રાજકોટ
News of Saturday, 20th July 2019

રાજકોટના દેવેનનું માઇક્રોચીપ પેચ એન્ટેના બનાવવા બદલ બહુમાન

રાજકોટ, તા., ૨૦: ગુર્જર સુતાર જ્ઞાતીના પાટણવારીયા પરીવારના દેવેન ગીરધરભાઇ પાટણવારીયાએ નેશનલ ઇન્સ્ટીટયુટ ગોવા ખાતે પીએચડીના અભ્યાસ સાથે ડિઝાઇન કરેલા માઇક્રોચીપ પેચ એન્ટેના બદલ ગાંધીયન યંત્ર ટેકનોલોજીકલ ઇનોવેશન એવોર્ડ -ર૦૧૯થી સન્માનીત કરવામાં આવેલ છે.

રાજકોટમાં સુથારી ફર્નિચરકામનો વ્યવસાય કરતા ગીરધરભાઇ રણછોડભાઇ પાટણવારીયા અને માતા ઇન્દુબેનના પુત્ર દેવેન ગોવાની નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી ખાતે પીએચડીનો અભ્યાસ કરે છે.

પોતાના પીએચડીના રીસર્ચ કાર્ય ફિલોતાકી સીરીઝ બેઝડ રેકટેંગ્યુલર માઇક્રોચીપ પેચ એન્ટેનાની ડિઝાઇન સાથે નોમીનેટ થયેલા આ એન્ટેના વ્હીકલ ટુ વ્હીકલ કોમ્યુનીકેશન પ જી કોમ્યુનીકેશન બ્લુટુથ એપ્લીકેશન સેટેલાઇટ એપ્લીકેશન અને ખાસ તો વાયરલેશ ટોલ બુથ પર ખુબ જ ઉપયોગી થઇ શકે છે. આ એન્ટેના દ્વારા હાઇવે પરના ટોલબુથ પર ગાડીઓની નંબર પ્લેટ પરથી વાહન ચાલકના બેંક એકાઉન્ટ મારફત ટોલટેક્ષ જમા થઇ જાય તેવી ડિઝાઇન બનાવેલી છે. જેનાથી સમય અને શકિતનો ખુબ જ બચાવ થાય છે.

ભારતના રાષ્ટ્રપતિ ભવન-દિલ્હી ખાતેના સમારંભમાં ઉપરાષ્ટ્રપતિ શ્રી વેંકયાનાયડુજી, ડો. આર.એ.માશેલકર, ડો. હર્ષવર્ધન,  પ્રો.અનિલ ગુપ્તાની ઉપસ્થિતિમાં દેવેન ગીરધરભાઇ પાટણવારીયાને એવોર્ડ આપવામાં આવ્યો હતો.

દેવેન પાટણવારીયાના મોટાભાઇ સંદીપભાઇ સિવિલ એન્જી. છે. બે ભાઇઓમાં નાના દેવેન ગીરધરભાઇ પાટણવારીયાએ ગુર્જર સુથાર જ્ઞાતિ-રાજકોટ, શ્રી ગુર્જર સુતાર જ્ઞાતી રાજકોટના પ્રમુખ રસીકભાઇ બદ્રકીયા તથા ગુર્જર સુતાર પ્રગતી મંડળ રાજકોટના માનદ મંત્રી રમણીકભાઇ પાટણવારીયાએ અભિનંદન પાઠવેલ.

(3:58 pm IST)