રાજકોટ
News of Wednesday, 20th June 2018

લોહાણા મહાજનની ચૂંટણી બંધારણ વિરૂધ્ધ : ફરી ચૂંટણી આવી પડશે

પુરૂષોત્તમ પીપરીયાનું રાજકોટ લોહાણા મહાજનની ચૂંટણી અંગેનું કાયદાકીય મંતવ્ય ખૂબ જ ગંભીરતા દર્શાવે છે : રાજકોટ લોહાણા મહાજનના હાલના પ્રમુખે બંધારણ - જોગવાઇઓ મુજબ કાર્યવાહી કરી નથી ! જાહેરનામુ બંધારણ વિરૂધ્ધ

રાજકોટ તા. ૨૦ : મીનાબેન જયંતિભાઇ કુંડલીયા ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટના મંત્રીશ્રી અને સહકારી બેન્કીંગ વર્તુળમાં કાયદે આઝમ તરીકે પ્રખ્યાત ડો. પુરૂષોત્તમ પીપરીયાએ જણાવ્યું છે કે, રાજકોટ લોહાણા મહાજનનાં પૂર્વ પ્રમુખ સ્વ. જયંતિભાઇ કુંડલીયા સાથે કામ કરવાની બહુમુલ્ય તક મને મળેલ તે અન્વયે લોહાણા જ્ઞાતિના અનેક શ્રેષ્ઠીઓ સાથે પારીવારીક સબંધો રહ્યા છે એટલુ જ નહિં મારા જીવન ઘડતરમાં અને પ્રગતિમાં લોહાણા કોમ્યુનિટીનો સવિશેષ ફાળો રહ્યો હોય ત્યારે લોહાણા કોમ્યુનિટીનાં હિત સબંધીત શુભ થતુ હોય તેવા દિશા સૂચન કરવા એ મારી પવિત્ર ફરજ હોય તાજેતરમાં અખબારી માઘ્યમો દ્વારા લોહાણા મહાજનની ચંૂટણી સંદર્ભિત કેટલીક બાબતો પ્રસિઘ્ધ થયેલ.

કાનુની ક્ષેત્રમાં પ્રોફેશ્નલ તરીકે તેમજ જયંતિભાઇ કુંડલીયાના અંગત મદદનીશ તરીકે કામ કરવા થી રાજકોટ લોહાણા મહાજનનાં બંધારણનો અભ્યાસ કરવાની તક મળેલ તેથી લોહાણા મહાજનની ચૂંટણી સંદર્ભે મારા તારણો રજુ કરૂ છું.

નામદાર મદદનીશ ચેરીટી કમિટિ સાહેબના આદેશથી રાજકોટ લોહાણા મહાજનની ચૂંટણી કરવા માટે તા. ૧૮–૦૬–ર૦૧૮ ના રોજ અખબારી યાદી દ્વારા જાહેરનામુ/જાહેર નોટીશ પ્રસિઘ્ધ કરવામાં આવેલ છે તે જાહેરનામુ તેમજ નામદાર કમિશ્નર સાહેબના હુકમ અને રાજકોટ લોહાણા મહાજનનાં બંધારણનો અભ્યાસ કરતા ચૂંટણી અંગેનું જાહેરનામું ક્ષતિગ્રસ્ત અને મહાજનનાં બંધારણની જોગવાઇને શુસંગત ન હોવાનું પ્રથમ દર્શનીય જણાય છે.

રાજકોટ લોહાણા મહાજનનાં બંધારણમાં ચુંટણીને લગતી બંધારણીય જોગવાઇ ઉપર દ્રષ્ટિપાત કરીએ તો...

કલમ – ૩ :    કાર્યક્ષેત્ર

બંધારણ મુજબ : આ સંસ્થાનું કાર્યક્ષેત્ર રાજકોટ શહેર સુધરાઇહદ પુરતુ મર્યાદિત રહેશે.

વિવરણ : રાજકોટ શહેર સુધરાઇહદ એટલે કે રાજકોટ મ્યુનિસપલ કોર્પોરેશનમાં જેટલા વોર્ડ છે તે વોર્ડ વિસ્તારને કાર્યક્ષેત્ર કહેવાય પરંતુ જાહેરનામાં માત્ર રાજકોટમાં રહેતા હોય તેવી અધુરી વિગત છે.

કલમ – ૬ :    રાજકીય બાબતો

બંધારણ મુજબઃ આ સંસ્થા કોઇપણ પ્રકારની રાજકીય પ્રવૃતિઓમાં ભાગ લેશે નહિ.

