હુડકો ચોકડી નજીક 'હિટ એન્ડ રનઃ જંગલેશ્વરના નેપાળી યુવાન વિનોદનું માથુ છુંદાઇ જતાં મોત
વેલ્ડીંગ કામની મજૂરીએ જવા નીકળ્યો'તોઃ અજાણ્યો વાહન ચાલક ઠોકરે લઇ ભાગી ગયો
રાજકોટ તા.૨૦: આજીડેમ ચોકડીથી હુડકો ચોકડી વચ્ચે મુરલીધર વે બ્રીજ સામે 'હિટ એન્ડ રન'ની ઘટનામાં જંગલેશ્વરમાં રહેતાં નેપાળી યુવાનનું મોત નિપજ્યું છે. મજૂરી કામે જવા નીકળેલા આ યુવાનને રસ્તો ઓળંગી રહ્યો હતો ત્યારે અજાણ્યા વાહનનો ચાલક ઠોકરે લઇ ભાગી ગયો હતો.
મળતી વિગત મુજબ હુડકો ચોકડી નજીક મુરલીધર વે બ્રીજ સામે સવારે એક અજાણ્યા વાહનના ચાલકે હડફેટે લેતા આશરે ૪૦ વર્ષના અજાણ્યા યુવાનનું માથુ છુંદાઇ જતા ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ મોત નિપજ્યુ હતુ. બનાવ બનતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતાં. ૧૦૮ના ઈએમટી વંદનાબેન સોલંકી તથા પાઇલોટ રાજેશભાઇ ચાપડીયા સ્થળ પર પહોંચ્યા હતાં. ઇએમટીએ પોલીસ કંટ્રોલમાં જાણ કરતા આજીડેમ પોલીસને કોલ અપાયો હતો. હેડ કોન્સ.રવિરાજસિંહ અને રાઇટર યોગીરાજસિંહે, સવજીભાઇ બાલાસરા સહિતે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી કરી હતી.
તપાસ દરમિયાન કાળનો કોળીયો બનેલો યુવાન વિનોદ રામચંદર ગોડીયા (નેપાળી) (ઉ.૩૦) હોવાનું અને તે જંગલેશ્વર ભીમરાવ ચોક-૨માં રહેતો હોવાનું ખુલ્યું હતું. તે હુડકો ચોકડી નજીક વેલ્ડીંગ કામની મજૂરી કરતો હતો. સંતાનમાં એક પુત્રી છે. પોતે બે ભાઇ અને બે બહેનમાં મોટો હતો. સવારે મજૂરીએ જતો હતો ત્યારે કાળ ભેટી જતાં પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી.
ચંદ્રેશનગરના બટુકભાઇનું બેભાન હાલતમાં મોત
નાના મવા રોડ રાજનગર પાસે ચંદ્રેશનગરમાં રહેતાં બટુકભાઇ લક્ષમણભાઇ ચોૈહાણ (ઉ.૫૫) સવારે ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ તબિબે નિષ્પ્રાણ જાહેર કરતાં એએસઆઇ જગુભા ઝાલા અને અક્ષય ડાંગરે માલવીયાનગર પોલીસને જાણ કરી હતી. (૧૪.૯)