રાજકોટ
News of Thursday, 20th June 2019

મઝહર સ્કૂલમાં મોબાઇલ ફોન સાથે રાખી પરિક્ષા આપી ચુકેલા ધોરણ-૧૨ના છાત્ર સામે ફોજદારી

માર્ચમાં લેવાયેલી પરિક્ષામાં નામાના પ્રથમ પેપરમાં જ એક છાત્ર ફૂટેજમાં ફોન સાથે દેખાયો હતોઃ હિયરીંગ બાદ બોર્ડએ આદેશ કરતાં શિક્ષક મુકેશભાઇ સરવૈયા દ્વારા વિદ્યાર્થી રૂતવ અંજારીયા વિરૂધ્ધ ફરિયાદ નોંધાવાઇ

રાજકોટ તા. ૨૦: બોર્ડની પરિક્ષામાં છાત્રોને મોબાઇલ ફોન લાવવા પર પ્રતિબંધ હોવા છતાં માર્ચ માસમાં લેવાયેલી ધો-૧૨ની પરિક્ષામાં એક છાત્ર પેડક રોડ પરની મઝહર સ્કૂલના પરિક્ષા ખંડમાં મોબાઇલ ફોન સાથે સીસીટીવી કેમેરામાં દેખાયો હોઇ આ બાબતે બોર્ડ દ્વારા સુચના અપાતાં પોલીસ કેસ દાખલ કરવામાં આવ્યો છે.

આ બારામાં બી-ડિવીઝન પોલીસે રાજકોટના રાજગઢ ગામે રહેતાં અને પેડક રોડ પર મઝહર કન્યા વિદ્યાલયમાં મદદનીશ શિક્ષક તરીકે નોકરી કરતાં મુકેશભાઇ પ્રતાપભાઇ સરવૈયા (ઉ.૩૮)ની ફરિયાદ પરથી વિદ્યાર્થી રૂતવ રક્ષિતભાઇ અંજારીયા (રહે. રાજકોટ) સામે આઇપીસી ૧૮૮ મુજબ ગુનો નોંધ્યો છે.

મુકેશભાઇએ ફરિયાદમાં જણાવ્યું છે કે ૭/૩ના રોજ ધોરણ-૧૨ની પરિક્ષા ચાલુ હોઇ પ્રથમ દિવસે નામાના વિષયનું પેપર હતું. હું મઝહર કન્યા વિદ્યાલય બ્લોક નં. ૨૬માં સુપરવાઇઝર તરીકે ફરજ પર હતો. પેપરનો સમય બપોરના ત્રણથી છનો હતો. પરિક્ષાર્થીઓ પરિક્ષા ખંડમાં આવ્યા એ પહેલા ગેઇટ પર જ અમે સુચના આપી હતી કે કોઇએ મોબાઇલ લઇને આવવું નહિ, મોબાઇલ પ્રતિબંધિત છે.

પેપર પુરૂ થયા પછી અમે પરિક્ષાખંડના સીસીટીવી કેમેરા ચેક કરતાં ૭મીના નામના પેપરમાં રૂમ નં. ૨૬માં સીટ નં. ૮૩૭૨૦૨ ઉપર બેઠેલો છાત્ર રૂતવ રક્ષિત અંજારીયા સીસીટીવીમાં મોબાઇલ ફોન સાથે જોવા મળ્યો હતો. આ બાબતે કરણસિંહજી હાઇસ્કૂલ ખાતે એપ્રિલમાં હીયરીંગ હોઇ તેમાં મઝહર સ્કૂલ તરફથી મોબાઇલ ફોન સાથે દેખાયેલા છાત્રના ફૂટેજ રજૂ કર્યા હતાં. તેના આધારે ગુજરાત માધ્યમિક  શિક્ષણ બોર્ડ પરિક્ષા સમિતિની સુચના અને જીલ્લા શિક્ષણ અધિકારી રાજકોટએ આ પરિક્ષાર્થી વિરૂધ પોલીસ ફરિયાદ કરવા જણાવતાં હવે ફરિયાદ કરી છે.

(4:02 pm IST)