વિવરણ : જયારે સંસ્થા કોઇપણ રાજકીય પ્રવૃતિમાં ભાગ લઇ શકે નહીં તેવી બંધારણમાં જોગવાઇ હોય ત્યારે બંધારણનો ઇરાદો વાંચવો જોઇએ. બંધારણનો ઇરાદો જોતા કોઇપણ રાજકીય પક્ષનાં સભ્ય કે હોદ્ેદારો જો મહાજન સમિતિમાં ચૂંટાઇને આવે તો સંસ્થા રાજકીય પ્રવૃતિનું પ્લેટફોર્મ બની શકે છે. આથી સદર કલમનો ઇરાદો ઘ્યાને લઇ ઇરાદાને સિઘ્ધ કરવા માટે સમિતિમાં કે હોદે્દાર તરીકે રાજકીય વ્યકિતઓએ અલિપ્ત રહેવુ જોઇએ તે તેમની જ્ઞાતિજન તરીકે પવિત્ર ફરજ છે.

કલમ – ૮ :    સભાસદ

બંધારણ મુજબઃ આ સંસ્થાના કાર્યક્ષેત્રમાં છેલ્લા એક વર્ષ થયા વસવાટ કરનાર ર૧(એકવીસ) વર્ષની ઉંમર કે તેથી વધુ ઉમરની કોઇપણ જ્ઞાતિબંધુ તથા ૧૮(અઢાર) વર્ષની ઉમંર કે તેથી વધુ ઉંમરની કોઇપણ જ્ઞાતિ બહેન આ સંસ્થાના સભાસદ ગણાશે.

નોટીસ મુજબ : છેલ્લા એક વર્ષ થી રહેતા હોય તેવા તમામ પુખ્તવયનાં લોહાણા સ્ત્રી–પુરૂષોમાંથી કોઇપણ ઉમેદવારી કરી શકશે અને મતદાન કરી શકશે તેમ જણાવેલ છે.

અભિપ્રાય :     કાયદા મુજબ પુખ્તવય એટલે ૧૮ વર્ષ કે તેથી વધુ ઉંમરને ગણવામાં આવે છે જયારે લોહાણા મહાજનનાં બંધારણમાં પુખ્તવય શબ્દને બદલે જ્ઞાતિબંધુની સભાસદ તરીકેની ઉંમર ર૧ વર્ષની મુકરર કરવામાં આવેલ હોય નોટીસમાં દર્શાવેલ આ બાબત બંધારણની વિરૂઘ્ધ હોવાનું રેકર્ડ ઉપર થી સ્પષ્ટ જણાય છે.

કલમ – ૧૧ :   સામાન્ય સભા (સમસ્ત જ્ઞાતિ સભા) આ બંધારણના નિયમ ૮ પૈકીના હાજર રહેલા સભાસદોની સભાને સામાન્ય સભા તરીકે ઓળખવામાં આવશે. ૧૧(૩) દર ત્રણ વર્ષે વર્ષ પુરૂ થયે બે માસની અંદર નીયમ ૮ પૈકીના સભાસદોમાંથી ર૪ મુરબ્બી સભાસદો તથા ઓછામાં ૧૧ સ્ત્રી સભાસદો સહિત કુલ ૧રપ સભાસદોની એક મહાજન સમિતીની ચુંટણી કરશે.

નોટીસ મુજબ : મહાજન સમિતિનાં પ્રમુખ તરીકેની ચૂંટણી કરવા માટે સામાન્ય સભા(સમસ્ત જ્ઞાતિ સભા)ના સદસ્યો એટલે કે જ્ઞાતિ સભાસદોને મતદાન કરવા માટે નિમંત્રીત કરવામાં આવેલ છે.

વિવરણ : બંધારણની કલમ–૧૧(ર) મુજબ મહાજન સમિતિના પ્રમુખ તરીકે માત્ર મહાજન સમિતિનાં ૧રપ સભ્યો જ ચૂંટી શકે છે જયારે જાહેરનામામાં મહાજન પ્રમુખ તરીકે સભાસદો ચૂંટશે તેવી મતલબની નોટીસ છે. જે રાજકોટ લોહાણા મહાજનના બંધારણની તદન વિપરીત છે. બંધારણ મુજબ જ્ઞાતિના કલમ–૮ મુજબનાં સભાસદો મહાજન સમિતિનાં ૧રપ સભ્યોને ચૂંટશે અને ત્યાર બાદ ૧રપ સભ્યો મહાજન સમિતિનાં પ્રમુખ તરીકે પોતાના માંથી એક વ્યકિતને ચૂંટશે. જો જાહેરનામા મુજબ ચૂંટણી કરવામાં આવશે તો તે તદન ગેરબંધારણીય હોય ફરીથી વિવાદો વકરવાની અને જ્ઞાતિ શાખને નુકશાન જવાનો પુરેપુરો ભય છે.

