રાજકોટ
News of Saturday, 20th July 2019

રાજકોટ એસટીના ફરજમુકત કરાયેલ જેઠવા સામે સાંજ સુધીમાં તોળાતા અતિ કડક પગલા : ટર્મીનેટ કે સસ્પેન્ડ કરાય તેવી કર્મચારીઓમાં ભારે ચર્ચા

એસટીના એમડી સોનલ મિશ્રા કહે છે આ પાંચ વર્ષથી તપાસ ચાલતી હતી આ વહીવટી પ્રક્રિયા છે : ટર્મીનેટ કે સસ્પેન્ડ અંગે હાલ કહેવું કશુ શકય નથી

રાજકોટ, તા. ૨૦ : રાજકોટ એસટીના ડિવીઝનલ નિયામક દિનેશ જેઠવાની ફરજમુકત કરતી બદલી અંગે રાજકોટ એસટીના અધિકારીઓ અને કર્મચારીઓમાં ચારે કોર ચર્ચા ચાલી રહી છે.

છેલ્લા ૫ વર્ષથી ચાલતી કથિત ભ્રષ્ટાચાર અંગેની તપાસમાં રજા પર ઉતરી ગયેલા શ્રી જેઠવાને નોટીસ આપવા છતાં હાજર ન થતાં ૧૭મી તારીખ તેની હાજર થવાની છેલ્લી તારીખ હતી. આમ છતાં તેઓ હાજર ન થતાં ગઈકાલે એકાએક સાંજે તેની બદલી કરી નખાઈ હતી અને ફરજમુકત કરી અમદાવાદ યાંત્રિક વિભાગમાં હાજર રહેવા સુચના અપાઈ હતી.

ભુજની કોલોનીનું બાંધકામ અને રાજકોટમાં હાલના શાસ્ત્રીનગરના પાર્કીંગ ખાતેની જગ્યા અંગેના વિવાદ બાદ તેમની સામે તપાસ શરૂ થઈ હતી આ બાદ ૩થી ૪ વખત નોટીસો અપાઈ હતી. તાજેતરમાં શ્રી જેઠવાને અકસ્માતમાં લાગી જતાં તેઓ રજા ઉપર હતા. આ દરમિયાન તેઓ વારંવાર કહેવા છતાં હાજર ન થતાં ગઈકાલે એકાએક તેની બદલી કરી દેવાયેલ અને તેમને ડી ગ્રેડ કરી ડીટીઓ બનાવી દેવાયેલ અને તેમના સ્થાને મહેસાણાથી યોગેશ પટેલની નિમણુંક કરાઈ છે.

દરમિયાન એસટીના હાઈલેવલ અધિકારીઓ અને યુનિયન અગ્રણીઓના જણાવ્યા મુજબ દિનેશ જેઠવા સામે આજ સાંજ સુધીમાં સંભવતઃ કડક પગલા તોળાઈ રહ્યા છે. ટર્મીનેટ અથવા સસ્પેન્ડ કરાઈ તેવી ચર્ચા ચાલી રહી છે. પરંતુ આ વાતને કોઈ સમર્થન મળતુ નથી.

દરમિયાન એસટીના એમડી શ્રી સોનલ મિશ્રાએ આજે સવારે અકિલા સાથેની વાતચીતમાં જણાવ્યુ હતું કે આ વહીવટી પ્રક્રિયા છે તેમની સામે પાંચ વર્ષથી તપાસ ચાલતી હતી. તેમની બદલી કરાઈ છે.

શ્રી સોનલ મિશ્રાએ ટર્મીનેટ કે સસ્પેન્ડ અંગેની કાર્યવાહીમાં જણાવેલ કે, આ વહીવટી પ્રકિયા હોય હાલ કશું કહેવું શકય નથી.

(1:17 pm IST)