રાજકોટ
News of Saturday, 20th July 2019

મોબાઇલ ફોનમાં વાત કરતી વખતે ધ્યાન ન રહ્યું ને ટ્રેન આવી ગઇ...શિલ્પાબેન પટેલની જિંદગીનો અંત

મોરબી રોડ જકાતનાકા પુલ પાસે બનાવઃ દિકરાને શાળાએ તેડવા જતી વેળાએ બનાવઃ માસુમ દિકરી-દિકરો મા વિહોણા થતાં અરેરાટી : વરસાદને કારણે નાલુ ભરાયું હોઇ પાટા ઓળંગવા જતી વેળાએ કાળ ભેટ્યો

રાજકોટ તા. ૨૦: ખુબ સુવિધાજનક એવો મોબાઇલ ફોન જેટલો ઉપયોગી છે એટલો જોખમી પણ છે. ચાલુ વાહને મોબાઇલ ફોનમાં વાત કરતી વખતે અકસ્માતનો સતત ભય રહે છે. દરમિયાન એક કિસ્સામાં મોરબી રોડ પર મોબાઇલ ફોનમાં વાત કરતાં-કરતાં રેલ્વેના પાટા ઓળંગી રહેલા પટેલ મહિલાને ટ્રેન આવી ગયાની ખબર ન રહેતાં ટ્રેનની ઠોકરે ચડી જતાં કમકમાટી ભર્યુ મોત નિપજતાં બે સંતાન મા વિહોણા થઇ ગયા છે.

જાણવા મળ્યા મુજબ મોરબી રોડ પર  રામ પાર્ક શેરી નં. ૨માં ઓવર બ્રિજની સામે રહેતાં શિલ્પાબેન નિલેષભાઇ ભીમાણી (ઉ.૩૫) નામના પટેલ મહિલા સાંજે સાડા પાંચેક વાગ્યે મોરબી રોડ પર આવેલી સેટેલાઇટ સ્કૂલ ખાતે દિકરા સોહમ (ઉ.૧૦)ને તેડવા જઇ રહ્યા હતાં ત્યારે જકાતનાકા પુલ પાસે રેલ્વેના પાટા ઓળંગતી વખતે ટ્રેનની ઠોકરે ચડી જતાં ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ મોત નિપજ્યું હતું.૧૦૮ના ઇએમટી મયુરભાઇ ચોૈહાણે બનાવની જાણ કરતાં બી-ડિવીઝનના એએસઆઇ યુ. બી. પવાર તથા સંજયભાઇ કુમારખાણીયાએ પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર શિલ્પાબેનને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. પતિ નિલેષભાઇ ભિમાણી ઇમિટેશનનું કામ કરે છે. પોલીસ તપાસમાં ખુલ્યા મુજબ સાંજે શિલ્પાબેન દિકરાને શાળાએ તેડવા જવા માટે ઘરેથી નીકળ્યા હતાં. ઘરેથી મોરબી રોડ પર જવા માટેનું નાલુ વરસાદને કારણે ભરેલુ હોઇ શિલ્પાબેન પુલ પાસે રેલ્વેના પાટા ઓળંગીને જઇ રહ્યા હતાં. તે વખતે મોબાઇલ ફોન પર વાતો કરી રહ્યા હોઇ ટ્રેન નજીક આવી ગયાની પણ તેમને ખબર પડી નહોતી અને ઠોકરે ચડી ગયા હતાં. બનાવને પગલે પટેલ પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો.

(11:44 am IST)