કલમ–૧ર :     મહાજન સમિતિ

       -   કલમ–૧ર(૧)મુજબ નિયમ–૧૧(૩) પ્રમાણે ચુંટાયેલ મહાજન સમિતિ વધુમાં વધુ ર૪ મુરબ્બી સભાસદો તથા ઓછામાં ૧૧ સભાસદો સહિત કુલ ૧રપ સભાસદોની રહેશે.

       -   કલમ–૧ર(ર) મુજબ દર ત્રણ વર્ષે પોતામાંથી એક પ્રમુખ તથા એક ઉપપ્રમુખની ચુંટણી કરશે, તેમજ દર વર્ષે વર્ષ પુરૂ થયે બે માસની અંદર બે સંયુકત મંત્રીઓ તથા એક ઓડીટરની ચુંટણી કશે.

       -   કલમ–૧ર(પ) મુજબ દર વર્ષે વર્ષ પુરૂ થયે વધુમાં વધુ બે માસની અંદર પોતામાંથી ઓછામાં ઓછા બે સ્ત્રી સભાસદો સહિત કુલ ર૧ સભાસદોની એક કારોબારી સમિતીની ચુંટણી કરશે તથા મંદિર સમિતિ માટે ૧૧ સભાસદોની ચુંટણી કરશે.

નોટીસ મુજબ : નોટીસમાં મહાજન સમિતિની ચૂંટણી કરવાની જોગવાઇ ને બદલે વિજેત ઉમેદવાર એટલે કે મહાજન પ્રમુખને ૧રપ સભ્યોની મહાજન સમિતિ રચના કરવા માટે આમંત્રણ આપવાની જોગવાઇ છે. નોટીસમાં જ્ઞાતિ સભાસદો મહાજન સમિતિને ચૂંટવાને બદલે સિધા મહાજન પ્રમુખની ચૂંટણી કરશે. જયારે બંધારણમાં માત્ર સમિતિના સભ્યોને જ પ્રમુખ ચૂંટવાની સત્તા છે. આને ટુંકમાં જોઇએ તો જોગવાઇ ભારતીય લોકશાહીની ચૂંટણીમાં જે રીતે સાંસદો વડાપ્રધાનને ચૂંટે છે જયારે અમેરીકામાં મતદારો સિધા જ પ્રમુખને ચૂંટે છે. એટલે કે અહિંયા બંધારણમાં જોગવાઇ ભારતીય લોકશાહી મુજબની છે જયારે ચૂંટણી અમેરીકન લોકશાહી મુજબ થઇ રહી છે. આમ આખી ચૂંટણી પ્રક્રીયા ગેરબંધારણીય છે.

તારણ :   લોહાણા મહાજનની ચૂંટણી અંગેનું જાહેરનામું/જાહેર નોટીસ અને રાજકોટ મહાજનના બંધારણનો અભ્યાસ કરતા ચૂંટણીની રીત બંધારણની વિરૂઘ્ધ હોય ફરી થી ચૂંટણી થવાની શકયતાઓ નકારી શકાય તેમ નથી જો કોઇપણ જ્ઞાતિબંધુ આ ચૂંટણીને પડકારશે તો આ ચૂંટણી ચોક્કસ પણે ગેરબંધારણીય ઠરશે તેવુ દ્રઢ પણ માનુ છું. ફરી થી ચૂંટણી કરવાની વખત આવવાની પુરે પુરી શકયતાઓ હોય ચૂંટણીના ખર્ચ, માનવ કલાકો, મહાજનની શાખ વિગેરે ઉપર વિપરીત અસર થશે. હજુ પણ વ્યવસ્થીત ચૂંટણી કરવા માટે તક અને સમય છે જરૂર પડે તો ચેરીટી કમિશ્નરને અરજી કરી ચૂંટણીના સમયમાં વ્યાજબી કારણોસર વધારો કરી આપવા જણાવવું જોઇએ. ચૂંટણીની પ્રક્રિયા/કાર્યરીતી અંગેનાં નિયમો તૈયાર કરી સાધારણ સભામાં તેને મંજુર કરાવી નિયમો અનુસાર ચૂંટણી થાય તો વિવાદો, સમય, ખર્ચ અને શાખને બચાવી શકાય તેમ છે. જરૂર પડયે ચૂંટણીના નિયમનો નમુનારૂપ મુસ્દો તૈયાર કરવાની સેવા આપવા મને રાજીપો થશે.

ડો. પુરૂષોત્તમ પીપરીયા

મંત્રીશ્રી, મીનાબેન જયંતિભાઇ કુંડલીયા ચેરીટેબલ ટ્રસ્ટ,રાજકોટ.

(3:25 pm IST)