૦: શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે સાત દિવસમાં એક મહિલા સહિત સાતને પાસા તળે જુદી-જુદી જેલમાં ધકેલી દીધા છે. ઘરફોડ ચોરી, લૂંટ, ખંડણી વસુલવી, વાહન ચોરી, મારામારી, દારૂ સહિતના ગુનામાં સામેલ શખ્સો સામે પાસાનું શસ્ત્ર ઉગામ્યું છે.

જેને પાસા તળે જેલમાં ધકેલ્યા છે તેમાં ચુનારાવાડનો ધવલ ઉર્ફ ધવલો ધીરેન્દ્રભાઇ પુરાજા (ઉ.૨૮), બાબરીયા કોલોનીનો રણજીત ઉર્ફ કાનો ઉર્ફ ટિકીટ અરવિંદભાઇ ગોહેલ (ઉ.૨૬), કેકેવી હોલ પાસે રહેતા બાબુ દેવાભાઇ બાંભવા (ઉ.૨૮)ને અનુક્રમે સુરત, વડોદરા અને નડીયાદ જેલમાં ધકેલાયા છે. ધવલ કુખ્યાત બુટલેગર છે અને અગાઉ બે વખત પાસામાં જઇ આવ્યો છે. રણજીત મારામારી અને દારૂના ગુનામાં સંડોવાયો છે, તે અગાઉ ચાર વખત પાસામાં જઇ આવ્યો છે. જ્યારે બાબુ વાહનચોરીના ગુનામાં અગાઉ એક વખત પાસા કાપી આવ્યો છે.

સ્વતંત્રતા દિવસના રોજ બી-ડિવીઝન પોલીસ મથક વિસ્તારમાં ખંડણીના ગુનામાં સંડોવાયેલા સાહિલ ઉર્ફ સહિદ ગુલાબભાઇ વડદરીયા (ઉ.૨૦-રહે. ભગવતીપરા), હમીદ જીકરભાઇ પરમાર (ઉ.૨૦-રહે. ભગવતીપરા)ને તથા ભકિતનગર પોલીસના વાહન ચોરીના ગુનામાં સામેલ વલ્લભ માલાભાઇ સાબડ (ઉ.૩૦)ને અને પ્રોહીબિશન બુટલેગર વહીદા મોઇન કુરેશી (ઉ.૪૦-રહે. ઘંટેશ્વર)ને અનુક્રમે સુરત, વડોદરા, વડોદરા અને અમદાવાદ જેલમાં ધકેલાયા હતાં. આમ સાત દિવસમાં સાતને પાસામાં મોકલાયા છે.

પીસીબીના પી.આઇ. એમ. ડી. ચંદ્રવાડીયા, પીએસઆઇ વી. જે. જાડેજા, અજયભાઇ શુકલા, રાજુભાઇ દહેકવાડ, શૈલેષભાઇ રાવલ, ઇન્દ્રજીતસિંહ સિસોદીયા અને અશ્વિનગીરીએ પાસાની દરખાસ્ત મંજુર કરાવવામાં મહત્વની કામગીરી કરી છે. (૧૪.૧૩)

 

(4:12 pm IST)