રાજકોટ
News of Saturday, 20th July 2019

કાળીપાટ ગામે મુકેશ બિહારીની હત્યા કરવા અંગે પકડાયેલ આરોપીનો નિર્દોષ છુટકારો ફરમાવતી કોર્ટ

ફરીયાદી અને સાહેદો બનાવને સમર્થન આપતા નથીઃ એડવોકેટ સ્તવન મહેતાની સફળ રજુઆત

રાજકોટ તા.૨૦: કાળીપાટના ચકચારી ખુન કેસમા આરોપી રમેશ કર્ણાભાઇ સોલંકીને ઇ.પી.કો. કલમ ૩૦૨ તથા જી.પી.એકટની કલમ ૧૩૫ના ગુન્હા ટ્રાયલમાં આરોપીને નીર્દોષ ઠરાવી છોડી મુકવા હુકમ રાજકોટની સેશન્સ કોર્ટ ફરમાવેલ હતો.

આ કેસની હકીકત એવીછે કે, તા.૩૦-૯-૧૭ના રોજ ફરીયાદી ધર્મેશભાઇ કાનગડએ આજી ડેમ પોલીસ સ્ટેશનમા એવી ફરિયાદ નોંધાવેલ હતી કે અમો ફરીયાદીની વાડી કાળીપાટ ગામથી વડાળી ગામ જવાના રસ્તે આવેલ છે અને જે વાડીમા ખેતીકામ તથા ફુલછોડ વાવવા માટે મુકેશ બીહારી તથા રમેશ સોલંકીને મજુર તરીકે રાખેલ હતા જે બંને મજુરો વચ્ચે અવાર-નવાર બોલાચાલી થયા કરતી આજરોજ તા.૩૦-૬-૧૭ના રોજ ૪.૩૦ વાગ્યે સુમારે વાડીએ પહોંચેલ તો વાડીએ મજુરી કામ કરતો મુકેશ બીહારીની લાશ હીંડોળા નીચે પડેલ હતી તેના માથાના પાછળના ભાગે તથા જમણા કાન ઉપર ગાલ ઉપર તીક્ષણ હથીયારના ઘા મારેલ હોય તેવુ લાગેલ અને લોહી નીકડી ગયેલ હોય તેથી મે રમેશ સોલંકી હાજર હોય તેને પુછતા તેને જણાવેલ કે આ મુકેશ બીહારી અવાર-નવાર મને ગાળો દેતો હોય જેથી સવારના દશેક વાગ્યે આ મુકેશ બીહારીને કુહાડાના ઘા મારીને મારી નાંખેલ છે જેથી આ કામના ફરીયાદીએ પોલીસને જાણ કરેલ અને આજીડેમ પોલીસ સ્ટેશનના અધિકારીઓએ તપાસ ચાલુ કરી આરોપી રમેશ સોલંકીની ધરપકડ કરેલ હતી અને ત્યારબાદ આરોપીને જયુડીશ્યલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવેલ.

આરોપીની ધરપકડ કર્યા બાદ તપાસ કરનાર અધિકારીએ તપાસના અંતમાં રાજકોટની મેજીસ્ટ્રેટ કોર્ટમાં આરોપી વિરૂધ્ધ ચાર્જશીટ ફાઇલ કરેલ હતુ અને મેજીસ્ટ્રેટ દ્વારા સેશન્સ કોર્ટમાં કેસ કમીટ કરવામાં આવેલ હતો.

આરોપી તરફે તેમના વકીલ સ્તવન મહેતા દ્વારા દલીલ કરવામાં આવેલ હતી કે જયારે ખુદ ફરીયાદી જ પ્રોસીકયુશનના કેસને સર્મથન આપતા ન હોય ત્યારે તે પ્રોસીકયુશનના કેસને ગંભીર પણે નુકશાન કરે છે અને અન્ય સાહેદો પણ જયારે પ્રોસીકયુશનના કેસને સર્મથન આપતા ન હોય તેમજ આરોપીની બનાવ સ્થળ પરની હાજરી પુરવાર કરવામાં જયારે પ્રોસીકયુશન સંદતર પણે નીષ્ફળ ગયેલ હોય ત્યારે માત્ર અને માત્ર પોલીસ સાહેદોના પુરાવાને વંચાણે લઇ આરોપીને સજા ન કરવી જોઇએ તે સંર્દભે આરોપીના વકીલ દ્વારા લંબાણ પૂર્વક દલીલ કરવામાં આવેલ હતી.

બંને પક્ષોની દલીલો તેમજ પ્રોસીકયુશન દ્વારા રજુ કરવામાં આવેલ પુરાવાને ધ્યાને લઇ સેશન્સ કોર્ટના ન્યાયધીશ એવા નીષ્કર્ષ પર આવેલ હતા કે ફરીયાદ પક્ષ દ્વારા રજુ કરવામાં આવેલ પુરાવાઓ તેમજ સાહેદોની જુબાની આરોપીએ ગુનો આચર્યાનો પુરવાર કરતી ન હોય જેથી આરોપીને નીર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ સેશન્સ કોર્ટ દ્વારા કરવામાં આવેલ હતો. આ કામમાં આરોપી તરફે યુવા ધારાશાસ્ત્રી સ્તવન મહેતા રોકાયેલ હતા.

(3:35 pm IST)