રાજકોટ
News of Saturday, 20th July 2019

સસ્પેન્ડ પોલીસમેનનો દાવો નામંજુર, સરકારની તરફેણમાં સિવિલ કોર્ટનો હુકમ

રાજકોટ તા ૨૦  : સસ્પેન્ડેડ પોલીસ કોન્સ. દિલીપભાઇ માંજરીયાનો દાવો નામંજુર કરી સરકારશ્રીની તરફેણમાં સિવિલ કોર્ટે હુકમ ફરમાવેલ હતો.

રાજકોટ પોલીસ ખાતામાં અગાઉ કોન્સ્ટેબલ  તરીકે ફરજ બજાવતા દિલીપભાઇ ભુરાભાઇ માંજરીયા સામે અમરેલી સીટી પોલીસ સ્ટેશનમાં આઇ.પી.સી. કલમ-૩૦૨  વિગેરે મુજબનો ગુનો નોંધાયેલ અને અમરેલી રૂપમ ટોકીઝ પાસે ફીયાટ કારમાં તલવાર સાથે મળી આવ્યા બાબતનો તેઓ સામે ગુનોે નોંધાયા બાદ રાજકોટના નાયબ કમી શ્નરશ્રીએ તેઓ સામે ખાતાકીય પગલાઓ લઇને સને ૧૯૯૪ માં સસ્પેન્ડ કરેલા, ત્યારબાદ રાજકોટના પોલીસ કમીશ્નરશ્રીએ તેઓ સામે ખાતાકીય તપાસ કરીનેે તેઓને નોકરીમાંથી બરતરફ  કરવાની સજા કરેલ.

આ હુકમ સામે નારાજ થઇનેે દિલીપભાઇ માંજરીયાએ રાજકોટની દિવાની કોર્ટમાં દાવો દાખલ કરી ઉપરોકત હુકમ નલ એન્ડ વોઇડ હોય તે હુકમો રદ કરવા દાદ માંગેલ, તેમજ બરતરફીના હુકમ સામે કાયમી મનાઇ હુકમ માંગી નોકરીના ચડત લાભો સાથે તેમજ સળંગ નોકરી સાથે પુનઃસ્થાપીત કરે તેવો દાવો રાજકોટના પોલીસ કમીશ્નરશ્રી તેમજ સરકારશ્રી સામે દાખલ કરેલ.

આ દાવામાં સરકારી વકીલશ્રી  પ્રશાંત પટેલે એવી દલીલ કરેલ કે વાદીએ પોતે અગાઉના ફોજદારી ગુનાઓમાં નિર્દોષ થયાના  કોઇ પુરાવાઓ દાવામાં રજુ રાખેલ નથી, તેમજ વાદીએ તેની સામેની ખાતાકીય તપાસમાં બચાવ કરવાની પુરતી તક આપેલ છે. આ કાયદાકીય મુદાઓ અને હકીકતો ઉપર સરકારશ્રી તરફથી કરવામાં આવેલ રજુઆતોને ધ્યાને લઇ વાદીનો  દાવો રાજકોટના  પ્રિન્સિપલ સીવીલ જજ દ્વારા નામંજુર કરવામાં આવેલ છે. આ કામમાં સરકારશ્રી વતી એ.જી.પી. પ્રશાંત પટેલ રોકાયેલ હતા.

(3:35 pm IST)