રસુલપરામાં તાલુકા પોલીસને સાથે રાખી જનતા રેડઃ દેશી-વિદેશી દારૂ,આથો જપ્ત
રિક્ષામાં દેશી દારૂ અને આથા સાથે જુસબ હાલા અને વિદેશી દારૂની ૯૬ બોટલો સાથે રહિમ દલ અને શાહરૂખ નકુમ પકડાયા
રાજકોટ તા. ૨૦: ગોંડલ રોડ પર રસુલપરામાં સાંજે વિસ્તારના પ્રમુખ જુસબભાઇ ધારાગઢી તથા ૧૦૦ જેટલા રહેવાસીઓએ લત્તામાં ખુલ્લેઆમ દેશી-વિદેશી દારૂનું વેંચાણ થઇ રહ્યાની ફરિયાદ સાથે તાલુકા પોલીસ મથકે પહોંચી રજૂઆત કરતાં પી.આઇ. વી.એસ. વણઝારાની રાહબરી હેઠળ પીએસઆઇ એન. ડી. ડામોર, એએસઆઇ હર્ષદસિંહ ચુડાસમા, નગીનભાઇ ડાંગર, હિરેનભાઇ, દિનેશભાઇ, અરજણભાઇ, વિરેન્દ્રસિંહ જાડેજા, ઉમેશભાઇ ચાવડા, ભગીરથસિંહ ઝાલા, મનિષભાઇ આહિર સહિતના દસેક પોલીસ અધિકારી, કર્મચારીની ટીમે લોકોને સાથે રાખી દરોડા પાડી રસુલપરા મસ્જીદ સામેથી રિક્ષામાં ૯ લિટર દેશી દારૂ અને ૬૦૦ લિટર આથા સાથે નીકળેલા રસુલપરાના મુન્નો જુસબ હાલાને પકડી લઇ કુલ રૂ. ૨૬૩૮૦ની મત્તા કબ્જે લીધી હતી. આ ઉપરાંત બિસ્મીલ્લા ચોક મસ્જીદ પાસે રહેતાં રહિમ જેમલભાઇ દલ અને શાહરૂખ કરીમભાઇ નકુમને ત્યાં દરોડો પાડતાં રૂ. ૩૮૪૦૦નો ૯૬ બોટલ દારૂ મળતાં કબ્જે કર્યો હતો. દરોડો પડતાં જ આ બંને ભાગી ગયા હતાં. તેની શોધખોળ થઇ રહી છે. તસ્વીરમાં દરોડા પહેલા વિસ્તારમાં એકઠા થયેલા લોકો અને બાદમાં તાલુકા પોલીસ મથકે રજૂઆત કરવામાં આવી હતી તે જોઇ શકાય છે.