રાજકોટ
News of Thursday, 20th June 2019

યોગ દ્વારા યોગેશ્વરની ઓળખ

ઈશ્વરની યાદની અનુભૂતિ એટલે યોગ એકાંત અને અગ્રતાના અભ્યાસ એટલે યોગ : સ્વની સ્થિતિને સમજવી એટલે યોગ : મન અને તન સ્વસ્થ તો યોગ ભગાડે રોગ

આવતીકાલે ૨૧ જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાઈ રહ્યો છે. ભારતમાં આશરે ૫ હજાર વર્ષ પૂર્વે યોગ સ્વીકાર્યો છે. મહર્ષિ પતંજલીનો યોગસૂત્ર ગ્રંથ જેમાં સંપૂર્ણ વૈજ્ઞાનિક પદ્ધતિ છે. તે યોગ વિશેનો મુળભૂત ગ્રંથ ગણાય છે. શ્રી રામદેવ મહારાજે નિસ્કામ ભાવે પતંજલીને દેશ અને વિદેશમાં પ્રચલીત કરી અને યોગના અભ્યાસમાં નવા પ્રાણ પૂર્યા છે. જયારે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈએ યોગને પ્રેરકબળ આપીને વિશ્વને યોગ દ્વારા એક સૂત્રથી બાંધી અને ૨૧ જૂનના શાંતિ અને પવિત્રતાનો સંદેશ આપ્યો છે. આપણા માટે એક ગૌરવ કહેવાય. આપણા ભારત દેશમાં યોગ પૌરાણિક ઋષિ પરંપરા છે. દેર ધર્મમા યોગનું સ્થાન મહત્વનું છે. ગ્રંથોમાં વર્ણવેલ યોગનું ગહન વર્ણન જેને આપણે થોડા અંશે પણ સ્વીકારીએ તો આપણુ જીવન પ્રાણાંત સુધી પ્રેરણાદાયી અને શ્રેયકર બને છે.

આજે ધવન માણસ અતિ સુખના શોધમાં ખોટા માર્ગે દોડીને વધારે નિર્બળ બનતો જાય છે. મકાન, ફર્નીચર, વાહન, કીર્તી, સત્તા મેળવવા આંધળી દોડની અંદરથી ખોખરો થતો જાય છે. શરીરમાં અનેક વીકોરોએ રોગનું સ્થાન લીધુ છે. અશાંતિમાં અકળાયેલો માણસ પોતાની જાતને ભૂલી ગયો છે. સ્ટ્રેસ અને ટેન્શન સાથે કામ કરી સ્વના અસ્તિત્વને ભૂલી ગયો છે. એક ઘરમાં રહેતા છતાં  માણસ માણસને ઓળખી શકતો નથી. સંબંધીને તિરાડોએ માણસને કોરી નાખ્યો છે. માણસ નાનો હોય કે મોટો ગરીબ કે તવંગર સુખની શોધમાં ફાંફા મારી રહ્યો છે. વિજ્ઞાનના ઉપકરણોમાં વધુ અટવાતો જાય છે. વિજ્ઞાને વિવેકથી વાપરો તો બધુ જરૂરી છે પણ વસ્તુનો દૂરઉપયોગથી પોતાનો કિંમતી સમય ગુમાવી શરીરની અને બુદ્ધિથી માણસ નબળો પડતો જાય છે.

વિજ્ઞાને આજે હરણફાળ ભરી છે છતા મનનો રોગ મટાડી શકયુ નથી. ડિપ્રેશનની દવા મનની દવા વિજ્ઞાન પાસે નથી જે યોગ દ્વારા મટાડી શકાય છે છતાં પૈસે ઓશીયાળો બનતો માણસ હવે સમજતો થયો છે કે શાંતિ શું છે? કેટલી જરૂરી છે? યોગ દ્વારા અખંડતા પ્રાપ્ત કરવાનો સમય આવી ગયો છે. વર્ષો પહેલા માણસ નિવૃત થઈ બહાર વનમાં જીવતો અત્યારે નિવૃત માણસ જીમમાં જીવી રહ્યો છે. કારણ કે વર્ષોથી તે પ્રવૃતિ, રહન - સહન સાચો ખોરાક અને ઋતુ પ્રમાણેની દિનચર્યાથી વિમુખ રહ્યો છે. હવે જાગૃત બનીને પરિસ્થિતિને પડકારવાની જરૂર છે. જીવનની સમસ્યામાં શાણપણની જરૂર છે તેને માટે તંદુરસ્તી, તન, મન જરૂરી છે.

