રાજકોટ
News of Friday, 20th May 2022

અંધશ્રધ્‍ધાઃ તાવ ઉતારવા માટે બે માસની પ્રિયાને ભુવાએ સોય ધગાવી ડામ દીધા

ગોંડલના ગુંદાળામાં રહી કડીયા કામની મજૂરી કરતાં એમપીના દંપતિએ પ્રથમ વતનમાં પુત્રીની દવા કરાવી ફરે ન પડતાં પરિચીત ગોધરા લઇ ગયો ત્‍યાં ડામ દેવાયાઃ બાળકી રાજકોટ સારવાર હેઠળ

રાજકોટ તા. ૨૦: ઇન્‍ટરનેટના યુગમાં પણ અમુક લોકો અંધશ્રધ્‍ધામાં રાચતાં હોય છે. ગોંડલના ગુંદાળા ગામે રહી કડીયા કામની મજૂરી કરતાંમુળ મધ્‍યપ્રદેશના દંપતિની બે મહિનાની દિકરી અંધશ્રધ્‍ધાનો ભોગ બનતાં રાજકોટ સિવિલ હોસ્‍પિટલ કે. ટી. ચિલ્‍ડ્રન વિભાગમાં સારવાર માટે દાખલ કરવી પડી છે. બાળકીને તાવ આવતો હોઇ માતા-પિતાએ પહેલા વતન જઇ દવા સારવાર કરાવી હતી. પણ ફરક ન પડતાં ગામનો કોઇ પરિચીત તેને ગોધરા લઇ ગયો હતો અને ત્‍યાં બાળાને સોયથી ડામ દેવામાં આવ્‍યા હતાં. એ પછી બાળકીની તબિયત વધુ બગડી હોઇ ગોંડલ સારવાર અપાવી રાજકોટ ખસેડવામાં આવતાં તબિબે આ ઘટનામાં પોલીસ કેસ જાહેર કર્યો હતો.

ગોંડલ ગુંદાળા ચોકડી જીવરાજ પાર્ક સાઇટ પર રહી કડીયા કામની મજૂરી કરતાં મધ્‍યપ્રદેશ જાંબુવાના અખીલેશ મેથલા ભુરીયા અને ધન્‍નુ અખિલેશ ભુરીયાની એકની એક દિકરી પ્રિયા (ઉ.૨ મહિના)ને પંદરેક દિવસ પહેલા તાવ આવતો હોઇ માતા-પિતા બાળકીને લઇ પોતાના વતન ગયા હતાં અને ત્‍યાં ડોક્‍ટર પાસે દવા-સારવાર કરાવી હતી. પરંતુ તાવમાં ફરક ન પડતાં અને આંચકી જેવું પણ થઇ જતાં કોઇ સ્‍થાનિક પરિચીત આ દંપતિને તેની બાળકી સાથે ગોધરા લઇ ગયો હતો અને ત્‍યાં કોઇ ભુવાને બાળકીને ગરમ સોયથી પેટ છાતીના ભાગે ડામ દીધા હતાં. બાળકીની માતા ધન્‍નુએ કહ્યું હતું કે ડામ દેવાયા પછી પણ દિકરીને સારુ થયું નહોતું અને બાદમાં ગોંડલ આવી ત્‍યાની ખાનગી હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવી હતી. એ પછી બાળકીને ડામ દેવાયો હતો તેમાં રૂઝ આવી ગઇ હતી પરંતુ તેની તબિયત સારી રહેતી ન હોઇ ગોંડલથી રાજકોટ લઇ જવા કહેવાયું હતું. રાજકોટ કે. ટી. ચિલ્‍ડ્રન હોસ્‍પિટલ વિભાગના તબિબે આ બનાવને એમએલસી કેસ જાહેર કરતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે પોલીસ કેસ જાહેર થયો હોઇ ગોંડલ તાલુકા પોલીસને જાણ કરી હતી. 

(1:30 pm IST)