રાજકોટ
News of Thursday, 20th June 2019

વ્યાજની ઉઘરાણી માટે હનુમાન મઢીના પાર્થ સોલંકીને પિન્ટૂ રાણાએ છરી ઝીંકી

અઢી લાખના પાંચ લાખ ચુકવ્યા છતાં વધુ વ્યાજ માંગી માધાપર ચોકડીના પિન્ટૂ રાણાએ ધર્મેન્દ્રસિંહજી કોલેજ પાસે આંતરી હુમલો કર્યાનું દરજી યુવાનનું કથન

રાજકોટ તા. ૨૦: વ્યાજની ઉઘરાણી માટે વધુ એક ડખ્ખો થયો છે. હનુમાન મઢી પાસે રહેતાં દરજી યુવાન પર રાત્રીના ધર્મેન્દ્રસિંહજી કોલેજ પાસે માધાપર ચોકડી પાસે રહેતાં શખ્સે છરીથી હુમલો કરી ઇજા કરતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે.

રૈયા રોડ હનુમાન મઢી પાસે તિરૂપતી નગર-૨માં મહેતા કોમ્પલેક્ષમાં રહેતો અને બ્લુ કલબમાં નોકરી કરતો પાર્થ વિનોદભાઇ સોલંકી (ઉ.૩૩) નામનો દરજી યુવાન રાત્રે સાડા દસેક વાગ્યે ઘરે જવા નીકળ્યો ત્યારે ધર્મેન્દ્રસિંહજી કોલેજથી આગળ રાજમંદિર ફાસ્ટ ફૂડ પાસે તેને માધાપર ચોકડીના પિન્ટૂ રાણાએ અટકાવી છરીથી હુમલો કરી હાથે-પગે ઇજા કરતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં ચોકીના હેડકોન્સ. ડી. કે. ખાંભલા અને દિપસિંહ ચોૈહાણે એ-ડિવીઝન પોલીસને જાણ કરી હતી.

પાર્થના કહેવા મુજબ તેણે પિન્ટૂ પાસેથી રૂ. અઢી લાખ વ્યાજે લીધા હતાં. તેની સામે પાંચ લાખ આપી દીધા છે. આમ છતાં વધુ વ્યાજની ઉઘરાણી કરે છે. રાત્રે પીછો કરી આંતરીને વ્યાજ મામલે ઝઘડો કરી હુમલો કર્યો હતો. પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે.

(4:03 pm IST)