જાગ્યા ત્યારથી સવાર ગણીને યોગ અપનાવી ટેન્શનમુકત જીવન બનાવીએ. આજે શાળા, કોલેજ અને ઓફીસમાં યોગનો સ્વીકાર કરી રહ્યા છે. યોગ દ્વારા શકિત પ્રાપ્ત કરેલ માણસ ગમે તેવી હાર કે જીતને પચાવી શકે છે. યોગ દ્વારા માણસ પોતાના શ્વાસ ઉપર, મન ઉપર અને બુદ્ધિ ઉપર સંયમ રાખી શકે છે. વાસ્તવિક જીવનમાં દરેક કાર્ય સરળતા અને સહયોગથી સંપૂર્ણ કરવાની કળા પ્રાપ્ત થાય છે. યોગ દ્વારા ઈશ્વરીય ગુણોથી પોતે બીજાના અલગ પ્રભાવશાળી દેખાય છે. કહેવાય છે કે પ્રકૃતિ, પશુ, પક્ષી માણસનું કોઈપણ કાર્ય યોગ દ્વારા પ્રભાવિત થઈ શકે છે. શાસ્ત્રોમાં યોગના અનેક ઉદાહરણો છે. દા. ત. 'યોગેશ્વર શ્રી કૃષ્ણે' 'ગીરીરાજ પર્વત ધારણ કર્યો ને યોગબળ જ છે' જયારે સ્વયંમ ભગવાન યોગને સ્વીકારે છે તો સહુએ યોગનો સ્વીકાર કરી જેમ ગીરીરાજ પર્વત ધારણ કરવા ગોવાળીયાએ શ્રી કૃષ્ણને સાથ આપ્યો તો આપણે પણ આપણા વડાપ્રધાનના વિચારોને વાચા આપી અને સંયોગી બનીએ.

યોગ દ્વારા શરીર સ્વસ્થ તો મન સ્વસ્થ અને મન સ્વસ્થ તો વિચારો બુદ્ધિ બળવાન, શરીર મંદિર જેવું પવિત્ર બનાવીએ. પ્રેમ, પ્રકાશ અને પવિત્રતા, પ્રસન્નતા પ્રકાશે તો શરીર રૂપી મંદિરમાં પ્રભુ પધારો, યોગ ફકત વ્યાયામ અને કસરત નથી પણ યોગ દ્વારા યોગેશ્વરને ઓળખવાનુ છે. સહીયારા સહકારથી વિશ્વમાં વાયબ્રેશન ફેલાવી શાંતિનો સંદેશ પહોંચાડવાનો છે.

ભારતના નકશામાં ઉપર હિમાલય, વચ્ચે નદીઓ, નીચે સમુદ્ર જે ઈશ્વરે આપેલી પ્રાકૃતિક ભેટ છે તેને પણ યોગ દ્વારા સહકાર આપીએ તો પ્રકૃતિ પણ આપણી વચ્ચે રક્ષક બની અને અમૂલ્ય પ્રેરણા આપતી રહે. આપણે પણ પ્રકૃતિની ગોદમાં પ્રેરણા લઈ અને રક્ષક બની યોગ દ્વારા હિમાલય જેવા અડીખમ નદીઓ જેવા પવિત્ર અને શુદ્ધ, પરોપકારી અને સમુદ્ર જેવી સમાવવાની વિશાળ શકિત પ્રાપ્ત કરી આપણુ અને આપણા દેશનું ગૌરવ વધારીએ. યોગ દિનને દિવસે નવી ઉર્જાનો સ્ત્રોત વહેડાવી વિશ્વ શાંતિ સ્થાપિત કરી સહભાગી થઈએ.

બી.કે. મૃદુલા ઠક્કર ફોન - ૦૨૮૧-૨૨૨૪૮૨૮, રાજકોટ

(3:49 pm IST)