રાજકોટ
News of Wednesday, 20th June 2018

સર્વાનુમતે રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખની ચૂંટણીનો ખેલ પાડવાનો પ્રતાપ કોટકનો દાવ નિષ્ફળ ગયો??

હસુ ભગદે સહિતના આગેવાનોનો સથવારો મળ્યાની ભારે ચર્ચાઃ રાજકોટ લોહાણા સમાજ ભૂંડો લાગે તેવા ભરચક્ક પ્રયાસો? લોહાણા મહાપરિષદના કેટલાક ટોચના આગેવાનોના છૂપા આશિર્વાદઃ સમાજનું માથું શરમથી ઝૂકી પડે તેવા કાવાદાવાની રમઝટઃ વૃધ્ધોનું મમત્વ જતું નથીઃ યુવાનોને દોર સોંપતા નથીઃ વિવાદનો વંટોળ

રાજકોટ તા. ર૦ :.. આગામી મહિને યોજાનાર લોહાણા મહાજન રાજકોટની ચૂંટણી સંદર્ભે રઘુવંશી પરિવારનાં નેજા હેઠળ ગઇકાલે રાત્રે કેશરીયા લોહાણા મહાજન વાડી કાલાવડ રોડ ખાતે ચૂંટણી લડનાર સંભવિત ઉમેદવારો, તેના ટેકેદારો તથા જ્ઞાતિ અગ્રણીઓની એક સંયુકત મીટીંગનું આયોજન શ્રી પ્રતાપભાઇ કોટક, શ્રી હસુભાઇ ભગદે, શ્રી પરેશભાઇ , શ્રી નિતીનભાઇ  અને તેમના સમર્થકો દ્વારા કરાયું હતું.

ચર્ચા પ્રમાણે મીટીંગનો હેતુ સમાજમાં ચૂંટણી ન થાય અને જ્ઞાતિજનોની હાજરીમાં સર્વમાન્ય અને સર્વ સ્વિકાર્ય ઉમેદવાર પ્રમુખ તરીકે પસંદ થાય તેવો ગણાવાયો હતો. પરંતુ ચુંટણી લડનારા સંભવિત ઉમેદવારો યોગેશભાઇ પુજારા, મિતેષભાઇ રૂપારેલીયા, બલરામભાઇ કારીયા વિગેરે  હાજર ન રહેતા  ઉપસ્થિત  શ્રી  પ્રતાપભાઇના મહદઅંશે સમર્થક મનાતા જ્ઞાતિજનોમાં સર્વસંમતિ સધાઇ શકી ન હતી. અન્ય જ્ઞાતિના કેટલાક લોકોની હાજરી પણ ધ્યાન ખેંચતી હતી.

હાજર રહેલ સંભવિત ઉમેદવારોમાં પ્રતાપભાઇ કોટક, રમેશભાઇ ધામેચા, હસમુખભાઇ બલદેવ, મુકેશભાઇ પુજારા વિગેરેનો સમાવેશ થતો હતો. હસમુખભાઇ બલદેવે પોતાના વકતવ્યમાં કહયું હતું કે જો પોતાના કરતા વધુ સારો ઉમેદવાર ચૂંટણી લડતો હશે તો પોતે તેને ટેકો આપશે અને સર્વસંમતિ સધાશે તો ચૂંટણી નહીં લડે. તેઓ દ્વારા હાજર રહેલ સૌ જ્ઞાતિજનો સમક્ષ એક-બે નામ પણ મૂકવામાં આવ્યા હતાં. પરંતુ તે નામ સ્વાભાવિક પ્રતાપ કોટક વિ.ને મંજૂર ન હતાં. ઉપરાંત જેઓના નામો મુકાયા તેમાં પણ કોઇકે તો  ચૂંટણી લડવાની અસહમતી દર્શાવી હતી...!

મિટીંગમાં  અચાનક જ પૂર્વયોજિત મનાતી  યોજના મુજબ આયોજકો દ્વારા હાજર રહેલ સૌને   કોરી ચીઠ્ઠીઓ આપવામાં આવી હતી. જેમાં દરેકે પોતાની રીતે ઇચ્છિત મહાજન પ્રમુખનું નામ લખવાનું કહેવાયું હતું. ત્યારબાદ તુરત જ તમામ ચીઠ્ઠીઓ ખોલીને બહુમત મેળવેલ નામ જાહેર કરવાની તૈયારી કરવામાં આવી હોવાનું પણ જાણવા મળે છે.

