રાજકોટ
News of Saturday, 20th July 2019

ઘનશ્યામનગરનો ૧૬ વર્ષનો પારસ ગોંડલ રોડ પર શ્રી હરિ ઇન્ડસ્ટ્રીઝ પાસેથી ગૂમઃ અપહરણનો ગુનો

મિત્રને મોબાઇલનું સિમકાર્ડ આપી હમણા આવું...કહી અલગ પડ્યા બાદ ગૂમ

રાજકોટ તા. ૨૦: કોઠારીયા રોડ ઘનશ્યામનગર ૧/૪ના ખુણે દાસી જીવણ વાળી શેરીમાં રહેતાં દક્ષાબેન અતુલભાઇ (મુકેશભાઇ) કટેશીયા (સતવારા)નો પુત્ર પારસ (ઉ.૧૬) ઘરેથી ગોંડલ રોડ હાઇવે પર શ્રી હરિ ઇન્ડસ્ટ્રીઝ એરિયા શેરી નં. ૯માં ૧૮મીએ મિત્ર વિશ્વજીતસિંહ સાથે ચાલતો-ચાલતો કારખાને કામ કરવા જવા નીકળ્યા બાદ કારખાના પાસે પહોંચ્યા પછી મિત્રને 'હું હમણા આવું છું' તેમ કહી અલગ પડી ગયા બાદ ગાયબ થતાં શોધખોળ બાદ પોલીસને જાણ કરવામાં આવતાં અપહરણનો ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે.

પોલીસે દક્ષાબેનની ફરિયાદ પરથી અજાણ્યા શખ્સ સામે આઇપીસી ૩૬૩ મુજબ ગુનો નોંધ્યો છે. ફરિયાદમાં જણાવાયું છે કે દક્ષાબેનને સંતાનમાં બે પુત્ર છે. જેમાં પારસ નાનો છે અને ધોરણ-૧૦ સુધી ભણેલો છે. તે શ્રી હરિ ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં બાલાજી કારખાનામાં બારીના શોકેટ બનાવવાનું કામ શીખવા જતો હતો. તેના પિતા છુટક ડ્રાઇવીંગ કરે છે.

૧૮મીએ સવારે તે ઘરેથી મિત્ર વિશ્વજીતસિંહ જગદીશસિંહ પરમાર સાથે કામે જવા નીકળ્યો હતો. સાંજે પાંચેક વાગ્યે માતાએ પારસને ફોન કરતાં ફોન બંધ આવતો હોઇ વિશ્વજીતસિંહને પુછતાં તેણે કહ્યું હતું કે બંને સવારે કારખાના પાસે પહોંચ્યા ત્યારે પારસે પોતે હમણા આવે છે તેમ કહી અલગ પડી ગયો હતો અને જતાં-જતાં તેના ફોનનું સિમકાર્ડ કાઢીને મિત્રને આપતો ગયો હતો. શોધખોળ કરવા છતાં  પત્તો ન મળતાં પોલીસને જાણ કરતાં પોલીસે સગીર ગૂમ થવાના કિસ્સામાં અપહરણનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

પારસની ઉંચાઇ આશરે સાડા પાંચ ફુટ છે. તે પાતળા બાંધાનો છે અને કપાળે જુનુ ઇજાનું નિશાન છે. હોઠ ઉપર તલ છે.   ગુમ થયો ત્યારે બ્લુ જીન્સ અને દુધીયા શર્ટ પહેર્યો હતો. તસ્વીરમાં દેખાતો પારસ કોઇને જોવા મળે તો થોરાળા પોલીસને ફોન ૦૨૮૧ ૨૩૮૯૫૫૨ ઉપર અથવા તેના પિતાને મો. ૯૮૨૪૦ ૨૮૫૩૪ ઉપર જાણ કરવા જણાવાયું છે.

(3:33 pm IST)