રાજકોટ
News of Thursday, 20th June 2019

કાલે મુંબઈ- રાજકોટના કલાકારો સંગીત પીરસશે

૨૧ જુન વર્લ્ડ મ્યુઝીક- ડેના એસ્ટયુટ ઈવેન્ટસ દ્વારા મ્યુઝીક કોન્સર્ટ : નિરજ વ્યાસ- નિધી ધોળકીયા- આરજે શિતલ- પ્રિયંકા વૈદ્ય- સુજલ- શ્યામલ જાદવ- ડીજે અભિષેક જમાવટ કરશેઃ રેજન્સી લગૂન રિસોર્ટમાં ઈવેન્ટ

રાજકોટ,તા.૨૦: ૨૧ જુન એટલે વર્લ્ડ મ્યુઝીક- ડે આવતીકાલે રાજકોટમાં મુંબઈ- રાજકોટના કલાકારો સંગીત પીરસશે. ધ ગ્રાન્ડ બોલરૂમ રેજન્સી લગૂન રિસોર્ટ ખાતે મ્યુઝીકલ કન્સર્ટનું આયોજન કરવામાં આવ્યું છે.

એસ્ટટયુટ ઈવેન્ટર્સના શ્રી દર્શીત પરસાણાની યાદી મુજબ એસ્ટયુટ ઈવેન્ટસ એક ઈવેન્ટ કંપની છે. આ કલાકારો અને સંગીત ઈન્ડસ્ટ્રીનાં આદરરૂપે દર વર્ષની જેમ આ વર્ષે વિશ્વ સંગીત દિવસની ઉજવણી થશે. આ દિવસે વૈશ્વિક સ્તરે લોકો સંગીત ઉજવે છે. સંગીત વિશ્વને નજીક લાવે છે. ફકત શબ્દો જ નહી, દરેક લાગણીઓ વ્યકત કરવા માટે નોંધો, ગીતો અને ધૂન છે. તેના મહત્વને ચરિતાર્થ કરવા માટે, સમગ્ર વિશ્વમાં સંગીત પ્રેમીઓ દર વર્ષે ૨૧ મી જુને વર્લ્ડ મ્યુઝીક ડે ઉજવવા માટે એકઠા થાય છે. આ દિવસને ફેટે દે લા મ્યુઝિક તરીકે પણ ઓળખવામાં આવે છે. જે સંગીત ઉત્સવ  ૧૯૮૨માં ફ્રાન્સમાં શરૂ થયો હતો. ત્યારથી આ વિચાર વિશ્વભરમાં ફેલાયો છે અને હવે તે ૧૦૪ થી વધુ દેશોમાં અને ૫૧૪ શહેરોમાં રંગેચંગે ઉજવાય છે. જે ઉનાળામાં સૌથી મહત્વપૂર્ણ ઘટનાઓમાંની એક ઘટના છે.

ગત વર્ષે, એસ્ટયુટ ઈવેન્ટસએ રાજકોટના પ્રસિધ્ધ ચહેરાઓ સાથે ઓનલાઈન કોન્સર્ટ કર્યું હતું. આ વર્ષે મુંબઈ તેમજ રાજકોટના કેટલાક લોકપ્રિય કલાકારો જેમ કે નિરજ વ્યાસ, નિધી ધોળકીયા,  આરજે શિતલ, પ્રિયંકા વૈદ્ય, સુજલ, શ્યામલ જાદવ, ડીજે અભિષેક જમાવટ કરશે. આ તકે આતંકવાદી હુમલામાં શહીદોને શ્રધ્ધાંજલી આપવામાં આવશે.

૨૧ મી જૂને સવારે ૮:૩૦ વાગ્યે, સનસનાટીભર્યા કાર્યક્રમો સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ્સ એસ્ટયુટ ઈવેન્ટસથી કોન્સર્ટ લાઈવ કરવામાં આવશે. તેમ યાદીના અંતમાં જણાવાયું છે.

(4:01 pm IST)