પરંતુ પ્રમુખપદના તમામ સંભવિત ઉમેદવારોની ગેરહાજરી, આશરે અઢી લાખની વસ્તી ધરાવતા સમાજના પ્રમુખપદ માટેની ચૂંટણી હાજર રહેલ એક જ સંસ્થાના માત્ર અઢીસો જ્ઞાતિજનો કરે ?! અને એ પણ આગોતરી જાણ વગર ? શું ચેરીટી કમિશનર દ્વારા થયેલ આદેશ પ્રમાણેની તારીખ પહેલા ચૂંટણી ?!, વિગેરે પ્રશ્નો અમુક અગ્રણીઓએ ઉઠાવતા 'ચીઠ્ઠિ દ્વારા મતદાન' કાર્યક્રમ માંડી વાળવામાં આવ્યો હતો. અમુક જ્ઞાતિજનો તો કર્ણોપકર્ણ એવી પણ ચર્ચા કરતા હતા કે મિટીંગનો એજન્ડા ચૂંટણી ન કરવી અને સર્વસ્વિકાર્ય ઉમેદવાર શોધવાનો સંભળાય છે,  જયારે અહીં તો 'ચીઠ્ઠી દ્વારા મતદાન' એ એક જાતની એકતરફી ચૂંટણી જ છે ને ?

જો કે પ્રતાપભાઇ કોટક, નવીનભાઇ ઠક્કર, જનકભાઇ કોટક, રમણભાઇ કોટક, હસમુખભાઇ બલદેવ, અતુલભાઇ રાજાણી, અજયભાઇ સંઘાણી, શાંતનુભાઇ રૂપારેલીયા, ઉમેશભાઇ નંદાણી, સુરેશભાઇ ચંદારાણા, પ્રવિણભાઇ કાનાબાર, કલ્પેશભાઇ તન્ના, મુકેશભાઇ પુજારા સહિતના અગ્રણીઓએ પોતાના વકતવ્યમાં સમાજની એકતા, જ્ઞાતિ ઉત્કર્ષ, સંગઠનની તાકાત, જ્ઞાતિ હિતના વિવિધ  કાર્યો, ચૂંટણીમાં સર્વ સંમતિ વિગેરેની તરફેણ કરી હતી.  શ્રી નિતીનભાઇ રાયચુરા, શ્રી અનિલભાઇ વણઝારા સહિતના સંખ્યાબંધ આમંત્રીતો - રઘુવંશી પરિવારના લોકો ઉપસ્થિત રહેલ.

અંતમાં રઘુવંશી પરિવારના હસુભાઇ ભગદેએ જાહેર કર્યુ હતું કે રઘુવંશી પરિવારના બેનર હેઠળ કોઇપણ સભ્ય લોહાણા મહાજન રાજકોટના પ્રમુખપદની ચૂંટણી નહીં લડે.  જો કે તેમણે પોદરામાં સાંઠીકડો તો ભરાવી જ દીધેલ અને કહેલ કે પ્રતાપભાઇ પોતાની રીતે સ્વતંત્ર લડવા માટે મુકત છે.

દરમિયાન વિગતે વાત જોઇએ તો આજથી રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખની ચૂંટણી માટે કોઇપણ કાયદેસરની વિધી વિના, ૩ સભ્યોની કમીટીને વિશ્વાસમાં લીધા સિવાઇ, ફોર્મ આપવાની પ્રક્રિયા શરૂ થઇ હોવાની જાહેરાત આપમેળે કાર્યવાહક પ્રમુખનો હોદ્દો ધારણ કરી લેનાર શ્રીમતિ કાશ્મીરાબેન નથવાણીએ તેમના નામ જોગ આપેલ જાહેર નોટીસ દ્વારા જણાવ્યુંછે.

ત્યારે ગઇ રાત્રે સર્વસંમતિના રૂપાળા નામ હેઠળ અલગ જ હેતુ સાધવા માટે ર૦૦-રપ૦ લોહાણા મિત્રોની એક મીટીંગ રઘુવંશી પરિવારના નેજા હેઠળ શ્રી પ્રતાપભાઇ કોટક, શ્રી હસુભાઇ ભગદે, પરેશભાઇ નિતિનભાઇ  વિ. આગેવાનોએ બોલાવી હતી તેવી ચર્ચા છ.ે

પોતાના નામ સંદર્ભે હાજર રહેલ નીતિનભાઈ રાયચુરાએ જણાવ્યુ હતું કે સમાજને પૂરતો સમય આપી શકુ તેમ નથી કારણ કે મારી ધંધાકીય વ્યસ્તતા છે તથા પ.પૂ. હરિચરણદાસજીબાપુ (ગુરૂદેવ) સાથે મારે સેવાર્થે સતત રહેવાનું હોય છે.

 શાંતનુભાઈ રૂપારેલીયાએ પણ પોતાની અંગત વ્યસ્તતાનું કારણ આપીને મહાજન પ્રમુખપદની ચૂંટણી લડવા કે સર્વસંમતિથી પ્રમુખપદ સ્વીકારવા અનિચ્છા દર્શાવી હતી.

રાજકોટ લોહાણા મહાજનની ચૂંટણીમાં પ્રથમથી જ લોહાણા મહા પરિષદના અગ્રણીઓ સતત ચંચૂપાત કરી માહોલ બગાડી  રહ્યાની પણ સમાજમાં ભારે ચર્ચા છે.

