રાજકોટ
News of Saturday, 20th July 2019

મુખ્યમંત્રીની રાજકોટ મુલાકાત વખતે જ અનેક સ્થળોએ પાણી ન મળ્યું: દેકારો

વોર્ડ નં.૧૮ ના બાલાજી પાર્ક, ગુંદાવાડી વિસ્તાર અને વોર્ડ નં.૧૦માં પાણી નહી મળતા બહેનોના ટોળા ઉમટયાઃ વિપક્ષીનેતા વશરામ સાગઠીયા તથા ઉપનેતા મનસુખ કાલરિયા દ્વારા રજુઆત

રાજકોટ તા.ર૦ : આજે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી રાજકોટમાં છે ત્યારેજ શહેરમાં અનેક સ્થળોએ સવારે પાણી નહી મળતા જબરો દેકારો બોલી ગયો હતો. અને પાણી નહી મળતા ગુહીણીઓ વિપક્ષ નેતા વશરામભાઇ સાગઠીયા ત્થા ઉપનેતા મનસુખભાઇ કાલરિયાને રજુઆત કરવા દોડી ગયેલ.

વોર્ડ નં.૧૮ના બાલાજી પાર્કમાં પાણી ન મળ્યુ

વિપક્ષી નેતા વશરામભાઇ સાગઠીયા પાસે વોર્ડ નં.૧૮માંં બાલાજી પાર્ક-ર ના બહેનોના ટોળાએ પાણી નહી મળતું હોવાની રજુઆત કરેલ અને મ્યુ.કોર્પોરેશનના ઇજનેરો જવાબદારી નહી લેતા હોવાનું જણાવતા શ્રી સાગઠીયાએ બહેનોને  સાથે રાખીને આ વિસ્તારમાં પાણીની વ્યવસ્થા કરવા રજુઆત કરી હતી.

વોર્ડ નં.૧૦માં પુષ્કરધામમાં પાણી ન મળ્યું

વોર્ડ નં. ૧૦માં પુષ્કરધામ વિમલનગરમાં ત્રણ દિવસથી પાણીના ધાંધિયા સર્જાતા બહેનોના ટોળાએ આ વિસ્તારના કોર્પોરેટર અને વિપક્ષી ઉપનેતા મનસુખ કાલરીયાને રજુઆત કરતા શ્રી કાલરિયાએ આ અંગે અધિકારીઓને આ પ્રશ્ન ઉકેલવા જણાવેલ.

(3:59 pm IST)