સર્વસંમતિથી પ્રમુખ બનવા બાબતે નકારાત્મક પ્રતિભાવ આપતા ઉમેશભાઈ નંદાણીએ હાજર રહેલ સૌ જ્ઞાતિજનોને પોતાની ધંધાકીય વ્યસ્તતા તથા અન્ય અંગત કારણોસર પૂરતો સમય નહિં આપી શકે તેવું જણાવ્યુ હતું. રાજુભાઈ પોબારૂ કોઈ કારણોસર મીટીંગમાં હાજર રહ્યા ન હતા. પરંતુ સ્થળ ઉપર ચર્ચાતી વિગતો પ્રમાણે તેઓ મીટીંગમાં હાજર રહેલ અમુક અગ્રણીઓના સતત ટેલીફોનિક સંપર્કમાં હતા. મીટીંગના અંતે એવુ પણ નક્કી થયાનું જાણવા મળે છે કે સંજોગોને આધીન જો યોગ્ય લાગશે તો ફરી વખત પ્રમુખપદની ચૂંટણી સમરસ કરવાના હેતુથી બે-ત્રણ દિવસ પછી રઘુવંશી પરીવારના નેજા હેઠળ જ્ઞાતિજનોની એક મીટીંગ બોલાવવામાં આવશે.!!

રઘુવંશી પરીવારના બેનર હેઠળ કોઈ સભ્ય ચૂંટણી નહિં લડે તે બાબતની જાહેરાત હસુભાઈ ભગદે દ્વારા કરવામાં આવી છે ત્યારે સોશ્યલ મીડિયામાં બે દિવસ પહેલા રઘુવંશી પરીવારના સત્તાવાર ઉમેદવારો તરીકે જાહેર થનાર પ્રતાપભાઈ કોટક અને કલ્પેશભાઈ તન્ના વ્યકિતગત રીતે મહાજન પ્રમુખપદની ચૂંટણી લડશે કે કેમ તેવો પ્રશ્ન જ્ઞાતિજનોમાં ચર્ચાય રહ્યો છે.

આ પ્રશ્નનો છેદ ઉડાડતી અને કર્ણોપકર્ણ ચર્ચા પ્રમાણે જો પ્રતાપભાઈ કોટક પોતાની રીતે વ્યકિતગત ચૂંટણી લડે તો ચૂંટણી લડવાનો તમામ ખર્ચો પરીન ફર્નીચરવાળા ઉમેશભાઈ નંદાણી ભોગવશે.!!

મીટીંગમાં નજરે જોનાર અને સાંભળનાર અમુક જ્ઞાતિજનો વચ્ચે કાન ફાડી નાખે તેવી ચર્ચા છે કે રમેશભાઈ ધામેચા, યોગેશ પુજારા, મિતેશ રૂપારેલીયા, બલરામ કારીયા સહિતના  લડાયક અને તેજતર્રાર ઉમેદવારોને ચૂંટણી લડતા અટકાવવા છેલ્લા આઠ દિવસોથી સર્વમાન્ય નામ નક્કી કરવાનો કહેવાતો ત્રાગડો રચાતો હતો. જેના ભાગરૂપે ગઈકાલે મીટીંગ હોલની બહાર ફર્ન હોટલવાળા નીતિનભાઈ રાયચુરા, ઉમેશભાઈ નંદાણી, શાંતનુભાઈ રૂપારેલીયાએ ખાનગી મીટીંગ કરી રાજુભાઈ પોબારૂ સહિતનાઓએ ઉમેશભાઇના નામ માટે  મંજુરી પણ આપેલ. સર્વમાન્ય પ્રમુખપદ માટે આ નામ જાહેર કરવાની તૈયારીઓ કરી હતી.

પરંતુ તેવામાં ટેકેદારોની બાતમી મુજબ અચાનક રમેશભાઈ ધામેચા ત્યાં આવી ચડતા અને સમગ્ર પરિસ્થિતિ પારખી જતાં કહેવાતા સમાજ શ્રેષ્ઠીઓની બાજી ઉંધી પડી ગઈ હોવાનું સંભળાય છે. આ બાબતને લઈને રમેશભાઈ ધામેચા તેઓના ગ્રુપ - ટેકેદારો સાથે ઉઠીને ચાલતા થતા કહેવાતા સમાજ શ્રેષ્ઠીઓ દ્વારા ઘીના ઠામમાં ઘી પાડવાના હેતુથી તેઓને રોકવાની કોશીષ કરવામાં આવી હતી. સૌની સમજાવટથી રોકાઈ તો ગયા, પરંતુ સર્વસંમતિના ઓઠા હેઠળ બંધબારણે સગવડીયા અને કહ્યાગરા પ્રમુખ નક્કી કરવાના મનસુબા ઉપર ચોક્કસપણે પાણી ફરી ગયુ હોવાનું જ્ઞાતિજનોમાં ચર્ચાઈ રહ્યુ છે. જો કે ર-૩ દિવસમાં પ્રતાપભાઇ એન્ડ કાું. તરફથી નવો ખેલ આવી રહ્યાની પણ ભારે ચર્ચા છે.

(4:15 pm IST)